• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ચાઇલ્ડ પોર્નોગ્રાફી : યોગ્ય દિશાનિર્દેશ

ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગે સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તે મુજબ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી પોક્સો અને આઈટીના કાયદા હેઠળ ગુનો મનાશે. સુપ્રીમ કોર્ટે સંસદને સૂચન કર્યું છે કે, સંસદે કાયદામાં સંશોધન કરીને `ચાઇલ્ડ પોર્નોગ્રાફી' શબ્દને બદલી `બાળકો સાથે યૌનશોષણ અને અશ્લીલ સામગ્રી' કરવા પર વિચાર કરવો જોઈએ. સુપ્રીમે મદ્રાસ હાઈકોર્ટનો એ ચુકાદો પણ રદ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી ગુનો નથી. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સરકારને અનેક દિશાનિર્દેશ પણ આપ્યા છે. કોઈ વ્યક્તિ દ્વારા ઈન્ટરનેટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી સંબંધિત કન્ટેન્ટને જોવું, ડિસ્ટ્રિબ્યુટ કરવું કે પ્રદર્શિત કરવું, કોઈપણ ડિવાઈસ કે અન્ય રીતે આવાં કન્ટેન્ટ રિયલ કે ફિઝિકલ પઝેશન કે સ્ટોરેજની સાથે કે તેના વિના, પોક્સો અધિનિયમ અંતર્ગત ગુનો છે. કોઈપણ વ્યક્તિને દંડિત કરી શકાય છે, જો એ સાબિત થઈ જાય કે તેની એફઆઈઆર નોંધાયા પહેલાં કોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોતાની પાસે સાચવી કે રાખી મૂક્યું છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી તેમજ બાળ યૌનશોષણ અટકાવવા માટે સેક્સ શિક્ષણ આવશ્યક હોવા પર સુપ્રીમે ભાર મૂક્યો છે. સાથે જ દેશભરમાં સેક્સ શિક્ષણ પ્રોગ્રામ લાગુ કરવા માટે પણ સૂચન કર્યું છે. આ માટે શિક્ષકો, હેલ્થ કેર પ્રોફેશનલ્સ અને કાયદો લાગુ કરનારા અધિકારીઓને સમસ્યાગ્રસ્ત યૌન વ્યવહારના સંકેતો જાણી શકે એ માટેની ટ્રેનિંગ આપવી જોઈએ. બાળ યૌનશોષણ સામગ્રી સગીરોની ગરિમાને ખૂબ ઠેસ પહોંચાડતી હોય છે અને આ તેઓને યૌન સંતુષ્ટિની વસ્તુ બનાવી દે છે અને તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. બાળકોનો એવા માહોલમાં ઉછેર થવાનો અધિકાર છે, જ્યાં તેમની ગરિમાનું સન્માન થાય અને તેમને નુકસાનથી બચાવી શકાય. બાળ યૌનશોષણ અને દુર્વ્યવહાર સામગ્રીનું ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ કરનારાઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી સ્પષ્ટ કાયદાકીય અને નૈતિક અનિવાર્યતા છે. યૌનશોષણનું કોઈપણ કૃત્ય બાળકો પર સ્થાયી શારીરિક અને ભાવનાત્મક આઘાત પહોંચાડે છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એટલે પોક્સો એક્ટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈ આકરી સજા છે જ. હવે આવા ગુનાઓને પ્રાધાન્યતા આપી સરકારી એજન્સીઓએ સજાગ થવાની જરૂર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang