• શનિવાર, 27 જુલાઈ, 2024

ચૂંટણીનાં યુદ્ધમાં હવે `સનાતન'નું આયુધ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે વિપક્ષી સંગઠન ઈન્ડિયા વિશે કરેલાં નિવેદન-વિધાનની ઘેરી અસર દેશમાં પડવાની શક્યતા નકારી શકાતી નથી. ઈન્ડિયા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, આ લોકો સનાતન ધર્મના વિરોધીઓ છે. તેઓ સનાતનને ખતમ કરવા માગે છે. પ્રથમ દૃષ્ટિએ એવું સ્પષ્ટ છે કે, 2024ની લોકસભા ચૂંટણી અને તે પૂર્વે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે તે સનાતન ધર્મના મુદ્દે લડાશે. અઢી-ત્રણ દાયકા પૂર્વે રામમંદિર અને કાશ્મીર મુદ્દે ચૂંટણી લડીને આજે દિલ્હીનાં સિંહાસન પર બેઠેલા ભાજપે સનાતન ધર્મનો મુદ્દો હાથ કર્યો છે એનું કારણ એ છે કે, સ્ટાલિનપુત્રના વાણી વિલાસ પર વિપક્ષી જોડાણ `ઇન્ડિયા'માં આંતરવિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો આ નિવેદનને અંગત મત લેખાવી રહ્યા છે. વડાપ્રધાને તક ઝડપીને વિરોધપક્ષને નિશાન બનાવ્યો છે. ધર્મનો ઉપયોગ ફરી રાજનીતિમાં ભાજપ કરી રહ્યો છે તેવાં તારણ પર સીધા જ આવતાં પહેલાં નજીકના અને દૂરના ભૂતકાળની કેટલીક ઘટનાઓ પણ તપાસવી જોઈએ. ભારત-ઈન્ડિયાનો મુદ્દો ઉઠયો ત્યારે મોદીએ કહ્યું હતું કે, સનાતન બાબતે જવાબ આપો. ચૂંટણી લડવામાં ધર્મ આડ લેવામાં કોઈ પાછળ નથી. વડાપ્રધાન જે બોલ્યા તે લોકોને એટલા માટે અસરકારક લાગી શકે કે, હજી થોડા દિવસો પહેલાં જ દક્ષિણથી સનાતન વિરોધી સૂર ઊઠયા હતા. તામિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મને ગંભીર બીમારી ગણાવ્યો હતો. તે પછી એ. રાજાએ પણ તેને એચઆઈવીની ઉપમા આપી. કોઈ હિન્દુ ભાજપમાં માને કે ન માને, ચૂંટણીમાં ભાજપને મત આપે કે ન આપે, પરંતુ સનાતન ધર્મ વિશે થતી આવી ટીકા તેને અકળાવે તે સ્વાભાવિક છે. આવું બેફામ બોલનારા લોકો વળી ઈન્ડિયા સંગઠનની આસપાસ હોય તો પછી તો તેનો રાજકીય લાભ ભાજપ ઊઠાવે નહીં તો જ નવાઈ. છેલ્લા કેટલાક સમયથી શાત્રી ધીરેન્દ્રપ્રસાદ જેવા લોકોના સમારોહ-કાર્યક્રમોમાં સનાતન ધર્મની વાત થાય છે. સોશિયલ મીડિયા પર સતત સનાતન ધર્મ છે. જો કે, સનાતન ધર્મનું અસ્તિત્વ યુગોથી છે. તેની ક્ષમતા અખંડ છે. હજારો વર્ષોથી જુદા જુદા આક્રાંતાઓ આવ્યા-ગયા આ ધર્મ એમ ને એમ છે, તો આ મુઠ્ઠીભર નેતાઓ તેને શું નુકસાન કરવાના? પરંતુ રાજકારણને અને આ સવાલને કોઈ સંબંધ નથી. ચૂંટણી હોય કે ન હોય, પરંતુ પ્રતિપક્ષ કંઈ પણ કહે, કંઈ પણ બોલે તો તે જ મુદ્દો બમણા જોરથી તેની સામે ફેંકવામાં નરેન્દ્રભાઈ મોદી માહેર છે. મોત કા સૌદાગર હોય કે ચાયવાલા કે પછી મણિશંકર અય્યરે કરેલો-અહીં ન લખી શકાય એવો શબ્દપ્રયોગ હોય, મોદી વિપક્ષો પર ભારે પડે જ. આ વખતે રામમંદિર તો જાન્યુઆરીમાં બની જશે. કાશ્મીરમાં 370મી કલમ પણ દૂર થઈ ગઈ છે. ભાજપ પાસે આ વખતે વિકાસ સિવાય કોઈ મુદ્દો નથી. જો કે, જી-20ની સફળતા, અન્ય વિકાસયોજનાઓ વગેરેની જ વાત થાય તો ભાજપને-મોદીને અન્ય કોઈ મુદ્દાની જરૂર પણ નથી. ચૂંટણી આખરે ચૂંટણી છે અને ભાજપની શૈલી છે કે, કોઈ કસર છોડવી નહીં. કોઈ જોખમ લેવું નહીં, તેથી વિકાસકામોને સમાંતર અન્ય મુદ્દાઓ પણ ચાલે. સનાનત ધર્મની વાત હવે થતી રહેશે. ઉદયનિધિએ જ ભાજપને ઢાળ આપી દીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang