ભુજ, તા. 7 : શહેરના ટીનસિટી ગ્રાઉન્ડમાંથી
2.083 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના
જથ્થા સાથે યુવાનને એસઓજીએ ઝડપી લીધો હતો અને
માલ આપનારનું નામ ખૂલ્યું છે. યુવાનોમાં માદક પદાર્થનાં સેવનની બદી વ્યાપક બની છે.
થોડા-થોડા સમયે ગાંજા જેવા માદક પદાર્થ સાથે યુવાનો ઝડપાતા હોવાના બનાવો પણ સામે આવે
છે. હજુ થોડા જ દિવસો પૂર્વે શહેરની ભાગોળે મુંદરા રોડ પર ગાંજા સાથે યુવાન ઝડપાયાનો
બનાવ તાજો જ છે, ત્યાં ફરી ગઇકાલે 2.083 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના
જથ્થા સાથે મૂળ કપુરાશી હાલ ભુજના ભાનુશાલીનગરમાં ચારણ બોર્ડિંગમાં રહેતા છાત્ર એવા
25 વર્ષીય યુવાન હિતેશ માનદાન
ગઢવીને ટીનસિટી ગ્રાઉન્ડમાંથી એસઓજીએ બાતમીનાં પગલે ઝડપી લીધો હતો. આ માલ તેને મૂળ
કપુરાશી હાલ અમદાવાદ રહેતા વિક્રમપુરી જગનપુરી ગોસ્વામીએ પંદર દિવસ પહેલાં આપ્યાનું
જણાવતાં બંને વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી
આદરાઇ છે. આરોપી હિતેશદાન પાસેથી 2.083 કિલોગ્રામ ગાંજો કિં. રૂા. 20,830 અને એક મોબાઇલ કિં. રૂા. 3000 એમ કુલે રૂા. 23,830નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કામગીરીમાં એસઓજીના પી.આઇ. કે.
એમ. ગઢવી, પી.એસ.આઇ. એમ.એલ. વાઘેલા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી,
નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. રજાકભાઇ સોતા, રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, ડ્રાઇવર-હે.કો. મહિપતસિંહ સોલંકી
જોડાયા હતા.