• શનિવાર, 27 જુલાઈ, 2024

વિપક્ષી મોરચો : રાજ્યો કે લોકસભા માટે?

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ

નરેન્દ્ર મોદી સામે કૉંગ્રેસે-ઇન્ડિ-એલાયન્સના નામે મોરચો ઊભો કર્યો છે, પણ હજુ `એકતા' નથી. મુખ્ય પ્રશ્ન એ છે કે, વિધાનસભાઓની આગામી ચૂંટણી માટે મોરચો છે - કે લોકસભા માટે? કૉંગ્રેસી મોરચામાં પ્રાદેશિક પક્ષોની બહુમતી છે અને આ પક્ષોના નેતાઓ - કેજરીવાલ, અખિલેશ યાદવ, નીતિશ, મમતાદીદી વગેરે કૉંગ્રેસને વધુ બેઠકો આપવા તૈયાર નથી. જે રાજ્યોમાં એમની સરકારો છે - અથવા તો ભાજપના વિકલ્પ તરીકે સત્તા મળવાની આશા છે - ત્યાં કૉંગ્રેસને શા માટે ભાગ આપવો? કેજરીવાલે શરૂઆત કરી છે કે રાજ્યોની ચૂંટણીમાં અલગ - `છુટ્ટો હાથ' અને લોકસભાની ચૂંટણીમાં સાથી-હાથ બઢાના! કૉંગ્રેસને આ વાત સ્વીકાર્ય નથી. પાંચ રાજ્યોની આગામી ચૂંટણીમાં અન્ય તમામ પક્ષો કૉંગ્રેસને સાથ-સમર્થન આપે અને કૉંગ્રેસને સત્તા મળે. ભાજપ સામે માત્ર કૉંગ્રેસ છે - પણ મોદી સામે રાહુલ ગાંધી સાથે અન્ય નેતાઓ હોવા જોઈએ! રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસને બહુમતી મળે તો લોકસભામાં વધુ-બહુમતી બેઠકોની માગણી અને દાવો થઈ શકે. અર્થાત્ વડાપ્રધાનપદના કોઈ હરીફ રહે જ નહીં! આ વ્યૂહ મુજબ કૉંગ્રેસે બીજી-અૉક્ટોબરે પોરબંદરથી ભારત જોડો યાત્રા શરૂ કરવાનું વિચાર્યું છે - જાનમાં સૌએ જોડાવું પડે! આ વ્યૂહ કૉંગ્રેસનો છે, પણ છેલ્લું હાસ્ય તો મોદીનું હશે. છેલ્લી ઘડીએ આગામી રાજ્યો સાથે જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તો વિપક્ષની બાજી ઊંધી વળી જાય! અત્યારે ભાજપ અને મોદી-ભાજપનો પ્રચાર કરે છે - માત્ર રાજ્યનો નહીં! લોકસભાની ચૂંટણી પણ રાજ્યો સાથે કરવાનો વ્યૂહ વડાપ્રધાન મોદીનો છે જ. દરમિયાન ડીએમકેના નેતા ઉદયનિધિએ સનાતન ધર્મ ઉપર પ્રહાર અને ધાકધમકી આપ્યા પછી ભાજપને મુદ્દો નહીં, શસ્ર મળ્યું છે જે લોકસભાની ચૂંટણી માટે પણ ઉપયોગી છે. દરમિયાન, બેઠકોની સંખ્યા અને વહેંચણીની ચર્ચા પણ થઈ રહી છે. ભાજપ - એનડીએ સામે નવા નામે વિપક્ષોનો નવો મોરચો - એલાયન્સ `ઇ.ન્ડિ.યા.' છે. મોદીએ જૂના `એનડીએ'ને મૂળ સ્વરૂપ આપીને સજ્જ બનાવવાની શરૂઆત કરી છે. ત્યારે પ્રશ્ન એ છે કે કૉંગ્રેસ - મોદીને હટાવવામાં સફળ થશે? 2014માં 282 બેઠકો મેળવ્યા પછી 2019માં ભાજપે 303 બેઠકો મેળવી - એનડીએના ભાગીદાર પક્ષોની બેઠકો સાથે કુલ 353 બેઠકો હતી. આ પછી અકાલી દળ અને શિવસેના અલગ થયા તો પણ ભાજપ અકબંધ છે. 303 બેઠકોમાંથી 200થી 225 બેઠકો એક લાખથી વધુ મતની બહુમતીથી મળી હતી - અને તેમાં પણ 103 ભાજપ ઉમેદવારો ત્રણ લાખથી વધુ સરસાઈથી જીત્યા હતા. હવે ઉમેદવારો બદલાય તો પણ 200 બેઠકો `સલામત' ગણાય. વિપક્ષો એક સામે એક ઉમેદવાર મૂકે તો પણ ભાજપ આ બેઠકો જાળવી રાખે એવી ગણતરી છે. લોકસભામાં સ્પષ્ટ બહુમતી - 272 બેઠકો મેળવવા માટે બાકીની લગભગ 100 બેઠકો મળવી જોઈએ. અત્યારે 13 રાજ્યોમાં વિપક્ષી સરકારો છે - અને ત્યાંની - બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કર્ણાટક સહિત - કુલ 298 બેઠકોમાંથી ભાજપે 119 મેળવી હતી. 2024માં આ મુખ્ય રાજ્યોમાં કેટલી બેઠકો જળવાય તેના ઉપર આધાર છે. મહારાષ્ટ્રમાં 48માંથી 23 ભાજપને અને 18 શિવસેનાને મળી હતી. હવે શિવસેના ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં વિભાજન થયા પછી ભાજપને બહુમતી મળવાનો વિશ્વાસ છે. 2024 લોકસભાની ચૂંટણી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાઓની સાથોસાથ થશે એમ જણાય છે. આ ચાર રાજ્યોમાં તેલંગાણા સિવાય ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે અને મોદી અને લોકસભાની ચૂંટણીને કારણે ભાજપને વિધાનસભાઓમાં પણ બહુમતી મળે તો ઇન્ડિ-એલાયન્સમાં કૉંગ્રેસના ભાવ ઘટી-તૂટી જાય. નરેન્દ્ર મોદી અને ભાજપ માટે રાજ્યો મહત્ત્વનો આધાર છે. 2019માં ચાર રાજ્યોમાં લોકસભાની 82માંથી 65 બેઠકો ભાજપે મેળવી હતી. રાજસ્થાનમાં 25માંથી 24, મધ્યપ્રદેશમાં 29માંથી 28, છત્તીસગઢમાં 11માંથી નવ અને તેલંગાણામાં 17માંથી ચાર બેઠકો મળી હતી. હવે છત્તીસગઢમાં કૉંગ્રેસને ફરીથી સત્તા મળવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભાજપના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ લોકપ્રિય છે પણ અઢાર વર્ષ પછી નવો ચહેરો આપવાનું જોખમ ભાજપ નહીં ખેડે એવી ધારણા છે. એમની સામે કૉંગ્રેસના કમલનાથ હવે `સવાયા હિન્દુ'ની ભૂમિકામાં છે. ઇમર્જન્સીના અત્યાચારમાં સંજય ગાંધીનો જમણો હાથ હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પછી મુખ્ય પ્રધાન બન્યા અને કેન્દ્રીય એજન્સીઓને ભ્રષ્ટાચારની તપાસ કરતા રોકયા હતા. એમની સરકાર પડયા પછી શિવરાજસિંહ મુખ્ય પ્રધાન છે. હવે ભાજપે કેન્દ્રીય પ્રધાનોને પણ શિવરાજની મદદે ઉતાર્યા છે. રાજસ્થાન કૉંગ્રેસમાં વિખવાદ ગંભીર છે - હાલ તુરંત મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે `સમાધાન' થયું છે. છત્તીસગઢમાં કૉંગ્રેસી મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સામે ભાજપ પાસે શક્તિશાળી નેતા નથી. તેલંગાણામાં પ્રાદેશિક પક્ષ - કે. ચન્દ્રશેખર રાવ અને કૉંગ્રેસ વચ્ચે મુકાબલો છે. ભાજપે ચન્દ્રશેખર રાવનાં પુત્રી કવિતા સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી છે. પણ વિધાનસભાનાં ચૂંટણી પરિણામ પછી ભાજપ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી અને ટિકિટોની વહેંચણી આસાન નહીં હોય, વિપક્ષી એકતાની કસોટી ત્યારે જ થશે. અૉક્ટોબરની આખર સુધીમાં ટિકિટોની વહેંચણી થઈ જવાની આશા વ્યક્ત થાય છે. મોરચામાં પ્રાદેશિક પક્ષોની બહુમતી છે. અપની ગલીમેં સબ શેર! ભાગ પડાવવા કોણ તૈયાર થશે? જીતવાની ખાતરી હોય એવી બેઠકો છોડવા કોઈ તૈયાર નહીં થાય, કારણ કે કૉંગ્રેસની જેમ દરેક પક્ષ માટે અસ્તિત્વનો સવાલ છે. મોરચામાં પણ પોતાના ભાગે વધુ બેઠકો હોય તો - અને જ્યારે સત્તા મળે ત્યારે મોટો ભાગ મળી શકે! આમાં કૉંગ્રેસને કેટલો ભાગ મળી શકે? `ઇન્ડિયા'ની જાહેરાત થયા પછી માર્ક્સવાદી પક્ષના કાર્યકરોનો વિરોધ છે - બંગાળની પંચાયત ચૂંટણીઓમાં થયેલા હિંસાચારનો ભોગ ભાજપ સાથે માર્ક્સવાદી કાર્યકરો પણ હતા. મમતા બેનરજી સામે ઉગ્ર વિરોધ છે. તેથી ડાબેરીઓને સમજાવાઈ રહ્યા છે કે બંગાળમાં આપણી લડત ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બન્ને સામે છે - કોઈ સમજૂતી નહીં થાય. આવી જ રીતે કેરળમાં માર્ક્સવાદીઓ કૉંગ્રેસ સામે લડી અને જીતી રહ્યા છે. કૉંગ્રેસ કેરળ અને બંગાળમાં શું કરશે? અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં કૉંગ્રેસને બેઠકો `દાન'માં આપશે? કેન્દ્રીય વટહુકમનો વિરોધ કરીને સંસદમાં સમર્થન આપવાના પ્રશ્ને કૉંગ્રેસ કેજરીવાલના ઘૂંટણિયે પડયા પછી હવે કૉંગ્રેસને રાજી રાખવા તૈયાર થશે? કે દિલ્હીમાં ભાજપની બેઠકો સામે લડવાની સલાહ આપશે? સૌથી મહત્ત્વનો પ્રશ્ન ઉત્તર પ્રદેશમાં છે. અખિલેશ યાદવ કૉંગ્રેસ સાથે સમજૂતી કરીને હારી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાંથી કૉંગ્રેસને `રાજ્યવટો' મળ્યો છે, રાહુલ ગાંધી દર વખતે હાર્યા છે. કેરળમાં રાજ્યાશ્રય લીધો છે. હવે અખિલેશ યાદવ રાહુલ ગાંધીની `ઘરવાપસી' કરાવશે? ભાજપ માટે પણ ઓછા-વધતા અંશે ટિકિટોની વહેંચણીની સમસ્યા હશે જ. વર્તમાન સભ્યોના સ્થાને નવા ઉમેદવાર નક્કી થાય ત્યારે વિરોધ થશે. હરિયાણાની જનનાયક જનતા પાર્ટીને આમંત્રણ અપાયું ત્યારે સ્થાનિક નેતાઓનો વિરોધ હતો. ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ, ભારતીય સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભરને ભાજપમાં પ્રવેશ અપાયો ત્યારે પણ ભાજપમાં નારાજી હતી. બિહારમાં રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને લોકજનશક્તિ પાર્ટી બનાવી છે - વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નીતીશ કુમાર સાથે રહીને ચિરાગને દૂર રાખ્યા હતા. આ પછી એમના પિતરાઈ ભાઈ પશુપતિકુમાર પાસવાનને કેન્દ્રીય પ્રધાનમંડળમાં લીધા ત્યારે પણ ચિરાગ નારાજ હતા. હવે મોદીએ એમને મનાવી લીધા છે - છતાં બન્ને ભાઈઓ વચ્ચે ખટરાગ છે. નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ સામે ચિરાગ પાસવાનનો યુવા-ચહેરો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર રાજ્ય સરકારમાં જોડાયા પછી શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોય તે સ્વાભાવિક છે. ભાજપ મોટા ભાગની બેઠકો પોતાની પાસે રાખશે અને પરિણામ આવ્યાં પછી અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવાય કે નહીં તે વિચારાશે. બંગાળમાં દિનેશભાઈ ત્રિવેદીએ તૃણમૂલ કૉંગ્રેસ અને રાજ્યસભામાંથી પણ રાજીનામું આપવા છતાં ભાજપમાં સ્થાન-માન આપવામાં આવ્યા નથી - તેનો રંજ હોય તે પણ સ્વાભાવિક છે. રાજકારણમાં કોઈ કાયમના શત્રુ કે મિત્ર નથી હોતા. તેવી જ રીતે કાયમ કોઈને રાજી-નારાજ પણ રાખી શકાય નહીં. ચૂંટણીની મોસમ આવે ત્યારે ખેંચતાણ અને નારાજી હોય જ, પણ ભાજપ અને કૉંગ્રેસમાં મોટો તફાવત છે. ભાજપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાક વાગે છે. આણ પ્રવર્તે છે અને એમનો નિર્ણય સર્વસ્વીકાર્ય હોય છે, કારણ કે ભાજપ અને મોદી દેશહિતમાં છે. બીજી બાજુ - કૉંગ્રેસના મોરચામાં `સમાધાન' માટે આખરે સોનિયાજી આવ્યાં. રાહુલ ગાંધીને માન-પાન મળે છે, પણ એમની હાક વાગતી - સંભળાતી નથી અને એમની તથા કૉંગ્રેસની નબળાઈ છે તેથી જ એમણે નવા નામે મોરચો બનાવ્યો છે. મમતા અને માર્ક્સવાદીઓને મનાવ્યાં છે, કેજરીવાલના દબાણને વશ થયા છે. અત્યારે એમની સાથે જોડાયેલા પ્રાદેશિક નેતાઓ - પોતાની શરતે આવ્યા છે. તેથી ટિકિટોની વહેંચણીમાં કૉંગ્રેસના ભાગે ઓછી બેઠકો આવે તો નવાઈ નહીં. 2014માં કૉંગ્રેસે 417 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. 2019માં 423 હતા. 2004માં કુલ 316 બેઠક ઉપર લડત આપી હતી અને 2019માં માત્ર 263 બેઠકોમાં હાજરી હતી. ભાજપના કૉંગ્રેસથી વધુ ઉમેદવારો હતા. હવે 2024માં કૉંગ્રેસના નામે કેટલા ઉમેદવારો હશે? અને કેટલા જીતશે? વડા પ્રધાનપદના દાવેદાર ઘણા છે તો કૉંગ્રેસને અંદરખાને આશા છે કે બીજા ડૉ. મનમોહનસિંહ મળી રહેશે! અલબત્ત હજુ કોઈ દિલ્હીની ભાગોળે પહોંચ્યા નથી.ધમાધમનાં એંધાણ છે!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang