ભુજ, તા. 7 : રતનાલ બાયપાસની રતનાલ-ભાદ્રોઈ
ચોકડીથી લઈ વાવડી સુધીના સમગ્ર વિસ્તારમાં અંદાજે 200 જેટલી વાડી
આવેલી છે, જેમાં હમણા એકાદ વર્ષમાં ભાગ્યે જ કોઈ વાડી
બાકી હશે, જ્યાં કેબલ ચોરી ન થઈ હોય. એક ને એક વાડી એક વધુવાર
પણ નિશાન બની છે. ખેડૂતો આવી પોલીસ ફરિયાદો લખાવી-લખાવીને થાક્યા પણ ચોરોનો કોઈ જ અતોપત્તો
ન હોવાનો બળાપો ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. આજે ચુબડકના વાડી વિસ્તારમાં રામજીભાઈ કારાભાઈ
વરચંદ અને ભગુભાઈ રૂપાભાઈ માતાની વાડીઓના કેબલ કપાયાનો અને મોટર ચોરી થયાનો બનાવ સામે
આવ્યો હતો. અગાઉ બે વખત આ જ વાડીઓના કેબલ કપાઈ ચૂક્યા છે. આવી કેબલ ચોરીની અનેક ફરિયાદો પદ્ધર પોલીસ
મથકે નોંધાઈ ચૂકી છે. ખુદ ધારાસભ્યની વાડી પણ નિશાન બની ચૂકી છે. કાયદાના ડર વિના બેફામ
બની ચોર ઈસમો તેના નિશાન સુપેરે પાર પાડી રહ્યા છે. આવા કેબલ ચોરોને ઝડપવા ખેડૂતો સાથે
મળી પદ્ધર પોલીસને હાલમાં જ રજૂઆત કરી હતી. ત્યાં આજે ફરી આવી ચોરીનો બનાવ સામે આવ્યો
છે. હવે અહીંના કિસાનોને વાડીઓની ચોકી કરવી કે ખેતી કરવી, એ વિચાર કરી મુકતી પરિસ્થિતિ ઉદ્ભવી છે.