• રવિવાર, 08 જૂન, 2025

આંતરજિલ્લા ક્રિકેટ ટૂર્ના.માં કે.ડી.આર.સી.એ. વિજેતા

ગાંધીધામ, તા. 6 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા એઁક મહિનાથી આયોજિત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસીએશનની ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની હતી.  આ ટૂર્નામેન્ટમાં ટીમના બે ખેલાડી પૈકી ભવિષ્ય જેઠવાએ મહત્તમ  વિકેટ ઝડપીને અને વંશ આચાર્યે બેવડી સદીથી  થોડો જ દૂર રહીને શાનદાર દેખાવ કરીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું  યોગદાન આપ્યું હતું. વંશનો આ સ્કોર કચ્છના ખેલાડી તરફથી ટૂર્નામેન્ટમાં સર્વાધિક કહેવાય છે. અંડર 19 બોયઝ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 20 ડિસ્ટ્રીક્ટ ટીમ વચ્ચે જંગ ખેલાયો હતો. કે.ડી.આર.સી.એ. અને  રાજકોટ ડિસ્ટ્રક્ટ વચ્ચે ફાઈનલ  મુકાબલો  થયો  હતો.  રાજકોટની ટીમે ટોસ જીતીને  બેટિંગ કરી હતી. પ્રથમ દાવમાં રાજકોટની  ટીમ 178 રન કરી શકી હતી. કે.ડી.આર.સી.એ.ના ભવિષ્ય જેઠવાએ  રાજકોટની ટીમની પાંચ વિકેટ ખેરવીને પેવેલીયન ભેગી કરી હતી. બીજા દાવમાં  જીતના લક્ષ્યાંક સાથે ઊતરેલી કે.ડી.આર.સી.એ.ની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 335 રન કર્યા હતા અને તેની લીડના કારણે ટીમ ચેમ્પિયન બની હતી. પ્રથમ દાવમાં કે.ડી.આર.સી.એ.નો ખેલાડી વંશ આચાર્ય ઓપનિંગથી રમ્યો હતો  અને 196 રન કરી બેવડી સદીથી ચાર  રન દૂર રહ્યો હતો. ટેસ્ટ મેચમાં 196 રન કરનારો વંશ કચ્છનો પ્રથમ ખેલાડી બની ચૂક્યો છે. 196 રન કરીને  અણનમ રહી  ટીમને શાનદાર જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વંશે 292 બોલમાં શાનદાર 196 રન ફટકાર્યા હતા. 23 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. શાનદાર બેટિંગ કરી  રાજકોટની ટીમને પરાજીત કરી હતી. કે.ડી.આર.સી.એ.ના પ્રમુખ ચંદ્રશેખર અયાચી, શરદ શેટ્ટી તેમજ અન્ય પદાધિકારીઓએ વિજેતા ટીમને અભિનંદન પાઠવી આ જીત બદલ હર્ષની લાગણી  વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય  છે કે, વંશે આ જ ટૂર્નામેન્ટની ક્વાર્ટર  ફાઈનલ મેચમાં પણ સદી ફટકારી હતી. કચ્છ ડિસ્ટ્રીક્ટની ટીમ ઈન્ટર ડિસ્ટ્રીક્ટની ત્રીજી મેચમાં ચેમ્પિયન બની હતી. અગાઉ પણ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી, ત્યારે હરવંશસિંઘ પંગોલિયા ટીમનો કપ્તાન હતો. આ ટીમનો કપ્તાન વરેન્યમ ઓલાન છે.  ટીમના શાનદાર દેખાવથી    ખેલાડીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ટીમના કોચ ભાવિક  ગોરે માર્ગદર્શન આપ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd