તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : દીપોત્સવી
પર્વ દેશની દુર્ગમ સરહદે કપરી ફરજ બજાવતા જવાનો સાથે મનાવવાની પરંપરા જાળવી રાખતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે કચ્છ સીમાએ લક્કી નાળા ખાતે સૈનિકો વચ્ચે પહોંચી
જઇને પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં છે. મોદી આવે છે, નથી આવતાંની અટકળો વચ્ચે તેમણે
બપોરે લક્કી નાળા પહોંચીને સૌને સુખદ આંચકો આપ્યો હતો. સલામતીના દૃષ્ટિકોણથી આ આખી
મુલાકાત ગુપ્ત રીતે પાર પાડવામાં આવી હતી અને સીમા પર બદદાનતયુક્ત દુશ્મનને જોતાં એમાં
કંઇ આશ્ચર્ય નથી. મોદીની આ સ્ટાઇલ છે. આપણે સૌ પરિવાર સાથે દિવાળીનો આનંદ મનાવતા હોઇએ
એવા સમયે કચ્છ, કાશ્મીર, લદ્દાખ કે રાજસ્થાનમાં સીમા પર મોરચો સંભાળતા નરબંકાઓને વડાપ્રધાન
સંદેશ આપતા રહ્યા છે કે, તમારી ફરજપરસ્તીની દેશને કદર છે. કચ્છ માટે દિવાળીના દિવસે
મોદીનું આગમન ખાસ છે. બરોબર 23 વર્ષ પહેલાં કચ્છ ભયાવહ ભૂકંપથી કણસતું હતું, ત્યારે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ પહેલી દિવાળી ધરતીકંપના એપીસેન્ટર એવા ચોબારીમાં
મનાવી હતી.... `હું અહીં
ભાષણબાજી કરવા નહીં, પરંતુ તમારી સાથે દુ:ખભરી દિવાળી મનાવવા, આપની તકલીફમાં સહભાગી
બનવા આવ્યો છું,' મોદીએ લાગણી નીતરતા શબ્દોથી કહ્યું હતું. અને આજે એ સંવેદનશીલ મોદી
દેશના વડાપ્રધાન તરીકે જુસ્સાભેર શત્રુઓને કચ્છ સીમા પરથી ડારો દઇ રહ્યા છે. લક્કી
નાળા ખાતે જવાનોને પોરસ ચડાવતાં તેમણે કહ્યું કે, દુનિયા જબ આપકો દેખતી હૈ, તો ઉસે
ભારત કી તાકાત દીખાઇ દેતી હૈ ઔર દુશ્મન જબ આપકો દેખતા હૈ તો ઉસે બુરે મનસૂબોં કા અંત
દીખાઇ?દેતા હૈ...' `એક વોભી દિવાલી થી એક યેભી દિવાલી હૈ.' આ શબ્દોની ભાવના, તેની
ભીતરનો સંદેશ ઘણું કહી જાય છે. આજે ભારત બદલાઇ?ગયું છે. આપણી તાકાત, સામર્થ્ય, ચાણક્યનીતિ
અને મુત્સદ્દીગીરીથી શત્રુઓને ઝૂકવા મજબૂર કરીએ છીએ. હજુ ચાર દિવસ પહેલાં લદ્દાખમાં
ભારત-ચીનના જવાનો સામસામા બંદૂક-તોપ તાકીને બેઠા હતા, ત્યાં સમાધાનના શુભ સમાચાર આવ્યા
પછી મોદીએ સીધા કચ્છ સરહદે પહોંચીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સબૂર....
પડોશી દેશની કોઇ?નાપાક હરકત ચલાવી નહીં લેવાય. શ્રી મોદીએ સિરક્રીકનો ઉલ્લેખ કરીને
કહ્યું કે, તેના પર શત્રુઓનો ડોળો છે, પરંતુ આ મજબૂત ઇરાદાઓનું ભારત છે. પોતાના અધિકાર
ક્ષેત્ર, હક્ક-હિસ્સા માટે એકદમ મક્કમ અને સ્પષ્ટ. યોગાનુયોગ સરદાર પટેલ જયંતીએ કેવડિયા
ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં એકતા પરેડનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાનનું
સંબોધન પણ દેશના સામર્થ્ય, રાષ્ટ્રીય એકતા પર કેન્દ્રિત હતું - `એક રહીશું
તો સેફ?(સુરક્ષિત) રહીશું'?એવો તેમનો મંત્ર રાષ્ટ્રીય એકતાનું મહત્ત્વ રેખાંકિત કરે
છે અને દરેક નાગરિકોને તેમના કર્તવ્ય પ્રત્યે સજાગ રહેવા સૂચવે છે. નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી
તરીકે અને વડાપ્રધાનની હેસિયતથી કચ્છ તો અનેકવાર આવ્યા છે. જવાનો સાથે સીમા પર તેમની
દરેક મુલાકાત વિશેષ રહી છે. જાન્યુઆરી 2002માં ખાવડા તરફની સીમાએ કુંવરબેટ આવીને તેમણે
કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાએ પાકિસ્તાનના કોઇ પણ દુ:સાહસનો જડબાંતોડ જવાબ દેવાની જવાનોની
તત્પરતાને બિરદાવી હતી. એ જ અરસામાં મે મહિનામાં ધરમશાલા ચોકી પર જવાનોને મળ્યા હતા
તેમજ સરહદી વિસ્તારની જનતાની ખુમારી, દેશભક્તિની પ્રશંસા કરી હતી. ....અને કારગિલ યુદ્ધ
પછી કચ્છમિત્ર-જન્મભૂમિ પત્રોએ દેશભક્તિ ભંડોળમાંથી કચ્છની રણ સીમાએ ઇમરજન્સી મેડિકલ
સેન્ટર બંધાવી આપ્યું એના લોકાર્પણ માટે પ્રમોદ મહાજન સાથે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ
ઉપસ્થિત રહ્યા હતા. આમ પણ નરેન્દ્રભાઇ અને કચ્છનો અનોખો નાતો રહ્યો છે. આજે કચ્છ વિકાસના
માર્ગે અગ્રેસર છે તે માટે આ સીમાવર્તી જિલ્લાની ભૌગોલિક વિશિષ્ટતા, કચ્છી માનવીઓના
પુરુષાર્થ સાથે નરેન્દ્રભાઇની વિશેષ માવજતને પણ શ્રેય આપવું રહ્યું. ગુરુવારે દિવાળીએ
વડાપ્રધાને કચ્છ સીમા પર જે કહ્યું એનો સંદેશ આખી દુનિયા સુધી પહોંચ્યો હશે. સિરક્રીક
ભારતનું અભિન્ન અંગ છે એવાં વિધાનમાં પાકિસ્તાનને તેની હેસિયત સમજાવી દીધી છે. વડાપ્રધાનનું
લક્કીનાળાં ખાતેનું સંબોધન મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે, ભારત તેની એક ઇંચ જમીન
પણ જતી કરવા તૈયાર નથી. લદ્દાખમાં ચીનને ઝુકાવ્યું, કાશ્મીરમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી
સરકારને પહેલીવાર બંધારણના શપથ લેવડાવીને ઇસ્લામાબાદને દૃઢ ઇરાદાઓનું ભાન કરાવ્યા પછી
મોદીએ કચ્છથી ગર્જના કરીને દેશના મિજાજનો પરિચય કરાવ્યો છે. 23 વર્ષ પહેલાં નરેન્દ્ર
મોદીએ કચ્છને ભૂકંપના મલબામાંથી નમૂનારૂપ પ્રદેશ તરીકે પુન:નિર્માણ કરવાનો સંકલ્પ લીધો,
સાકાર કરી બતાવ્યો, હવે નવાં ભારતનાં નિર્માણની નેમ સાથે આગળ ધપી રહ્યા છે. દિવાળીનાં
મંગળ પર્વે એક શુભ શુકનની વાત એ યાદ અપાવીએ કે મોદીજીને કચ્છની ધરતી હંમેશાં ફળી છે.