• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભુજમાં 18 રેંકડી તથા આઠ શેડ તોડી દબાણ હટાવાયું

ભુજ, તા. 27 : ભુજ નગરપાલિકા દ્વારા આજે બપોરે કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ હેઠળ પીજીવીસએલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધીના માર્ગની બંને બાજુ ગેરકાયદેસર રીતે ઊભેલી રેંકડી-કેબિનોને હટાવાતાં શહેરના અન્ય દબાણકર્તાઓમાં ભયની લાગણી ફેલાઇ હતી. ગેરકાયદેસર ઊભેલી રેંકડી, કેબિનો તથા ફૂલ-છોડ, માટલા-કૂંડાં વેચતા છૂટક નાના ધંધાર્થીઓથી ફૂટપાથ રોકાઇ જતાં વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત માતાના મઢ જતા પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થઇ ગયો છે, ત્યારે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વારંવાર નોટિસો / તાકીદ છતાં ફૂટપાથ પર ગેરકાયદેસર રેંકડી/ કેબિનો તથા છૂટક ધંધાર્થીઓ દ્વારા વેચાણ ચાલુ રહ્યું હોવાથી આજે નગરપાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલના માર્ગદર્શન હેઠળ ઝુંબેશમાં ગેરકાયદેસરની 18 રેંકડી તથા આઠ શેડ તોડી પડાયા હતા તથા તાડપત્રી બાંધી બેઠેલા ફૂલ-છોડ, માટલા-કૂંડાં વેચતા છૂટક ધંધાર્થીઓ સહિતનાનો સામાન જપ્ત કરાયો હતો. કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસ અગ્રણીઓ તથા સ્ટ્રીટ વેન્ડર એસોસિયેશનના સભ્યોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો તથા હટાવાયેલી રેંકડી/ કેબિન તથા છૂટક નાના ધંધાર્થીઓ માટે તાત્કાલિક અન્યત્ર વ્યવસ્થા કરવા માંગ કરી હતી. કામગીરી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત  ગોઠવાયો હતો. સુધરાઇ બાંધકામ, દબાણ, સેનિટેશન સહિતની શાખા તથા સ્ટાફ?જોડાયો હતો. ઝુંબેશના પ્રારંભ સાથે જ ઉપરોક્ત સ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. દબાણ હટાવવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતાં આસપાસના વિસ્તારના અનેક લારી-કેબિનધારકો સ્વેચ્છાએ હટી ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang