• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

હિન્દુ યુવા સંગઠન નવરાત્રિમાં કન્યાપૂજન કરશે

ભુજ, તા. 27 : હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સતત નવમા વર્ષે પણ કચ્છના માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ ચાર શહેરમાં પરંપરાગત ગરબી યોજવાનું નક્કી કરાયું છે, તેવું રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું. પત્રકારોના પ્રશ્નોના ઉત્તરો આપતાં તેમણે અર્વાચીન સમરસ હિન્દુ સમાજના દૃશ્ય માટે નવરાત્રિ મહોત્સવ માધ્યમ બન્યું છે, તેવું કહી કોઇ જાતિના ભેદભાવ વગર જે સમાજ મોટા આયોજનો કરવા સક્ષમ નથી તે હિન્દુઓ અહીં આનંદ લઇ શકશે તેમ કહ્યું હતું. સામાજિક, રાજકીય, ધાર્મિક લોકો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને ચાર શહેરમાં વાજિંત્રવાળા, કલાકારો હિન્દુ જ રહેશે. તિલક અને ગૌમૂત્રની પ્રથા પણ ચાલુ રહેશે, તેવું તેમણે ઉમેર્યું હતું. વર્ષ 2016માં નવરાત્રિ મહોત્સવનો આરંભ યુવા હિન્દુ સંગઠને કર્યો, ત્યારે વિવિધ બાબતો ઊઠી હતી, જે લોકો પૂજા પદ્ધતિમાં માનતા નથી તેમને હિન્દુ ધર્મના તહેવારમાં પ્રવેશ ન મળે તો ધાર્મિક લાગણી કેમ દુભાય તે પ્રશ્ન છે. આ મુદ્દો ડિબેટનો વિષય બનાવાયો હતો તેવું તેમણે કહ્યું હતું. કચ્છમાં ચાર શહેર સિવાય કોઇ નવું આયોજન કે અન્ય તાલુકામાં નવરાત્રિ યોજાશે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે આવતા વર્ષે નખત્રાણા-લખપત તાલુકામાં અને તે પછીના બીજા વર્ષે નલિયામાં નવરાત્રિ યોજવાનું આયોજન છે. હિન્દુ હોવા છતાં પણ વ્યસન - દારૂ પીને આવશે તો પ્રવેશ અપાશે નહીં અને ખાસ તો ભુજ અને માંડવીમાં પરિવાર સાથે અથવા કપલ, ભાઇ-બહેન, માતા-પુત્ર હશે તેમને જ પ્રવેશ મળશે. સિંગલ પુરુષ પ્રવેશી શકશે નહીં. સીસી કેમેરા લાગશે અને  આ નશા કરવાવાળાને પ્રવેશ ન મળે તે માટે પોલીસને પણ જાણ કરાશે. ડિટેક્ટર મશીન લગાવાશે તેવી વિગતો અપાઇ હતી. ગરબીનું મહત્ત્વ સમજી શરૂઆતમાં કન્યાઓનું પૂજન થશે. નવરાત્રિ એ માતૃશક્તિ, નારીશક્તિના પૂજનની પરંપરા છે. નવ દિવસ નાની બાળાઓનું પૂજન કરાશે. બહેનો માટે રમવાની અલગ વ્યવસ્થા પણ?કરાશે, તેવું આયોજન ગોઠવાયું છે. માંડવી પં. દીનદયાળ ઉપાધ્યાય ગ્રાઉન્ડમાં, ભુજ વ્યાયામશાળા ખાતે, ગાંધીધામ ડી.બી.ટી. ગ્રાઉન્ડ અને અંજારમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં રાત્રે 8.30થી નવરાત્રિનો કાર્યક્રમ શરૂ થઇ જશે. યુવા સંગઠનના કાર્યકરો વ્યવસ્થા સંભાળશે. બધી ટીમો સજ્જ છે.  હાલમાં વ્યાવસાયિક આયોજનો ઓછા છે, ત્યારે હિન્દુ યુવા સંગઠનની નવરાત્રિમાં વધુ લોકો આવશે તો કેમ વ્યવસ્થા સંભાળી શકશો ? તેવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, કાર્યકરો સજ્જ છે અને ટીમો કાર્યરત છે. પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા પ્રમુખ જયપાલસિંહ જાડેજા, ગાંધીધામ અધ્યક્ષ શશી સીંઘ, મહેન્દ્રસિંહ, કચ્છ સંરક્ષક પ્રકાશભાઇ મિશ્રા, જિલ્લામંત્રી હર્ષદભાઇ ગોર, રણછોડભાઇ આહીર, દિગ્વિજયસિંહ જાડેજા, રાણાભાઇ આહીર, દીપ સ્વરૂપ, ભવ્યભાઈ, હર્ષલભાઈ અને પ્રવીણભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang