• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

નવરાત્રિ પહેલાં હેલ્મેટ ફરજિયાત

અમદાવાદ, તા. 27 : તહેવારો આવે ત્યારે નિયમોને હળવા બનાવવા જોઇએ તેવા તર્ક, ચર્ચા, માંગને ફગાવી દેતાં ગુજરાત રાજ્યની વડી અદાલતે શુક્રવારે નવરાત્રિ પહેલાં અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં દ્વિચક્રી વાહન-ચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમનો કડક અમલ કરાવવાનો આદેશ આપ્યો હતો. તહેવારોમાં જ અકસ્માત વધુ થઇ શકતા હોવાનું કહીને હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો છે. જાહેરહિતની અરજીની દલીલો બાજુ પર રાખતા ગુજરાત હાઇકોર્ટે સરકારને પણ જણાવ્યું હતું કે અગાઉ પણ આદેશ અપાયો હતો છતાં પણ ટુ વ્હીલરો ચાલકોમાં હજુ સુધી હેલ્મેટ ફરજિયાતના નિયમનું હજુ પણ પાલન થતું નથી અને કોઇ હેલ્મેટ પહેરતું  નથી. હવે નવરાત્રિ આવશે એટલે લોકો આ નિયમમાં છૂટછાટ માગશે. હાઇકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ઝુંબેશ શરૂ કરવી જોઇએ અને જો કોઇ ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર ઝડપાય તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ સરકારે તૈયારી રાખવી જોઇએ. એ સિવાય આ કાનૂનનો કોઇ અમલ થશે નહીં અને કોઇ ગણકારશે નહીં. લોકો દંડના નાણાં ભરવા તૈયાર થઇ જાય છે, પરંતુ નિયમ પાળતા નથી. નિયમનો ભંગ કરે છે. આથી નવરાત્રિ પહેલાં હેલ્મેટનું પાલન થવું જોઇએ. વધુમાં કોર્ટે એમ પણ કહ્યું કે, રસ્તા ઉપર ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા હોય તેવું દેખાતું નથી. આ માટે સરકાર ટેકનોલોજીનો પણ આશરો લઇ શકે છે. જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે વિષય વિસ્તૃત કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તારો હતો. આજે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, ફક્ત ઓલિમ્પિકને જ ધ્યાનમાં ન રાખો, પરંતુ વર્તમાન બાબતોને લઈને પણ તજજ્ઞોનો અહેવાલ લેવામાં આવે અને તેને કોર્ટ સમક્ષ મૂકો, જરૂર પડે કોર્ટ સૂચનાઓ આપશે. આજે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang