• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

યુનોમાં બ્રિટન પણ ભારતની સાથે

નવી દિલ્હી, તા. 27 : ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવાની આશા બળવત્તર બનતી જાય છે. ફ્રાન્સ અને અમેરિકા બાદ બ્રિટને પણ યુનોની સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદને સમર્થન આપ્યું છે. દુનિયાભરના મોટા નેતાઓ તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની બુલંદ બનેલી માંગ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે ભારતને સમર્થન જાહેર કર્યું હતું. સ્ટારમરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે, યુનોની સુરક્ષા પરિષદનો ચાર્ટર 1945માં બન્યો હતો. આઠ દાયકા પહેલાંની વૈશ્વિક સ્થિતિ ત્યારે ધ્યાને લેવાઇ હતી. આજે વૈશ્વિક ચિત્ર ઘણું બદલી ચૂક્યું છે. વધુ ને વધુ દેશોને સભ્યપદ આપીને સામેલ કરાય તો સુરક્ષા પરિષદ વૈશ્વિક પ્રશ્નો પર વધુ યોગ્ય રીતે કામ કરી શકશે, તેવું સૂચન બ્રિટિશ વડાપ્રધાને કર્યું હતું. સ્થાયી સભ્યપદ મળવાથી ભારતને સૌથી મોટો લાભ એ થશે કે, વૈશ્વિક સુરક્ષા અને શાંતિના મુદ્દાઓ પર ફેંસલા લેવાનો સીધો અધિકાર મળી જશે. ભારતને આંતરરાષ્ટ્રીય વિવાદો અને નીતિગત નિર્ણયોમાં વધુ અસરકારક ભૂમિકા ભજવવાની તક મળતી થશે. - યુએનએસસીમાં ભારતની દાવેદારી આડે ચીન બન્યું દીવાલ : નવી દિલ્હી, તા.ર7 : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય પદ માટે ભારતની દાવેદારીને રશિયા, અમેરિકા, ફ્રાંસ બાદ બ્રિટને પણ સમર્થન આપ્યું છે પરંતુ એક માત્ર ચીન મુખ્ય અવરોધક દિવાલ બની રહયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થયાને 7 દાયકા વિતી ચૂક્યા છે. દુનિયા ઘણી બદલાઈ ચૂકી છે અને યુએનનું માળખું હવે બદલવાની માગ થઈ રહી છે. ભારત સતત ભાર મૂકી રહયું છે કે  યુએન સુરક્ષા પરિષદમાં સુધાર કરવામાં આવે. મહાસત્તાઓમાં પ સ્થાયી સદસ્યોમાં 4 દેશ યુએનએસસીમાં ભારતની સ્થાયી દાવેદારીના સમર્થનમાં છે પરંતુ ચીન હજૂ તે માટે તૈયાર નથી. યૂએનએસસીમાં ભારત ઉપરાંત જાપાન, જર્મની, બ્રાઝીલે પણ સ્થાયી સભ્ય પદ માટે દાવો કર્યો છે. આફ્રિકી પ્રતિનિધિત્વ ઉમેરવા પણ રજૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યૂએનએસસીમાં ભારતના કાયમી સભ્ય પદનું જાહેરમાં સમર્થન કર્યુ હતું ત્યાર બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ પણ યુએનની સામાન્ય સભાના 79મા સત્રમાં ભારતને સમર્થન જાહેર કર્યુ હતુ. હવે બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે પણ આવી જ વાત કહી છે. રશિયા પહેલેથી જ સમર્થન આપી ચૂક્યું છે. અગાઉ ભારતે માગ કરી હતી કે 194પમાં સ્થાપિત 1પ સદસ્યની પરિષદ હવે જૂની છે અને ર1મી સદીમાં વર્તમાન ભૂ રાજનીતિ પરિદૃશ્યનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ છે. ભારત ર0ર1થી ર0રર સુધી અસ્થાયી સદસ્ય હતું. વૈશ્વિક પરિદૃશયને વધુ સારી રીતે દર્શાવવા સ્થાયી સદસ્યોની સંખ્યાનો વિસ્તાર કરવાની માગ ભારતે વારંવાર કરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang