• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભચાઉમાં મુંબઇગરાનાં ઘરમાં લાખની ચોરી

ગાંધીધામ, તા. 27 : ભચાઉના માંડવીવાસ સંઘવાડીની બાજુમાં આવેલા એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂા. 1,06,000ની મતાની તસ્કરી કરી હતી. ભચાઉમાં બનેલ આ બનાવ અંગે છેલ્લા 30 વર્ષથી મુંબઇ ધંધાર્થે રહેતા ચંદ્રેશ ચાંપશી કરશન ગડા (ઓસવાળ જૈન)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને તેમના અન્ય ભાઇઓ ધંધાર્થે મુંબઇ રહે છે, ત્યારે અહીં ભચાઉ માંડવીવાસ ખાતે તેમના માતા એકલા રહે છે, ફરિયાદીના માતા દિવાળીબેન ગત તા. 20-6ના મુંબઇ ખાતે ફરિયાદીનાં ઘરે ગયાં હતાં, ત્યાં રોકાયા હતા, આ પરિવાર તા. 22-9ના મુંબઇથી ભચાઉ આવવાનો હોવાથી કામ કરનારા મહિલાને ફોન કરી ઘરે સફાઇ કરવા જણાવ્યું હતું. આ મહિલા તેમના ઘરે સફાઇ કરવા જતાં ઘરનાં તાળાં તૂટેલાં હોવાની તેમણે ફોન કરીને ફરિયાદીને જાણ કરી હતી. તેવામાં બીજા દિવસે ફરિયાદી યુવાન પરિવાર સાથે અહીં આવી પહોંચ્યા હતા. તેમના બંધ ઘરના બે દરવાજાના નકુચા અને તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ તિજોરીમાંથી જુનવાણી દાગીના જેમાં સોનાંની બે બંગડી, સોનાની ચેઇન, સોનાની કાનની બુટ્ટી તથા ચાંદીનું શ્રીફળ, ચાંદીની થાળી, ચાંદીના ચાર સિક્કા અને રોકડ રૂા. 20,000 એમ કુલ રૂા. 1,06,000ની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી. કેમેરા તપાસવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang