• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં કેબલચોર ટોળકીનો તરખાટ : 5.71 લાખની ચોરી

ગાંધીધામ, તા. 27 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ખાનગી કંપનીની વીજલાઈન અને પવનચક્કીના 5.71 લાખની કિંમતના કેબલની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યા હતા. કેબલ ચોરી કરતી  ટોળકી પકડાય તો છે, પરંતુ  ચોરીના બનાવો અટકતા ન હોવાથી આ ગેંગને ડામવામાં પોલીસને ધારી સફળતા મળતી ન હોવાનું સમજાય છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના રતામિયા સીમ વિસ્તારમાં કેબલ ચોરીનો બનાવ ગત તા. 24ના રાત્રિના 12થી 1.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. કે.પી. કંપનીના 220 કે.વી.ના 2090 મીટર વીજતાર તસ્કરો તફડાવી ગયા હતા. ચોરાઉ મત્તાની કિંમત રૂા. 4.18 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત તસ્કર ટોળકીએ ટાવર નંબર 15.0માં રૂા. 50 હજારનું નુકસાન કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ચોરીના બનાવની જાણ થતાં કંપનીના કર્મચારી યાસીનભાઈ ચૌધરીએ નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પશ્ચિમ કચ્છમાં  પાવર બંધ કરીને લાખો રૂપિયાની કિંમતના કેબલની ચોરીના બનાવ પણ બહાર  આવ્યા છે.  ભચાઉ તાલુકાના ચાંદ્રોડા ખોડાસર સીમમાં ચોરીનો બનાવ ગત તા. ત્રીજી ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી એક મહિનાના  સમયગાળામાં કોઈ પણ સમયે બન્યો હતો. તસ્કરોએ ચાંદ્રોડા અને ખોડાસર ગામની સીમમાં આવેલી જુદી-જુદી કંપનીની 11 પવનચક્કીને નિશાન  બનાવવામાં આવી હતી. તસ્કરોએ ઓરડીનાં તાળાં તોડીને ચોરીના બનાવને અંજામ  આપ્યો હતો. કોપર વાયર અને કોપરના મુદ્દામાલ સહિત 1.53 લાખની મત્તાની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાંબા સમયથી કરાતી આ ચોરીમાં કોઈ ચોક્કસ ટોળકીનો   હાથ હોવાની આશંકા વ્યક્ત  કરાઈ રહી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang