વિખ્યાત તિરૂપતિ દેવસ્થાનમમાં પ્રસાદના લાડુનો વિવાદ હજી શમ્યો
નથી, ત્યાં દેશમાં બીમારી સામે લડવા માટે ચાવીરૂપ 50થી વધુ દવા ગુણવત્તાની કસોટી પર
નિષ્ફળ જણાઇ છે અને તેનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક કરતાં વધુ જોખમી હોવાનું પરીક્ષણમાં
સામે આવતાં ભારે ચકચાર જાગી છે. કેન્દ્રના ઔષધિ નિયંત્રણ સંગઠનના આ પરીક્ષણમાં દર્દીઓ
માટે ભારે ભરોસાપાત્ર રહેલી સામાન્ય જનતાનું દવાઓની સામે ગંભીર પ્રશ્નાર્થ ખડો થયો
છે. સામન્ય રીતે તબીબોના પ્રિક્રીપ્શનની ઝંઝટ વગર સામાન્ય બીમારીઓ માટે હાથવગી એવી
પેરાસિટામોલ, પૈન ડી, કેલ્શીયમ અને વિટામિન ડી જેવી ગોળીઓ ઉપરાંત ડાયાબિટિસ સામેની
ગોળીઓ સહિત 50થી વધુ દવામાં સંખ્યાબંધ ઉણપો હોવાનું પરીક્ષણમાં સામે આવતાં તબીબી જગત
પણ ચિંતિત બન્યું છે. ઉલ્લેખનીય છે કે, આ
50 દવા પરીક્ષણમાં નાપાસ થઇ હોવા અગાઉ ગયા મહિને 156 દવાની સામે મનાઇ ફરમાવાઇ હતી.
એન્ટીબાયોટિક્સ, મલ્ટિ વિટામિન, પેઇન કિલર ઉપરાંત શરદી કે સામાન્ય તાવની સમસ્યામાં
લેવાતી આ દવાઓની ઉપર પ્રતિબંધ લદાયો, ત્યારે એમ કહેવાયું હતું કે, આ દવાઓના ઉપયોગથી
આરોગ્યની સામે જોખમ ઊભું થઇ શકે છે. આ આખાં
પ્રકરણમાં ચિંતાજનક બાબત એ છે કે, પરીક્ષણમાં વિફળ રહેલી આ દવાઓનું સેવન કેટલા લોકો
કરી ચૂક્યા છે અને તેમનાં આરોગ્ય પર તેની કેવી અવળી અસર પડી છે, તેની કોઇ વિગતો સામે
આવી શકે તેમ નથી. આમ તો આવાં પરીક્ષણોમાં ઘણી વખત દવાઓની ગુણવત્તા યોગ્ય ન હોવાના તારણો
સામે આવતાં રહે છે. પણ દવા ઉત્પાદક કંપનીઓ
તેને ગણકાર્યા વગર તેને બજારમાં મૂકતી રહે છે, પણ આ વખતે સરકારે કડક વલણ લીધું છે.
આવી જોખમી જણાયેલી દવાઓની ઉત્પાદક કંપનીઓની જવાબ માગવામાં આવ્યો છે. સાથોસાથ જોખમી
જણાયેલી દવાઓની વિગતો જાહેર કરીને લોકોને તેના ઉપયોગ અંગે સાવચેત કરવાની કાર્યવાહી
પણ હાથ ધરાઇ છે. સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાંના આ ચોંકાવનારા પ્રકરણમાં વધુ ગંભીર
બાબત એ પણ સામે આવી છે કે, પરીક્ષણમાં પાર ન ઊતરેલી દવાઓની સામે પ્રતિબંધ છતાં તે બજારમાં
સરળતાથી ઉપલબ્ધ રહે છે. સરકાર કાગળ પર પ્રતિબંધ જાહેર તો કરે છે, પણ તેનો વાસ્તવમાં
કેવો અને કેટલો અમલ થાય છે, તેના માટે કોઇ નક્કર વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે જોખમી
કે ગુણવત્તા રહિતની દવાઓ બેધડક રીતે દવાની દુકાનોમાં વેચાતી રહે છે અને લોકોનાં આરોગ્ય
સાથે ચેડાં થતાં રહે છે.