• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

બાયડનનો પુત્ર પ્રેમ

ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકશાહી દેશોમાં સત્તાધીશો પર સગાવાદના આરોપો સામે આવતા રહે છે, પણ પોતાને વિશ્વની સૌથી જૂની અને મજબૂત લોકશાહી ધરાવતું અમેરિકા પણ આવા આરોપોથી બકાત રહ્યંy નથી. રાષ્ટ્રપતિપદ છોડવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જો બાયડને એક અણધાર્યાં પગલાંમાં પોતાના પુત્ર હન્ટર સામેના તમામ ગુનામાં માફી જાહેર કરી છે.  સ્વાભાવિક રીતે બાયડનનાં આ પગલાંથી અમેરિકનોમાં ભારે નિરાશા જાગી છે.  નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માફીનાં આ પગલાંની આકરી ટીકા કરીને લોકોના રોષનો પડઘો પાડયો છે.  આમ તો અમેરિકાનાં બંધારણ મુજબ રાષ્ટ્રપતિને આવી રીતે માફી આપવાનો અધિકાર મળેલો છે, પણ તેમાં આ રીતે પરિવારવાદ સાથે સાંકળતાં માફીનાં આવાં પગલાંને કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય તેમ નથી. આમ તો અમેરિકામાં આ રીતે પરિવારના સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા ભૂતકાળમાં માફી અપાતી રહી છે. ખુદ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં જમાઇને અને બિલ ક્લિટને તેમના પતિરાઇ ભાઇને માફી આપી હતી.  જો કે, આ બન્ને કેસમાં સજા થઇ ગયા બાદ માફી અપાઇ હતી, જ્યારે હન્ટરના કેસમાં હજી સજા થઇ નથી અને બાયડને આગોતરી માફી જાહેર કરી દીધી છે. હન્ટરની સામે બે આરોપ હતા. એકમાં તેણે હથિયાર ખરીદતી વેળાએ ડ્રગ્સના ઉપયોગની ખોટી માહિતી આપી હતી, તો બીજો આરોપ ટેક્સચોરીનો હતો. આ બન્ને કેસમાં તે ગુનેગાર સાબિત થઇ ગયો હતો અને આ મહિનાના અંત ભાગે તેને સજા સંભળાવાય એવી શક્યતા હતી, પણ પિતા જો બાયડને દયાના આધારે માફી આપતાં હન્ટરની સામે કોઇ આરોપો રહેતા નથી. કોઇપણ વિવાદમાં ઝંપલાવવામાં જરા પણ વિલંબ ન કરતાં ટ્રમ્પે સવાલ કર્યો છે કે, જાન્યુઆરી-2021ના તોફાનોમાં સામેલ તેમના ટેકેદારોને માફી શા માટે અપાઇ નથી ? આમ તો વિશ્વના સંખ્યાબંધ દેશોમાં રાષ્ટ્રધ્યક્ષો આવી રીતે સજામાં માફી જાહેર કરતા રહેતા હોય છે, પણ આ અધિકાર તેમને એટલા માટે અપાય છે કે, ન્યાયતંત્ર કાયદા મુજબ કામ કરે તો પણ કોઇ કેસમાં માનવીય અભિગમની અનિવાર્યતા જાળવી રાખી શકાય. વળી, આવા અધિકારનો બહુ જ્વલ્લેજ ઉપયોગ થતો હોય છે, પણ કેસ કેવો છે અને તેમાં ગુનેગાર ખેરખર માફીને પાત્ર છે કે, નહીં એવી બાબતો ધ્યાન પર લેવાતી હોય છે. બાયડને તેમના પુત્રને માફી જાહેર કર્યા બાદ એવી લાગણી વ્યક્ત કરી કે, અમેરિકાના નાગરિકો તેમને સમજી શકશે એવી તેમને આશા છે, પણ રાષ્ટ્રપતિપદના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય, ત્યારે લેવાયેલા આવા પગલાંમાં પુત્રપ્રેમ હોય તો પણ તે અમેરિકા જેવા દેશ માટે કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય તેમ નથી.  અમેરિકામાં આ એક નવી નિંદનીય પરંપરા આકાર લઇ રહી છે.  ટ્રમ્પ સત્તા સંભાળ્યા બાદ 2021ના તોફોના આરોપીઓને માફી જાહેર કરશે એ નક્કી મનાઇ રહ્યંy છે, આમ આવનારા દિવસોમાં આવાં પગલાં સામાન્ય બની રહે તો નવાઇ નહીં રહે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd