• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભારતનાં પગલાંથી ચીનને બળતરા

નવી દિલ્હી, તા. 27 : અરુણાચલ પ્રદેશ માટે ભારત-ચીન વચ્ચે ફરી એકવાર ભારે ખેંચતાણ પેદા થઈ ગઈ છે. ભારતીય પર્વતારોહકો દ્વારા અહીં એક શિખરને દલાઇ લામાનું નામ અપાતાં નામકરણ કરવામાં આવતાં ચીન ઉશ્કેરાઈ ગયું છે, જેની ખંધા ચીને વાંધો ઉઠાવવા સાથે બળાપો વ્યક્ત કર્યો છે. ભારત દ્વારા અરુણાચલની એક અનામ ટેકરીનું નામ છઠ્ઠા દલાઈ લામાનાં નામે રાખવામાં આવ્યું છે, તો સામે પક્ષે ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશને ચીનનું ક્ષેત્ર જાંગનાન ગણાવી દીધું છે. જો કે, ભારત ચીનનાં આવા તમામ દાવાઓને ફગાવતું આવ્યું છે અને આ પ્રદેશ  ભારતનો અભિન્ન હિસ્સો હોવાનું અનેકવાર સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.  ભારતીય પર્વતારોહીઓ દ્વારા અરુણાચલ પ્રદેશના એક અનામ શિખરનું નામ દલાઈ લામાનાં નામે રાખવામાં આવતાં ચીને આજે વાંધો લીધો છે અને આ ક્ષેત્ર ઉપર પોતાનો દાવો દોહરાવ્યો હતો. રાષ્ટ્રીય પર્વતારોહણ અને સાહસિક ખેલ સંસ્થા (એનઆઈએમએસ)ની ટીમે અરુણાચલ પ્રદેશની 20942 ફૂટ ઊંચાઈએ એક અનામી ટૂક ઉપર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. અહીં સુધી હજી સુધી કોઈ પહોંચી શક્યું નહોતું ત્યારબાદ ટીમ દ્વારા આ શિખરનું  નામ છઠ્ઠા દલાઈ લામા ત્સાંગયાંગ ગ્યાત્સોનાં નામે રાખ્યું હતું. આની સામે પ્રતિક્રિયા આપતા ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જાંગનાનનો વિસ્તાર ચીની પ્રદેશ છે અને ભારત દ્વારા તથા કથિત અરુણાચલ પ્રદેશ સ્થાપિત કરવામાં આવે, તે અમાન્ય અને ગેરકાયદે છે. ચીન પોતાનાં આ વલણ ઉપર અડગ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang