• મંગળવાર, 25 જૂન, 2024

ત્રણ અફસરની શહીદી નહીં ભૂલે દેશવાસીઓ..

દુનિયા આખી જી-20નાં સફળ આયોજન અને તેમાં નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા બદલ ભારતની પ્રશંસા કરી રહી છે, બરોબર એવા સમયે પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓએ કાશ્મીરમાં ફટકો માર્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વન વિસ્તારમાં સુરક્ષા દળોએ છૂપાયેલા ત્રાસવાદીઓને શોધવા કોમ્બિંગ હાથ ધર્યું હતું. એ દરમ્યાન થયેલી અથડામણમાં રાષ્ટ્રીય રાયફલના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીતસિંગ, મેજર આશિષ ધોંચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝામિલ ભટે બહાદુરીથી સામનો કરતાં શહીદી વહોરી લીધી છે. આ ઘટનાથી દેશ આખો આઘાત અનુભવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંગે ચેતવણી આપી છે કે, પાકિસ્તાનના ટુકડા કરવાનો સમય આવી ગયો છે. તેને પાઠ ભણાવવો જ રહ્યો. આ લખાય છે ત્યારે પણ આતંકવાદીઓ સામે ઓપરેશન જારી છે. 370મી કલમ હટાવી લેવાયા પછી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. જી-20ની પ્રારંભિક બેઠક દરમ્યાન અનેક દેશોના રાજદ્વારીઓ કાશ્મીરની મહેમાનગતિ માણીને ખુશ થયા હતા. ખીણ વિસ્તાર દેશનાં બીજાં રાજ્યોની જેમ ભારતમાં ભળી રહ્યો છે. યુવાપેઢી સારી નોકરીઓ, કારકિર્દી, વ્યવસાય પ્રાપ્ત કરતી થઈ છે. રમતવીરો-કલાકારોને પણ યોગ્ય માહોલ-સ્થાન હવે મળવા લાગ્યું છે. શાળામાં ભણતાં બાળકો લાંબા અરસા પછી ગોળીબાર, હિંસા, ભાગદોડભર્યું ભયભીત જીવન ભૂલીને શાંતિનો અનુભવ કરતાં થયાં છે. તેમનાં કુમળાં માનસમાં ખુશહાલીનાં સપનાની રંગોળી પૂરાતી થઇ છે. પોતે બરબાદીની ગર્તામાં હોવા છતાં પાકિસ્તાનથી આ બદલાવ સહન કેમ થાય ? ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવાનો મકસદ સફળ ન થતાં નાસીપાસ પાકિસ્તાની ફૌજ અને આતંકી સંગઠનો મરણિયાં બને એ સ્વાભાવિક છે. દેશવાસીઓને આઘાત એ વાતનો છે કે, ટોચકક્ષાના ત્રણ સુરક્ષા અફસરે જીવ ગુમાવ્યા છે, પરંતુ આપણા ફૌજીઓ કદી જાનની પરવા કરતા નથી. નરબંકા જવાનો તેનો બદલો લેવા તત્પર છે. નાપાક તત્ત્વોએ એની મોટી કિંમત ચૂકવવી પડશે. કાશ્મીરના પૂંચ જિલ્લામાં સાડાચાર મહિના પહેલાં સેનાનાં વાહન પર આતંકી હુમલો થતાં પાંચ જવાન શહીદ થયા હતા, એ પછીનો આ મોટો બનાવ છે. લશ્કરી સૂત્રો છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો હુમલો માને છે. પહેલાંની તુલનાએ ખીણ પૂર્વવત સ્થિતિનો અનુભવ કરી રહી છે, તેમ છતાં સમયાંતરે મોટો ઘા મારવામાં આતંકી સફળ થાય છે, એનો સુરક્ષા દળોએ તોડ કાઢવો રહ્યો. દક્ષિણ કાશ્મીર વિસ્તાર હજુ પણ આતંકવાદની દૃષ્ટિએ ભારે જોખમી અને સંવેદનશીલ ક્ષેત્ર બની રહ્યો છે. પીર પંજાલ પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા પૂંચ, રાજૌરી, જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ આ વિસ્તાર ઉપરાંત કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. જૂન સુધીનો ડેટા જોઇએ તો જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક આતંકી ભરતીની સંખ્યા દિનબદિન ઘટી રહી છે. 2020માં 191 સામે 2022માં માત્ર 121 ભરતી થઈ છે. બીજીતરફ સુરક્ષા દળોની ભીંસ વધતી ચાલી છે. 2020 પછી 635 આતંકવાદી ઠાર મરાયા છે, જેમાં 549 સ્થાનિકના છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીનો અંજામ મોત છે એ સાબિત થઇ રહ્યું છે, તેમ છતાં મરણિયા બનેલાં આતંકી સંગઠનો સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવામાં ક્યારેક સફળ થઇ જાય છે, એની સામે સાવધ રહેવું જરૂરી છે. સ્થાનિક લોકોનો વિશ્વાસ પૂરો જીતવાની સાથે લોકલ ગુપ્તચર તંત્ર મજબૂત બનાવવું જરૂરી છે. આપણા જવાનો-અફસરોનાં જીવન કિંમતી છે. ગમે તેટલી શહાદત છતાં સુરક્ષા દળોનું મનોબળ ઊંચું જ રહ્યું છે એ ગૌરવની વાત છે, છતાં આતંકી સંગઠનો તથા તેના આકા પાકિસ્તાનને આકરો બોધપાઠ ભણાવાય એ દેશવાસીઓની મનસા રહેશે અને છેલ્લે શહીદોને સલામ, તેમના પરિવારજનોને સાંત્વના..

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang