• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

આજથી બીજી ટેસ્ટ : વરસાદનાં વિઘ્નની વકી

કાનપુર, તા. 26 : ભારત અને બાંગલાદેશ વચ્ચે બે  ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. ચેન્નાઈમાં શ્રેણીની પહેલી મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયાની નજર બીજા મુકાબલામાં પણ જીત મેળવીને મહેમાન ટીમના સુપડા સાફ કરવા ઉપર રહેશે. બીજી ટેસ્ટની પીચને ધ્યાને લેવામાં આવે તો રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં અમુક બદલાવ કરી શકે છે. આ ઉપરાંત કાનપુરમાં આગામી દિવસમાં હવામાન ખરાબ રહેવાનું છે અને વરસાદના વિઘ્નની પણ આશંકા છે. રોહિત અને ભારતીય ટીમ મેનેજમેન્ટ જો કાનપુરમાં પારંપરિક કાળી માટીની પીચની પસંદગી કરે તો ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં વધુ એક સ્પિનર જોવા મળી શકે છે. આર. અશ્વિન અને જાડેજા ઉપરાંત કુલદીપ યાદવનો સમાવેશ થઇ શકે છે. તેવામાં આકાશદીપ કે મોહમ્મદ સિરાજમાંથી એકનું પત્તુ કપાશે. જો પીચ ચેન્નાઈ જેવી હશે તો પ્લેઈંગ ઈલેવનમાં બદલાવની સંભાવના ઓછી છે. બાંગલાદેશની ટીમમાં પણ પીચને ધ્યાને લઈને ફેરફાર થઈ શકે છે. જ્યારે શાકિબ અલ હસનનું મેદાનમાં ઊતરવું ફિટનેસ ઉપર આધારિત છે કારણ કે પહેલી ટેસ્ટ મેચમાં પણ શાકિબ ઈજા સાથે રમ્યો હતો. કાનપુર ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમાશે અને 1 ઓક્ટોબરના અંતિમ દિવસ હશે. હવામાનના રિપોર્ટ અનુસાર મેચના દિવસે વરસાદની સંભાવના વધારે છે. 27 સપ્ટેમ્બરના વરસાદની સંભાવના સૌથી વધારે 93 ટકા છે, જ્યારે આગામી બે દિવસ વરસાદની સંભાવના ક્રમશ: 80 અને 59 ટકા છે. જો પહેલા દિવસની રમત વરસાદમાં ધોવાશે તો અંતિમ બે દિવસમાં પરિણામ મુશ્કેલ બની રહેશે. ભારત અને બાંગલાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 14 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી 12 મુકાબલા જીતીને ભારતનો દબદબો છે. બાંગલાદેશ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં હજી સુધી ભારતને હરાવી શક્યું નથી. કાનપુરમાં ભારતના દેખાવની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રમાયેલા 23 મુકાબલામાંથી ભારતને માત્ર ત્રણમાં જ હાર મળી છે. સાત વખત જીત નોંધાવી છે અને 13 મુકાબલા ડ્રો થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang