• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

મોદીની અમેરિકા યાત્રા અને `ક્વાડ'નો અભિગમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની અમેરિકા યાત્રા અતિ વ્યસ્ત રહી. અમેરિકા ચૂંટણીના દોરમાંથી પસાર થઇ?રહ્યું છે. નવેમ્બરમાં જો બાયડનનાં સ્થાને તેમના પક્ષના કમલા હેરિસ આવશે કે ડોનાલ્ડ ટ્રમ્પ મેદાન મારી જશે એની અનિશ્ચિતતા વચ્ચે મોદીએ બંને ઉમેદવારને મળવાનું ટાળીને મુત્સદીગીરી દાખવી છે. આમ છતાં મોદી અતિ વ્યસ્ત રહ્યા. `ક્વાડ' શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ નેપાળ, જાપાન, કુવૈત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે શિખર બેઠક કરી. એ પછી ભારતીય સમુદાયની વિશાળ સભાને સંબોધન કર્યું. ટેક્નોલોજીની દુનિયાની દિગ્ગજ કંપનીઓના મુખ્ય કારોબારી અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો અને છેલ્લે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધન કર્યું. દર વખતે વિદેશ યાત્રાઓમાં જોવા મળે છે તેમ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનાં કોઇ પણ દબાણને વશ થયા વિના ભારતનો એજન્ડા દુનિયા સમક્ષ મૂક્યો છે. યુનો મહાસભાના સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ભારત એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. તેમણે શાંતિ અને સ્થિરતા માટે વૈશ્વિક સંસ્થાઓમાં બદલાવની હાકલ કરી છે. આ મુલાકાતમાં ઘણીબધી હકારાત્મક બાબતો છે. તેમાં ઊડીને આંખે વળગે એવી વાત છે યુનોની સલામતી સમિતિમાં ભારતની દાવેદરીને અમેરિકાનું સમર્થન. બાયડને મોદીને મિત્ર લેખાવતાં કહ્યું કે, ભારત સાથે અમેરિકા ખૂબ નજીકથી જોડાઇને વૈશ્વિક શાંતિ-સ્થિરતા માટે કામ કરી રહ્યું છે. અમેરિકા સાથે ભારતે સંરક્ષણ સોદો પણ કર્યો છે. દુનિયા અત્યારે બબ્બે ભયાનક યુદ્ધના દોરમાંથી પસાર થઇ રહી છે. રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત નજીક દેખાતો નથી અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ ભયાનક સ્તરે પહોંચ્યો છે. એવામાં વૈશ્વિક નીતિ અને બિનજોડાણવાદ કસોટીની એરણે છે. ભારતે આંતરરાષ્ટ્રીય રાજનૈતિક બાબતોમાં ઉત્પન્ન વિરોધાભાસોને સંતુલિત કરવા તેમજ વિવિધ દેશો સાથે ભાગીદારી જાળવી રાખવાની ક્ષમતા સાથે સારી સ્થિતિમાં છે. અખાત, પ્રશાંત ક્ષેત્ર, દક્ષિણ એશિયામાં  પ્રવર્તમાન ઉચાટ કે ઉપદ્રવથી ભારત સુપેરે વાકેફ છે અને બરોબર સમજે છે કે ક્ષેત્રિય પડકારોનો સામનો કોઇ એક દેશ પોતાની રીતે કરી શકે એમ નથી. એ માટે સંસાધનો અને ક્ષમતાઓને એકસાથે લાવવી અનિવાર્ય છે. એટલે જ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા (ક્વાડ)નો ચતુષ્કોણ સાથે મળીને કામ કરે એ માનવતાનાં હિતમાં છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, ક્વાડ કોઇના વિરુદ્ધ નથી, બલ્કે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સંપ્રભુતાના સન્માન માટે છે. તેમનો પરોક્ષ ઇશારો ચીન તરફ હતો. દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સમુદ્રી ક્ષેત્રમાં બીજિંગ કેટલાય દેશ સાથે વિવાદમાં છે. ચીન આખા દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્ર પર પોતાની સંપ્રભુતાનો દાવો કરે છે, જ્યારે  વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઇ અને તાઇવાન પણ અહીં પોતાની હકુમત હોવાનું જણાવી રહ્યા છે. આ સંજોગોમાં ક્વાડ શિખર સંમેલનનો સંદેશ આ ક્ષેત્ર માટે મહત્ત્વનો છે. નરેન્દ્ર મોદીએ રૂસ-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાનો છાનો પ્રયાસ કરતા રહ્યા છે. ન્યૂયોર્કમાં  પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથેની મુલાકાતમાં ગાઝા ક્ષેત્રમાં ઇઝરાયલ-હમાસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ પ્રત્યે ઊંડી ચિંતા વ્યક્ત કરીને યુદ્ધવિરામ તથા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ આપ્યો છે. આ મુલાકાત અને સંદેશ સાથે મોદીએ વૈશ્વિક મંચ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ટેક્નોલોજી દિગ્ગજો સાથેની તેમની ચર્ચા-વિચારણા આવનારા સમયમાં મૂડી રોકાણ અને સેમી કન્ડક્ટર ઉત્પાદનનો હબ બનવાનો નિર્ધાર સાકાર કરવામાં મદદરૂપ બનશે એવી આશા રાખી શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang