• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કાશ્મીરમાં વિદેશી રાજદૂતો ચૂંટણીના સાક્ષી બનતાં ચર્ચા

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક લોકોના ભારે ઉત્સાહનું પ્રતિબિંબ પડી રહ્યંy છે. લાંબા સમય બાદ કાશ્મીરમાં નાગરિકો આતંકના ભય વગર લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેતા થયા છે. આવામાં બીજા તબક્કાનાં મતદાનને નિહાળવા ભારત સરકારે વિવિધ દેશોના વરિષ્ઠ રાજદૂતોને ખીણનાં મતદાન મથકોની મુલાકાત કરાવીને સ્થાનિક લોકો સાથે વાત કરવાની તક આપી હતી. પ્રથમ નજરે સરકારનું આ પગલું આવકારદાયક ગણી શકાય એવું છે, પણ અમુક પાસાંથી જોતાં તેનાથી કાશ્મીર મુદ્દો સ્થાનિકને બદલે વૈશ્વિક બની જાય એવી ભીતિ વ્યક્ત થવા લાગી છે. જમ્મુ અને કાશ્મીરની ઉપર પોતાની દાવેદારીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાની કોઈપણ તક જતી ન કરતા પાકિસ્તાનને વિધાનસભાની આ ચૂંટણી અને શાંતિથી યોજાતાં ભારે મતદાનથી પેટમાં તેલ રેડાયાં જેવી સ્થિતિ સર્જાઇ છે, તેવામાં વિદેશ મંત્રાલયે દિલ્હીમાં કાર્યરત વિવિધ એલચી કચેરીઓના વરિષ્ઠ રાજદૂતોને કાશ્મીરનાં મતદાનને નિહાળવા માટે મુલાકાત યોજીને દુનિયાને સાચી સ્થિતિના સાક્ષી બનાવવાનો પ્રયાસ ભારત સરકારે કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં મતદારોએ પહેલા અને બીજા તબક્કા દરમ્યાન ઉત્સાહભેર મતદાન કરીને પોતાની ભારતીયતાની પ્રતીતિ દુનિયાને કરાવી આપી છે. જો કે, રાબેતા મુજબ રીતે વિપક્ષે આ વિદેશી રાજદૂતોની કાશ્મીર મુલાકાતની સામે વાંધો નોંધાવ્યો છે. નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ એવો મત વ્યક્ત કર્યો કે અમને રાજદૂતોનાં પ્રમાણપત્રની જરૂરત નથી. કેન્દ્ર સરકાર એકતરફ વિદેશી પત્રકારોને કાશ્મીરની ખીણમાં આવવા દેતી નથી, તો રાજદૂતોને લાવીને તે શું સાબિત કરવા માગે છે. હકીકત એ છે કે કાશ્મીરમાં 370મી કલમ દૂર કરાઇ અને જમ્મુ - કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય બનાવાયા બાદથી ત્યાં વિરોધાભાસી દાવા સામે આવતા રહ્યા છે. એકતરફ, કેન્દ્ર સરકાર ખાસ દરજ્જો રદ થવાને લીધે ખીણમાં સ્થિતિ સુધરી હોવાનો દાવો કરે છે, તો વિરોધપક્ષો એવા આરોપ મૂકતા રહે છે કે ત્યાં સ્થિતિ સારી નથી જ. કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધ્યા છે અને ખાસ તો સલામતી દળોને નિશાન બનાવવાનું ચલણ વધી રહ્યંy છે, પણ વિધાનસભાની ચૂંટણીઓમાં લોકોએ જે રીતે ઉત્સાહ બતાવ્યો છે, તેનાથી આતંકીઓનો ઓછાયો હવે દૂર થઇ રહ્યો હોવાની પ્રતીતિ થઇ રહી છે. ભારત સરકાર આ હકારાત્મક સ્થિતિનો વિશ્વના દેશોને પ્રત્યક્ષ અનુભવ કરાવવાની આ તક જતી કરવા માગતી નહીં હોય. વળી, વિદેશી રાજદૂતો કે પ્રતિનિધિઓએ કાશ્મીરની મુલાકાત લીધી હોય એ આ કાંઇ પ્રથમ પ્રસંગ ન હતો કે વિપક્ષને તેની આકરી પ્રતિક્રિયા આપવી પડે, પણ કેન્દ્ર સરકાર વિશ્વના દેશોને ભારે મતદાનના માહોલના સાક્ષી બનાવીને ખાસ દરજ્જો દૂર કરવાનું તેનું પગલું લોકોને આવકાર્ય હોવાનું બતાવવા માગતી હોય તેમાં કોઇ ખોટું જણાતું નથી. રાજકીય વાંધાને બાદ કરીએ તો પણ અમુક રાજદ્વારી જાણકારો કાશ્મીરના મુદ્દાને દેશની આંતરિક બાબત ગણાવવાનાં ભારતનાં સત્તાવાર વલણે આ વિદેશી રાજદૂતોની સત્તાવાર મુલાકાતથી અવળી અસર પડી શકે એવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. તેમનો મત એવો છે કે પાકિસ્તાન આ બાબતને આગળ ધરીને વૈશ્વિક દરમ્યાનગીરીના તેના દુરાગ્રહને વધુ જોશભેર ઉઠાવી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang