• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કચ્છ આવતી બે ટ્રેનમાં પ્રવાસીના 34 હજારના મોબાઈલની તફડંચી

ગાંધીધામ, તા. 27 : મુંબઈ (બાન્દ્રા) અને ગાંધીનગરથી આવતી ટ્રેનોમાંથી રૂા. 34,000ના બે મોબાઈલની તસ્કરોએ ચોરી કરી હતી તો વાગડમાં વોંધમાં રામાપીરના મેળામાં દર્શને આવેલા વૃદ્ધના ખિસ્સામાંથી તસ્કરોએ રૂા. 18,500નો મોબાઈલ સેરવી લીધો હતો. અદાણી સેઝની કંપનીમાં કામ કરનાર સરવશે રમેશ પવાર નામનો યુવાન ગત તા. 25/9ના કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ કચ્છ આવી રહ્યો હતો. આ ટ્રેન તા. 26/9ના સવારે સામખિયાળી પહોંચતાં યુવાને પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી વોશરૂમમાં ગયા બાદ પરત આવતાં મોબાઈલ ગુમ જણાયો હતો. તસ્કરોએ રૂા. 30,000ના મોબાઈલની તસ્કરી કરી લીધી હતી તેમજ ગાંધીનગર ખાતે સી.આર.પી.એફ.માં ફરજ બજાવતા શેખર અરૂણ બનવાલ નામના જવાન ગાંધીનગરથી ભુજ ખાતે એન.ડી.આર.એફ.ની ડયૂટી માટે આવવા રવાના થયા હતા. આ જવાન ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેનમાં કોચ નંબર એસ-3 સીટ પર બેઠા હતા. રાત્રિના સામખિયાળી પસાર થતાં ફરિયાદીને ઊંઘ આવતાં તે ઊંઘી ગયા હતા. ગાંધીધામ રેલવે સ્ટેશન ટ્રેન પહોંચે તે પહેલાં તસ્કરોએ ચાર્જિંગમાં મૂકેલા રૂા. 4000ના મોબાઈલની ચોરી કરી હતી. બીજીબાજુ ભચાઉના વોંધમાં રામાપીરના મેળામાં મોબાઈલની ચોરી થઈ હતી. શિકારપુરમાં રહેનાર માંડણ દામા ઢાઢી નામના વૃદ્ધ ગત તા. 14/9ના બપોરે છાડવારા ખાતે વેવાઈના ખબર-અંતર પૂછવા ગયા હતા, ત્યાંથી પરત આવતી વખતે મેળામાં રામાપીરનાં દર્શન કરવા ગયા હતા, ત્યાંથી બહાર નીકળી ઘરે ફોન કરવા ખિસ્સામાં હાથ નાખતાં કોઈએ પોતાનો ફોન સેરવી લીધો હોવાનું બહાર આવ્યું હતું. રૂા. 18,500ના મોબાઈલની ચોરી કોઈ શખ્સોએ કરી હતી. વાગડ પંથકમાં વાયર ચોર ટોળકીના તરખાટ બાદ મોબાઈલ ચોરીના બનાવો વધતાં ભારે ચકચાર પ્રસરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang