અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ એલન મસ્કની
મિત્રતાનો અંત આવ્યો છે અને બન્નેએ એકમેક સામે આરોપોની તલાવારો તાણી લીધી છે. ટ્રમ્પના
રાષ્ટ્રપતિપદે વિજય બાદ અમેરિકાના વહીવટમાં સત્તાનું કેન્દ્ર બની ગયેલા મસ્ક હવે તેમના
ટીકાકાર બની ગયા છે. અમેરિકાનાં બજેટમાં વેરા અને ખર્ચની જોગવાઈઓના સંદર્ભમાં ભારે
નારાજગી વ્યક્ત કરતા રહેલા મસ્કને સરકારી જવાબદારી છોડવી પડી છે અને હવે ટ્રમ્પે તેમની
સામે આરોપોનો મારો ચલાવ્યો છે. મિત્રોમાંથી દુશ્મન બની ગયેલા આ બન્ને માંધાતાની નિવેદનબાજી
ભારે ચર્ચાસ્પદ બની રહી છે. ટ્રમ્પને ચૂંટણી સમયે ભારે મદદરૂપ થયેલા મસ્કને સરકારી
ખર્ચમાં કાપ અને કાર્યક્ષમતા સુધારવાની સત્તાવાર
જવાબદારી સોંપાઈ હતી. તેમણે સરકારી વિભાગોમાં
કર્મચારીઓની સંખ્યા અને ખર્ચમાં ઘટાડો કરવાના ખાસ વિભાગના વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો
હતો. ટેસ્લા કાર અને સ્પેસએક્સ જેવા વેપારી સાહસો અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના
માલિક અબજોપતિ મસ્કની ટ્રમ્પ સાથેની મિત્રતાથી અમેરિકામાં નવા સુધારા આવશે એવી છાપ
ઊભી થઈ હતી, પણ મસ્કે લીધેલાં અમુક
પગલાંનો અમેરિકામાં ભારે વિરોધ થવા લાગતાં આ મિત્રતામાં અડચણ આવવા લાગી હતી. તો બીજી
તરફ ટ્રમ્પે બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોની સબસિડીમાં કાપ મૂકવાની જોગવાઈ કરતાં મસ્કનાં
વેપારી હિતો પર અવળી અસર પડવા લાગી હતી, પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની
પ00 અબજ ડોલરની મહત્ત્વાકાંક્ષી
યોજના અંગે ટ્રમ્પે બીજા રોકાણકારો પાસે દરખાસ્ત કરતાં મસ્કને તે ગળે ઊતરી ન હતી. આને
લીધે બન્ને વચ્ચેની ખટાશ કડવાશમાં પરિણમી હતી. એક તરફ મસ્ક ઈવી વાહનોની સબસિડીમાં કાપનો
આડકતરો વિરોધ કરી રહ્યા હતા, તો બીજી
તરફ બજેટમાં ભારે ખર્ચને લીધે ખાધ વધી જશે એવા સવાલ ખડા કરીને ટ્રમ્પને સામે મોરચો
ખોલી રહ્યા હતા. આમ પણ મસ્ક સરકારમાં તેમના હોદ્દા અને તેને સંબંધિત સત્તાઓને લીધે
વિવાદમાં રહ્યા હતા. તેમનો ઘણા મંત્રીઓની સાથે નીતિવિષયક વિવાદ રહ્યો હતો, જે રીતે તેમણે સરકારી કર્મચારીઓની છટણી શરૂ કરી તેનો ભારે વિરોધ થવા લાગ્યો
હતો. આ વિરોધ સમયે ટ્રમ્પને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી કે, નોકરીઓના મામલે મસ્કનું નહીં પણ સરકારનું ચાલશે, તો બીજી
તરફ ઈમિગ્રેશનના નિયમોમાં મસ્કનાં દબાણ તળે ટ્રમ્પને નમતું જોખવું પડયું હતું. મસ્ક
અને ટ્રમ્પ બન્નેની પ્રકૃતિને જોતાં બન્ને વચ્ચે દુશ્મનાવટના આરંભ સાથે એકમેક પર આરોપો
લગાવવાનું શરૂ થઈ ગયું છે. બન્ને એકબીજાની પોલ ખોલવા લાગ્યા છે, જે અમેરિકાનાં હિતો માટે જોખમી બની શકે છે. આમ આવનારા સમયમાં બન્ને મિત્રો
શત્રુતામાં મર્યાદા નહીં જાળવે તો તે તેમના માટે પણ નુકસાનકારક બની રહેશે.