• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

આદિપુર ખાતે આયોજિત ટીટી સ્પર્ધામાં બે મેજર અપસેટ

ગાંધીધામ, તા. 26 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પાંચમા દિવસે બે મેજર અપસેટ સર્જાયા હતા, જેમાં વલસાડના બિનક્રમાંકિત ખેલાડીએ અમદાવાદના આઠમા ક્રમાંકિત સ્પર્ધકને હરાવ્યો હતો. ત્યારબાદ તેની સામે રાજકોટના ક્વોલિફાયર ખેલાડીનો વિજય થયો હતો. અહીંના આદિપુર ખાતે એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આયોજિત સ્પર્ધામાં સુરતની બીજા ક્રમાંકની ધિમહી કાબરાવાલાએ અંડર-11 હોપ્સ ગર્લ્સ ટાઇટલ જીતી લીધું હતું. સિઝનનું ત્રીજું ટાઇટલ જીતવા માટે તેણે સુરતની જ અને જાયન્ટ કિલર મનાતી અર્ના તેતરને 3-0થી હરાવી હતી. આ સફળતા સાથે ધિમહીએ અમદાવાદની મિશા લાખાણીને પાછળ રાખીને સ્ટેટ રેન્કિંગમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું. કેડેટ અંડર-13માં મોખરાના ક્રમના બોયઝ અને ગર્લ્સ ખેલાડીએ અજેય રહીને ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. બોયઝ વિભાગમાં રાજકોટના દેવ ભટ્ટે બીજા ક્રમના અનય બચાવત (સુરત)ને 3-1થી હરાવીને સિઝનમાં પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું અને સ્ટેટ રેન્કિંગમાં મોખરે રહ્યો હતો. ગર્લ્સ ઇવેન્ટમાં સુરતની દાનિયા ગોદીલે અમદાવાદની ખ્વાઇશ લોટિયા સામે ખાસ મહેનત કરવી પડી ન હતી અને 3-0ના વિજય સાથે રેન્કિંગમાં મોખરાનું સ્થાન અને સિઝનનું પોતાનું પાંચમું ટાઇટલ જીતી લીધું હતું.  મેન્સ ઇવેન્ટમાં ટૂર્નામેન્ટના પાંચમા દિવસે બે મેજર અપસેટ સર્જાયા હતા. વલસાડના બિનક્રમાંકિત ખેલાડી ભાવિન દેસાઈએ અમદાવાદના આઠમા ક્રમના અક્ષિત સાવલાને રાઇન્ડ ઓફ 32માં 3-2થી હરાવ્યો હતો. ત્યારબાદ પ્રિક્વાર્ટર ફાઇનલમાં રાજકોટના ક્વોલિફાયર ચિંતન ઓઝાએ સુંદર પ્રદર્શન કરીને ભાવિનને 3-0થી હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. તે હવે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટ સામે મુકાબલો કરશે. વિમેન્સ કેટેગરીમાં મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીએ 16મા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલ સામે પ્રથમ ગેમ ગુમાવી લડત આપવી પડી હતી, પરંતુ વળતો પ્રહાર કરીને સુરતની આ ખેલાડીએ 3-2થી પ્રિક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang