• ગુરુવાર, 02 મે, 2024

કેજરીવાલનો ભોજન ફંડા : મામલો અદાલતમાં

દિલ્હીના મુખ્યપ્રધાન અને `આપ'ના સર્વેસર્વા અને હાલ શરાબ કૌભાંડમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના વકીલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં અરજી કરીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલના ડોક્ટર પાસેથી મેડિકલ કન્સલ્ટેશનની માંગ કરી હતી, તેમણે દલીલ કરી હતી કે, કેજરીવાલ ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી છે અને તેમના બ્લડ સુગર લેવલમાં સતત વધઘટ થયા કરે છે. જ્યારે ઈડીએ આના જવાબમાં કોર્ટને જણાવ્યું છે કે, કેજરીવાલ જાણીબૂઝીને તિહાર જેલમાં મીઠાઈઓ ખાઈ રહ્યા છે, જેથી તેમનું સુગર લેવલ વધે અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે. કેજરીવાલના ઘરેથી પણ પ્રકારનો ખોરાક આવી રહ્યો છે, જેમાં ખાંડ અને કાર્બોહાઈટ્રેડનું પ્રમાણ વધુ છે. દરમ્યાન `આપ'ના નેતા આતિશીએ એવો આક્ષેપ કર્યો છે કે, જેલમાં કેજરીવાલને ઈન્સ્યુલીન નથી આપવામાં આવતું. તેઓ 55 વર્ષના છે અને ડાયાબિટીસના દર્દી છે. રોજ 54 યુનિટ ઈન્સ્યુલીન લેતા હતા, પરંતુ જેલ તંત્ર તેમને ઈન્સ્યુલીન નથી લેવા દેતું. આને લઈ તેમનું સુગર લેવલ 300 સુધી પહોંચી ગયું છે. `આપ'ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ઈડીએ કોર્ટમાં ખોટાં તથ્યો રજૂ કર્યાં છે. સચ્ચાઈ છે કે, કેજરીવાલનું ઘરનું ખાવાનું બંધ કરાવીને એમને જેલનું ખવડાવીને તેમનું સ્વાસ્થ્ય બગાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોર્ટે સંદર્ભમાં જેલ સત્તાવાળાઓને કેજરીવાલનો ડાયટ ચાર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને તે પ્રમાણે ચાર્ટ કોર્ટને સુપરત કરાતાં કોર્ટે વાસ્તવમાં તિહાર જેલમાં ગયા બાદ તેઓને ઘરનું ખાવાનું અને દવાઓ રાખવાની છૂટ કોર્ટે આપી છે અને તે અનુસાર તેઓ જેલમાં ઘરેથી આવેલું જમવાનું અને રાખેલી દવાઓ પણ લે છે, પણ ઈડીના જણાવ્યા પ્રમાણે જેલમાં કેજરીવાલ ઘરેથી આવેલા ભાણાંમાં કેરીનો રસ, આલુપૂડી, મીઠાઈઓ ખાય છે. સ્પષ્ટ છે કે, બધી ચીજો ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન છે. આના લીધે સુગર લેવલ વધવું સ્વાભાવિક છે. જો સામાન્ય માણસ પણ સમજી શકતો હોય કે ડાયાબિટીસના દર્દી માટે મીઠાઈ ઝેર છે, તો કેજરીવાલને ઘરેથી `ઝેર' શા માટે મોકલવામાં આવે છે? જેલમાં તેઓ તે શા માટે ખાઇ રહ્યા છે? જો કે, તેમના વકીલે કોર્ટને જણાવ્યું છે કે, કેજરીવાલે પ્રસંગોપાત કેરી કે પૂરી ખાધી છે. વાસ્તવમાં ઘરનું ખાવાનું એમ્સના રિપોર્ટ અનુસાર હોવું જોઈએ. કોર્ટે આદેશ આપવો જોઇએ કે, કેજરીવાલને જેલના નિયમો પ્રમાણે ખાવાનું મળવું જોઈએ. કારણ કે, તેમણે ઘરથી ખાવાની મળેલી છૂટનો દુરુપયોગ કર્યો છે. આશંકા એવી ઊભી થાય છે કે, જે આરોપસર કેજરીવાલ જેલમાં છે, એવા આરોપસર દિલ્હીના એકવેળાના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ 14 મહિનાથી જેલમાં છે, તેઓને જામીન મળતા હોય તો પોતાને પણ નહીં મળે અને જેલવાસ લાંબો વનવાસ બનતાં કેજરીવાલ મીઠાઈ ખાઇ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન પર છૂટવા માગે છે. જેલમાં તેમને ઈન્સ્યુલીન નથી આપવામાં આવતા એવા `આપ'ના આક્ષેપમાં કોઈ તથ્ય નથી. કારણ કે, કોર્ટમાં કેજરીવાલે આવી કોઈ ફરિયાદ નથી કરી. આમ ખોટા આક્ષેપો દ્વારા `આપ' લોકોની સહાનુભૂતિ મેળવવા માગે છે, પણ તિહાર જેલના કેજરીવાલના ડાયટ રિપોર્ટ પછી બધું આધારહીન ઠરે છે. કેજરીવાલ બધા કરતૂતો અજમાવવાનો વિચાર છોડી પોતાના સ્વાસ્થ્યનો વિચાર કરે. સ્વસ્થ રહે. તેમનો પક્ષ પણ નિરાધાર આક્ષેપો કરવાનું છોડી લોકોનો હાંસીપાત્ર બનતો અટકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang