• શનિવાર, 20 એપ્રિલ, 2024

ભારતનું ન્યાયતંત્ર દબાણમાં આવે નહીં તેવું મજબૂત

ભારતીય લોકશાહી વ્યવસ્થામાં ન્યાયપાલિકા હંમેશાં એક મજબૂત સ્તંભ બની રહી છે. ભારતના સ્વાયત્ત અને સ્વતંત્ર ન્યાયતંત્રએ બંધારણનાં રક્ષણમાં યોગદાન આપવાની સાથેસાથે સરકાર અને સંસદીય તંત્રને માર્ગદર્શન પણ આપ્યું છે. હવે આવી મજબૂત ન્યાયપાલિકા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કરીને દેશના 600થી વધુ ધારાશાસ્ત્રીએ તેને વ્યાવસાયિક અને રાજકીય દબાણથી બચાવવાની હિમાયત કરતાં ભારે ચકચાર જાગી છે. માજી સોલિસિટર જનરલ હરીશ સાલ્વે તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન મિશ્રા સહિતના 600થી વધુ ધારાશાસ્ત્રીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડને પત્ર લખીને કહ્યં  છે કે, એક ખાસ જૂથ ન્યાયપાલિકા પર દબાણ લાવવાના પ્રયાસ કરી રહ્યં છે. જૂથ ન્યાય વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે અને પોતાના એજન્ડા હેઠળ અદાલતો પર આરોપ મૂકીને તેને બદનામ કરવા મથી રહ્યંy છે. આજે આખો દેશ ન્યાયતંત્રની ગરિમાને માન આપે છે અને તેમાં પૂરો વિશ્વાસ ધરાવે છે. આવા સમયે આવો ચિંતાજનક પત્ર ન્યાયતંત્રને માટે વધુ નુકસાન કરે એવો જણાઇ રહ્યો છે. આમે પણ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી ન્યાયતંત્ર પર દબાણના આરોપ લાગતા રહ્યા છે. વળી, આજકાલ સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાં શરૂ કર્યાં છે અને લોકસભાની ચૂંટણીઓ માથે છે, તેવા સમયે આવો પત્ર ખરા અર્થમાં શંકા જગાવે તેવો બની રહે તેમ છે. ખરેખર તો પત્ર લખનારા ધારાશાસ્ત્રીઓએ જે જૂથનો નામ આપ્યા વગર ઉલ્લેખ કર્યો છે, તેની ઓળખ છતી કરવાની જરૂરત હતી.  વરિષ્ઠ ધારાશાત્રીઓ બરાબર સમજે છે કે, દેશનું ન્યાયતંત્ર કેવા પડકારોનો સામનો કરે છે. પડકારો અંગે પણ વિગતે ફોડ પાડવાની જરૂરત તેમણે સમજવી જોઇતી હતી. ખાસ તો દેશનું ન્યાયતંત્ર એટલું મજબૂત છે કે, બંધારણીય પડકારોના સમયમાં સરકાર અને સંસદીય વ્યવસ્થાને પૂરતી મર્યાદાઓ બતાવી છે. જ્યાં જરૂર જણાઇ છે ત્યાં પોતાની મર્યાદા જાળવી પણ છે. આવામાં પત્ર ક્યા સંજોગોમાં લખાયો છે તેના પર હવે અટકળો જાગી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખનારાનાં નામનો ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. કોંગ્રેસ બીજાને ડરાવવા અને ધમકાવવાની સંસ્કૃતિ ધરાવતી હોવાના પત્રના સંદર્ભમાં મોદીએ પ્રહારો કર્યા છે, પણ જે વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પત્ર લખ્યો છે તેમણે આત્મમંથન કરીને વાસ્તવિક્તા ધ્યાને લેવાની જરૂરત હોવાનું સામાન્ય નાગરિકો અનુભવી રહ્યા છે. ખાસ તો ધારાશાસ્ત્રીઓએ સમજવાની જરૂરત છે કે, મુખ્ય ન્યાયાધીશ સહિતનું દેશનું ન્યાયતંત્ર એટલું પરિપક્વ છે કે, કોઇપણ દબાણને વશ થાય તેમ નથી. વળી આવી કોઇ દબાણની સ્થિતિ સામે આવે તો તેઓ તેને ખાળવા માટે પૂરતા સક્ષમ છે. ખરેખર તો આવા પત્રથી ન્યાયપાલિકાને નબળી બતાવવાનો પ્રયાસ થવો જોઇતો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang