• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભુજપુર મોડેલ આધારે વધુ 11 `રાધિકા ઉપવન'નાં નિર્માણની નેમ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 26 : તાલુકાના ભુજપરથી કારાઘોઘા માર્ગ પર ત્રિવેણી સંગમસમું `રાધિકા ઉપવન' નિર્માણ પામ્યું છે, પણ હજુ આ જ મોડેલના આધારે વધુ `11 રાધિકા ઉપવન' વિકસાવવાની મારી તૈયારી છે  એવી પ્રતિબદ્ધતા ગુરુવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં દાતા પરિવારના ઠાકરશીભાઈ શેઠિયાએ વ્યક્ત કરી હતી.  ભુજપુર જૂથ ગ્રામ પંચાયત, વનતંત્રની યોજના હેઠળ મુંદરા સામાજિક વનીકરણ રેન્જ અને રાધિકા ચેરિટેબલ ટ્રસ્ટના રૂા. 15 લાખના ડ્રીપ અને સોલાર સિસ્ટમ માટેના આર્થિક સહયોગથી નિર્માણ પામતાં 14,400 વૃક્ષ માટેનાં વાવેતર સાથેના `રાધિકા ઉપવન'ના અને 75મા વન મહોત્સવ અંતર્ગત આયોજિત લોકાર્પણ સમારોહમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાતા શ્રી શેઠિયાએ 75,000 હજાર વૃક્ષના ઉછેરની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા આર.એસ.એસ.ના અખિલ ભારતીય પર્યાવરણ સંરક્ષણ સંયોજક ગોપાલજી આર્યએ આંકડાઓ ટાંકીને જણાવ્યું કે, ભારતમાં પ્રતિ વ્યક્તિ 422 વૃક્ષ હોવા જોઈએ, તેનાં સ્થાને માત્ર 28 છે. વૃક્ષ એ ભગવાનનું રૂપ છે, જે  38 જગ્યાએ મૃત્યુ સુધી ઉપયોગમાં આવે છે. કિંમતની રીતે ગણવામાં આવે તો 24 કરોડ રૂપિયાનું ઓક્સિજન જીવનભર વાપરીએ છીએ એય વિનામૂલ્યે, જેનું ઋણ ચૂકવવાનું છે, નહીં તો આગામી પેઢી માફ નહીં કરે અને હવે ગામમાં વન ઊભું થયું છે તો તેના લોકાર્પણનો જન્મદિન ઊજવી સ્નેહથી જોડાવા અપીલ કરી હતી. અધ્યક્ષસ્થાનેથી રાધિકાબેન ઠાકરશી મેઘજી શેઠિયા ભુજપરવાલા ટ્રસ્ટના દાતા ઠાકરશીભાઈ શેઠિયાએ `રાધિકા ઉપવન'માં તેમનાં યોગદાનને ઈશ્વર, માતા-પિતા, ગુરુ, માતૃભૂમિ ભુજપુર અને ભારતમાતા એમ પાંચની પ્રેરણા ગણાવી તેમને સમર્પિત કર્યું હતું, તથા મહત્ત્વની જાહેરાત કરતાં પોતાને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આગામી સમયમાં 75 હજાર વૃક્ષોના વાવેતરની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી, સાથે જો કોઈપણ ગામની `ભુજપુર મોડેલ'ના આધારે વન ઊભા કરવાની તૈયારી હોય તો વધુ 11  વનમાં આર્થિક સહયોગ આપવાની તૈયારી બતાવી હતી. મુખ્ય મહેમાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છમાં વૃક્ષારોપણ ક્ષેત્રે ઘણાં કામો થઇ રહ્યાની વાત  કહેતાં  ભુજપુરના આ કામની અન્ય ગામો પણ પ્રેરણા લેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. `કચ્છમિત્ર-ગ્લોબલ કચ્છ',  `મારું ભુજ - હરિયાળું ભુજ', સરપંચ સંગઠન અને દરેક ક્ષેત્રે થઈ રહેલાં કામોનો ઉલ્લેખ કરતાં આ ઝુંબેશ હજુ વધુ આગળ વધે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.અતિથિપદેથી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પં. દીનદયાલજીની જન્મ જયંતીના અવસરે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમને બિરદાવતાં જણાવ્યું કે, સંપૂર્ણ પ્રકૃતિ- સૃષ્ટિની શૃંખલા  એકબીજાની સાથે જોડાયેલી છે અને સરકાર સિસ્ટમથી ચાલે છે, પણ સાથે સમાજ સહયોગી બને ત્યારે કામ દીપી ઊઠે છે, ભુજપરનું આ કાર્ય અન્ય માટે પ્રેરણા રૂપ છે. માંડવી ક્ષેત્રના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુખ્ય મહેમાનપદેથી સંસ્કૃત શ્લોક સાથે વૃક્ષોનું માહાત્મ્ય  સમજાવતાં કહ્યું કે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને  દેવતાઓનો વાસ છે. જીવોના  આશ્રયદાતા છે, તેમણે વડાપ્રધાનના `એક પેડ મા કે નામ'નાં  સંકલ્પ અનુરૂપ સૌને વૃક્ષારોપણમાં જોડાવા અપીલ કરી હતી. કચ્છમિત્ર એક અખબાર છે, સાથેસાથે સામાજિક દાયિત્વ નિભાવતા `ગ્લોબલ કચ્છ- કચ્છમિત્ર' ના પર્યાવરણ-વૃક્ષારોપણ માટે દસ લાખનાં અપાયેલાં અનુદાનનો ઉલ્લેખ કરતાં  કહ્યું કે, પ્રકૃતિ એ જીવોની ભોજનશાળા છે, તેને જાગૃત કરીએ.આ પ્રસંગે જિ. પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, તા. પં. પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુંદરા તાલુકા સામાજિક વનીકરણ વિભાગના ઇ. આરએફઓ રાહુલ જે. દેસાઈ, જિંદાલ સો. લિ.ના સીએઓ સંજયભાઈ  ઝા, જિ. પં. સભ્ય પ્રતિનિધિઓ પ્રદ્યુમનસિંહ જાડેજા, દેવશીભાઈ પાતારિયા, જિ. પં. પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવી, જિ. પં. કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, મુંદરા તા. ભાજપ પ્રમુખ વિશ્રામભાઇ ગઢવી, વાલજીભાઈ ટાપરિયા, જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તસિંહ જાડેજા, મુંદરા પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ડોસાભાઇ ગઢવી, હરેન્દ્રાસિંહ જાડેજા, યુવરાજાસિંહ જાડેજા, રવાભાઈ આહીર, ભુજપુર સરપંચ લક્ષ્મીબેન ભીમજી નિંજાર વગેરે મંચસ્થ રહ્યા હતા. આ પહેલાં ભુજપુરના ઉપસરપંચ માણેકભાઈ ગીલવાએ આવકાર આપતાં વનખાતુ, પંચાયત અને દાતા દ્વારા સંયુક્ત રીતે કેમ વન નિર્માણ થયું તેની વિગતો આપીને કોઈપણ ગામ માટે આવા મોડેલના અમલમાં સહયોગની તૈયારી બતાવી હતી, સાથે લોકાર્પણ થયા બાદ `રાધિકા વન' એ ગામનો જ એક ભાગ બનીને રહેશે, લોકો આત્મીયતાથી સહયોગી બનતા રહેશે એવી ખાતરી ઉચ્ચારી હતી. સંચાલન વાલજીભાઈ ગઢવીએ કર્યું હતું. - `જીબો,  ઝાડ વઢેલા   મ ડીજા ' :  ધારાસભ્ય : મુંદરા, તા. 27 : ભુજપુરના કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તળપદી શૈલી સાથે કચ્છી ભાષામાં તેમના સંબોધનમાં સંદેશ આપ્યો કે, `વૃક્ષોને કાપવા ન દેજો, આપણાં છોકરાં ભવિષ્યમાં માફ નહીં કરે.'  મીઠી ઝાડીનું નિકંદન નીકળતું હોવાની ફરિયાદો અને કાર્યક્રમ દરમિયાન ભુજપુર શાળાની દીકરીઓએ રજૂ કરેલી નાટિકામાં અપાયેલા સંદેશને ટાંકતાં  શ્રી દવેએ કચ્છીમાં અનુરોધ કર્યો કે, ઝાડ કપાશે તો પક્ષી ક્યાં જશે ? છાંયડો ક્યાં જશે ? ગમે  તેટલા  રૂપિયા કોઇ આપે, તમે ઝાડ કાપવા ન દેજો. વન તંત્રને પણ કહું છું કે, ઝાડ કાપનારા સામે કાર્યવાહી કરજો, હું છોડવાની ભલામણ નથી કરતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang