ભુજ, તા. 7 : આજે બકરી ઇદના તહેવારના અનુસંધાને
કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહી પેટ્રોલિંગમાં હતી. આ વચ્ચે એલ.સી.બી.ની
ટીમે બાતમીના આધારે ખાવડા બાજુ અલૈયાવાંઢની સીમમાંથી ગૌવંશનું કતલખાનું
ઝડપી પાડયું છે. આ અંગે એલ.સી.બી.એ જાહેર કરેલી વિગતો મુજબ ટીમને બાતમી મળી
કે, અલૈયાવાંઢની ગામની પાછળ આવેલાં તળાવની બાજુમાં
બાવળોની ઝાડીમાં હાલે સાલેમામદ જાકબ સમા અને હકીમ કાસમ સમા (રહે. બંને દિનારા-અલૈયાવાંઢ,
તા. રાપર) તેના સાગરિતો સાથે ગૌવંશનું કતલ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ બાતમીના આધારે
એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે પહોંચતાં એક ગાય બાંધેલી હાલતમાં જીવિત મળી હતી અને એક
ગાય જમીન પર કતલ કરેલી હાલતમાં મળી હતી. પશુ તબીબને સ્થાનિકે બોલાવી તપાસણી કરાવતાં
સ્થાનિકેથી મળેલું માંસ ગૌવંશનું હોવાનું જણાવ્યું હતું. આ ગૌવંશના કતલખાને 50 કિ.ગ્રા. માંસ કિં. રૂા. 5000 તથા બે છરી, એક કૂહાડી, રસ્સી-રસ્સા,
પ્લાસ્ટિકના કેરબા, તપેલું, પ્લાસ્ટિકના કોથળા વિગેરે મળી આવ્યા હતા. બંને આરોપી નાસી છૂટયા હતા. આ અંગે
બંને વિરુદ્ધ ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો.