• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

રાજ્ય ટીટી સ્પર્ધામાં ભાવનગર અને સુરતની ટીમોનો દબદબો

ગાંધીધામ, તા. 25 : ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની ગરમીમાં સખત મહેનત કરીને બુધવારે ત્રીજા દિવસે ત્રણ ટીમ ટ્રોફી જીતી લીધી હતી જ્યારે સુરતની ટીમે પણ મેન્સ અને વીમેન્સની બે મહત્ત્વની બે ટ્રોફી અંકે કરી લીધી હતી. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર ખાતે આયોજિત આ સ્પર્ધા ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી ટુર્નામેન્ટ છે. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડી રહ્યો છે. રમતના ત્રીજા દિવસે ભાવનગર જુનિયર બોયઝની બીજી ક્રમાંકિત ટીમે ત્રીજા ક્રમની સુરતની ટીમને આસાનીથી પરાસ્ત કરી દીધી હતી. જેમાં ધ્યેય જાની રમી રહ્યો હતો. ભાવનગરની જ બીજી ક્રમાંકિત જુનિયર ગર્લ્સની ટીમની આગેવાની રિયા જયસ્વાલે લીધી હતી. આ ટીમે આશ્ચર્યજનક રીતે ફાઇનલમાં પ્રવેશેલી બિનક્રમાંકિત નવસારીની ટીમને 3-1 થી હરાવીને અંડર-19 શ્રેણીમાં ક્લીન સ્વિપ કર્યો હતો. સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ બીજો ક્રમાંક ધરાવતી ભાવનગરની ટીમે ચાર્મી ત્રિવેદીની આગેવાનીમાં મોખરાના ક્રમની સુરત સામે એક ગેમથી પાછળ રહેવા છતાં અંતે 3-1 થી વિજય હાંસલ કરીને ત્રીજી ટ્રોફી જીતી હતી. મેન્સ ફાઇનલમાં ચોથા ક્રમની સુરતની ટીમે બીજા ક્રમના વડોદરા સામે 3-0 થી અને વિમેન્સ ફાઇનલમાં ચેમ્પિયન અને મોખરાનો ક્રમ ધરાવતા સુરતે ભાવનગરને 3-1 થી હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું અને તેણે બે ટ્રોફી જીતી હતી. વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને મોખરાના ક્રમની અમદાવાદની ટીમ સામે સબ જુનિયર બોયઝ ટાઇટલ માટે આકરી મહેનત કરીને અમદાવાદને 3-2 થી હરાવ્યું હતું. આમ ટીમ ચેમ્પિયનશિપમાં આ તેનું એક માત્ર ટાઇટલ રહ્યું હતું. સ્થાનિક ખેલાડી રેહાંશ સિઘવી (કચ્છ)એ હોપ્સ બોયઝ (અંડર-9) ટાઇટલ જીત્યું હતું. જ્યાં તેણે સુરતના પ્રણવ કેલાને 3-1 થી હરાવ્યો હતો. જ્યારે સુરતની પ્રિશા પારેખે આણંદની યાના પારેખને 3-0 થી હરાવીને ટાઇટલ અંકે કર્યું હતું. ટેબલ ટેનિસનો પાયો મજબૂત કરવા માટે આ વખતે અંડર-9 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં નિ?શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો. ટીમ ચેમ્પિયનશિપ એવોર્ડ સમારંભમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીધામના રીજનલ મેનેજર મુકેશ કુમાર, કિરણ ગ્રુપના ડાયરેકટર હર્ષ ગુપ્તા, નીલકંઠ ગ્રુપના ડાયરેક્ટર તેજાભાઈ કાનગડ, ગાંધીધામ ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણી, ગીર સોમનાથના ડે. કલેક્ટર પલ્લવી બારિયા, કેડીટીટીએના સિનિયર ઉપપ્રમુખ નરેશ બુલચંદાની, જીએસટીટીએના મંત્રી શ્રીહરિ પિલ્લાઈ, ખજાનચી રૂજુલ પટેલ, જીએસટીટીએના પસંદગી સમિતિના ચેરમેન પથિક મહેતા, કેડીટીટીએના મંત્રી મનીષ હિંગોરાણી, સ્થાપક સદસ્ય પ્રશાંત બુચ, રાજીવ સિંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang