• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કચ્છ એક અને અકબંધ

તંત્રી સ્થાનેથી.. ગુજરાતમાં નવા જિલ્લાની સંરચનામાં કચ્છનો કેટલોક ભાગ સૂચિત થરાદ કે રાધનપુરમાં ભેળવી દેવાની કથિત હિલચાલને પગલે જાગેલી ચર્ચા, વિરોધ, સોશિયલ મીડિયામાં તરેહ તરેહનાં નિવેદનો પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એકઝાટકે પૂર્ણવિરામ મૂકીને સૌ કચ્છીઓનાં દિલને શાતા આપી છે. કચ્છના જાગૃત સંસદસભ્ય વિનોદભાઇ ચાવડાએ ગાંધીનગરમાં આ વિશે સીએમનું ખાસ ધ્યાન દોરીને ખુલાસો મેળવ્યો છે. મુખ્યમંત્રીએ સોય ઝાટકીને કહી દીધું છે કે, કચ્છ જિલ્લો ખડીર તથા વાગડથી નારાયણ સરોવર સુધી અને બન્ની-પચ્છમથી મુંદરા સુધી એક અને અકબંધ?જ રહેશે. બુધવારે સમાચાર માધ્યમોમાં બિનસમર્થિત અહેવાલ ફરતા થયા હતા, જેમાં ત્રણ નવા જિલ્લાની રચનામાં એક થરાદ કે રાધનપુર હશે અને કચ્છના રાપર તાલુકાને વહીવટી સુગમતા માટે તેમાં ભેળવી દેવાની વાત હતી. આ સંભાવનાએ વાગડમાં ત્વરિત રોષની લાગણી જન્માવી હતી. રાપર કે વાગડ વિના કચ્છની કલ્પના જ ન થઇ?શકે. ત્યાંના વેપારીઓ, અગ્રણીઓએ એક અવાજે કહ્યું કે, રાપર ન માત્ર લાગણીના નાતે બલ્કે વેપાર, કારોબાર, શિક્ષણ, આરોગ્ય, આર્થિક, સામાજિક, ધાર્મિક એમ બધી રીતે કચ્છથી જોડાયેલું છે. બીજું, ઐતિહાસિક કે પૌરાણિક સમયથી આ પ્રદેશ કચ્છ સાથે અભિન્ન રીતે ગૂંથાયેલો રહ્યો છે એને ઉત્તર ગુજરાત સાથે કેમ ગોઠવી શકાય ? સીએમની સ્પષ્ટતા પછી આ મુદ્દા પર હાલ ઘડીએ કચ્છની અખંડિતતાને  તરાપ પડે એવી ભીતિ નથી. અલબત્ત, રાજ્યનું તંત્ર વહીવટી સુગમતા માટે સીમાંકનની હિમાયત કરતું રહ્યું છે, એ જોતાં ભવિષ્યમાં પણ કચ્છે આ મુદ્દે સજાગ અને સાવધ રહેવું પડશે. એક સમયે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માવજત પામનારાં કચ્છને `અલગ' રાજ્યના દરજ્જાની ભૂતકાળમાં માંગ ઊઠી છે. જો કે અહીંની પ્રજા આવી બાબતથી છેટી રહી છે. દોઢ-બે દાયકાથી કચ્છને બે જિલ્લામાં ફેરવવાની વાત ઊઠતી રહી છે. આની હિમાયત કરનારો એક વર્ગે એવી દલીલ કરે છે કે દેશના સૌથી વિશાળ ક્ષેત્રફળ ધરાવતા જિલ્લાને બે ભાગમાં વહેંચવાથી લોકોની હાડમારી ઓછી થઇ?જશે, પરંતુ કચ્છની ધરતીની ધૂળને હંમેશાં માથે ચડાવતા અને કચ્છીયતના રંગે રંગાયેલા લોકોને આ વાત સ્વીકાર્ય નથી. આમ પણ કચ્છ કદાચ ગુજરાત કે દેશના એવા વિરલ જિલ્લાઓમાં છે જે લાગણીથી વધુ વિચારે છે. કચ્છનું પાટનગર ભુજ હોય, બીજાં શહેરો હોય કે મુંબઇ... તૈયાર કપડાં, મેડિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો મોટો કારોબાર વાગડના જૈનોના હાથમાં છે. માત્ર વાગડ જ નહીં, માંડવીનું બિદડા હોય કે ભોજાય કે વાગડ વેલ્ફેર... કચ્છ અને કચ્છીઓની આરોગ્ય સંભાળ લેવામાં સદૈવ અગ્રેસર હોય છે. કચ્છીઓની ખુમારી, જીવદયાના કિસ્સા અનેક છે. અંજારની નંદીશાળા હજારો પશુઓને નિ:સ્વાર્થ સાચવતી હોય કે માંડવીના વેપારીઓ ગાયોને 50 લાખનું નીરણ નીરતા હોય એ કચ્છની જ સંસ્કૃતિ. વહીવટની સુગમતાને સંબંધ છે ત્યાં સુધી ગુજરાત સરકારે પૂર્વ કચ્છ માટે અલાયદા પોલીસવડા, આરટીઓ તંત્ર, આરોગ્ય માળખું, વીજળી જેવી કચેરીઓ ઊભી થઇ ચૂકી છે અને એનો લોકોને ફાયદોએ મળે છે. રાજ્યના સત્તાવાહકોએ કચ્છને આગવી સંસ્કૃતિ ધરાવતા પ્રદેશ તરીકે સ્વીકારીને તેની સંભાળ લેવી જરૂરી છે. કચ્છને બે ભાગમાં વિભાજિત કરવાને બદલે કચ્છને રાજ્યસભામાં બેઠક, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપીને તેનું મહત્ત્વ વધારી શકે. આ સરહદી જિલ્લાને તેનાથી સાચો ફાયદો થશે. કચ્છ કંઇ ચાર-પાંચ તાલુકાનું ન હોઇ શકે. ભુજનું હમીરસર, રાજાશાહી વખતના મહાલયો, લખપતનો કિલ્લો, માંડવીનો સાગરકાંઠો, સુથરી-નલિયા તરફના તડપદી વનસ્પતિથી આચ્છાદિત વિસ્તાર, અંજારમાં જેસલ-તોરલની સમાધિ, મુંદરા અને કંડલાના તટે ધમધમતા મહાબંદરો, નર્મદા કેનાલનો પથારો ધરાવતો વાગડ વિસ્તાર, ગાય-ભેંસના ગળાની ઘંટડીઓથી ગુંજતો બન્ની વિસ્તાર, અદ્યતન હોટેલો અને વૈભવી મોટર ગાડીઓથી શોભતું પંચરંગી મેટ્રોસિટી ગાંધીધામ, લીલી વાડીઓથી શોભતો નખત્રાણા પંથક, દેશદેવી આશાપુરાનું ધામ, સીમા પર પહેરો ભરતા ફોજી રક્ષકો... આ બધાંથી કચ્છ બને છે... આ કચ્છની ઓળખ કચ્છનો આત્મા છે. તેને નોખું કરવાની વાત કચ્છીઓ સ્વીકારશે નહીં, હા, અગાઉ કહ્યું તેમ વહીવટી સુગમતા માટે સરકાર કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરી શકે છે, પરંતુ છેવટે તો બધું `કચ્છ'ને અંતર્ગત હોવું જોઇએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang