• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ફેતહગઢ-ખાંડેક વચ્ચે ગાડીમાંથી બે લાખના દારૂ સાથે એક પકડાયો

ગાંધીધામ, તા. 27 : રાપર તાલુકાના ફતેહગઢ-ખાંડેક માર્ગ ઉપર પોલીસે ગાડીનો પીછો કરી તેમાંથી રૂા. 2,04,840ના દારૂ સાથે શખ્સને પકડી પાડયો હતો. બનાવમાં દારૂ મગાવનાર, મોકલનાર, પાયલોટિંગ કરનારા શખ્સોનાં નામ બહાર આવ્યાં હતાં. મૌવાણા-શિવગઢ તરફથી ફતેહગઢ બાજુ કારમાં દારૂ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે ફતેહગઢના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી, તેવામાં બાતમીવાળી ઇકો ગાડી આવતાં તેને રોકાવતાં ચાલકે પોતાનું વાહન ખાંડેક બાજુ જવા દીધું હતું, પોલીસે તેનો પીછો કરી ખાંડેક-હમીરપર ત્રણ રસ્તા પાસે તેને પકડી પાડયો હતો. ગાડીમાં દારૂ નીકળી પડતાં રાપરના સાહિલ સતાર રાઉમાની પોલીસે અટક કરી હતી. આ વાહનમાંથી કિંગ ફિશરના 480 ટીન, વ્હાઇટ લેસ વોડકા 180 મિ.લિ.ના 960 ક્વાર્ટરિયા, બ્લેન્ડર્સ પ્રાઇડની 750 મિ.લિ.ની 24 બોટલ, માસ્ટર બ્લેન્ડર્સની 12 બોટલ,  ગ્રીન લેબલની  60 બોટલ, એન્ટિક્યુટીની 12 બોટલ એમ કુલ રૂા. 2,04,840નો શરાબ જપ્ત કરાયો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરાતાં આ દારૂ રાપરના શક્તિસિંહ ગંભીરસિંહ વાઘેલા, હાર્દિકસિંહ ગંભીરસિંહ વાઘેલાએ મગાવ્યો હતો તથા હાર્દિક અને પોતે દારૂ લેવા સાંતલપુર ગયા હતા, જ્યાં સિદ્ધરાજ અમરશી સોલંકી દારૂ ભરેલી આ ઇકો ગાડી લઇ આવ્યો હતો. બાદમાં તે બીજી ગાડીમાં નીકળી ગયો હતો. દરમ્યાન હાર્દિકસિંહ અને કિશન અમરશી સોલંકી ક્રેટા કારમાં બેસીને ઇકો ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા હતા અને પોતે પાછળ આ ઇકો ગાડીમાં આવી રહ્યો હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang