• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ખાદ્યસામગ્રી સ્વચ્છતા અભિયાન

સમગ્ર ઉત્તર પ્રદેશમાં ખાદ્યસામગ્રી વેચાણવાળાં તમામ સ્થળો રેસ્ટોરાં, ઢાબા, સ્ટોલ, હોટલ વગેરે સ્થળોએ રસોઈયા અને વેઈટર્સે કામ દરમ્યાન માસ્ક અને હાથમાં ગ્લવ્ઝ પહેરવાં ફરજિયાત રહેશે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરાંમાં ફરજિયાત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. પ્રોપર્ટીના મૂળ માલિક, તેના સંચાલકો, મેનેજરે સ્પષ્ટ રીતે વંચાય તે રીતે પોતાનાં નામ બોર્ડમાં દર્શાવવાનાં રહેશે, સાથે સરનામું પણ હોવું જોઈએ. જ્યુસ, રોટી-દાળ વગેરેમાં માનવ વેસ્ટની ભેળસેળ નહીં ચલાવી લેવાય, જે પણ વ્યક્તિ આવું કરતી પકડાશે તેની સામે આકરી કાર્યવાહી કરાશે. ઉત્તર પ્રદેશની સરકારે ખાણી-પીણીની શુદ્ધતા નિશ્ચિત કરવા અને વધતી ભેળસેળને નિયંત્રણ કરવાના ઉદ્દેશથી આ વ્યવસાયમાં જોડાયેલી દુકાનો અને સંસ્થાઓને જે નવા દિશા-નિર્દેશ બહાર પાડયા છે, તે આવકારપાત્ર છે. સ્પષ્ટ છે કે, સ્વચ્છતા માટે શાસકીય હસ્તક્ષેપની આવશ્યક્તા પડવી નહીં જોઈએ, પણ કમનસીબે આપણે આ બાબતમાં લાપરવા છીએ અને નફાખોરીની વધતી પ્રવૃત્તિઓએ આ લાપરવાહીને જીવલેણ હદ સુધી પહોંચાડયું છે. રાજ્ય સરકારના દિશા-નિર્દેશ બિલકુલ મુનાસિબ છે અને આવી જ સજાગતા બીજાં રાજ્યોએ પણ દાખવવી જોઈએ, પરંતુ વિડંબણા એ છે કે, આવાં પગલાં પણ અનેક વખત રાજનીતિથી પ્રેરિત થઈ ઉઠાવવામાં આવે છે અથવા પછી તેને રાજકીય ચશ્માંથી જોવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકારે આ પગલું હાલમાં જ બનેલી ઘટનાઓમાં ખાણી-પીણીની ચીજોમાં અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, તે પછી આદેશ થયો છે. તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પશુ ચરબીના ભેળસેળના સમાચારે આખા દેશને હચમચાવી નાખ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે આંચકો લાગ્યો છે. દેશમાં ગ્રાહકોનાં હિતોની રક્ષા માટેના આકરા કાયદાઓની કોઈ કમી નથી, પરંતુ વાસ્તવિક્તામાં તે લાગુ નહીં થઈ શકવાના કારણે જ સ્થિતિ બગડી છે, દુષ્ટ પ્રવૃત્તિના લોકોનું દુ:સાહસ પણ વધ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારની આ સારી પહેલને એક વ્યવહારિક તંત્રની આવશ્યક્તા છે, જે જનસ્વાસ્થ્ય અને જનવિશ્વાસને કાયમ રાખે, જેને લઈ ભારે પ્રમાણમાં અસંગઠિત ક્ષેત્રના લોકોના રોજગારનું પણ સંરક્ષણ થઈ શકે. નિ:સંદેહ, ભારતમાં આર્થિક સમૃદ્ધિના વિસ્તારની સાથે બહાર ખાવાની પ્રવૃત્તિ વધી છે. પારંપરિક રૂપથી મહિલાઓ રસોઈ સંભાળતી આવી છે, પણ હવે મહિલા શ્રમિકોની વધતી સંખ્યાને જોતાં આ પ્રવૃત્તિ સામાજિક આવશ્યક્તા બનતી જશે. પરિણામે આપણે એવી સંસ્કૃતિ વિકસિત કરવી જ પડશે, જેમાં બહારનું ખાતા તેમાં કોઈ પ્રકારની આશંકા ન રહે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang