• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઈડી પછી આઈટી

પક્ષના નાણાંને રાજકીય રંગ અને મંચ મળે છે દિલ્હી દરબાર : ઈડી પછી હવે `આઈટી' - ઇન્કમ ટૅક્સ વિભાગની કાર્યવાહી રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી છે. આવકવેરા ખાતાએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કૉંગ્રેસ પક્ષની આવક ઉપર રૂા. 1823 કરોડ ભરવાની નોટિસો આપી છે. સીપીઆઈ-સામ્યવાદી પક્ષને પણ રૂા. અગિયાર કરોડ ભરવાની નોટિસ મળી છે. વાસ્તવમાં છેલ્લા એક સપ્તાહથી આઈટીની નોટિસોનો વિવાદ ચાલે છે. રાહુલ ગાંધીએ મોદી - અમિત શાહ ઉપર આક્ષેપ કર્યો છે કે મુખ્ય વિપક્ષનાં બૅન્ક ખાતાં સ્થગિત કરવામાં આવ્યાં છે - દેશની વીસ ટકા જનતાનું સમર્થન મેળવતા કૉંગ્રેસ પક્ષને ચૂંટણી વખતે પરેશાન - લાચાર બનાવાય છે. કરવેરાનો આતંકવાદ છે એવો આક્ષેપ કર્યો છે. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિપક્ષી મોરચાની બેઠક - વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવા માટે મળનાર છે તેમાં મુખ્ય મુદ્દો ઈડી, આઈટીના આતંકવાદનો હશે. ઈડીના દરોડા અને આઈટીની નોટિસો લોકશાહી ખતમ કરવા માટે છે... પણ અમે સત્તામાં આવીએ ત્યારે લોકોને ખબર પાડીશું... હવે, સરકારે અને ભાજપે પણ આવકવેરાનો કેસ આવે ત્યારે કર ભર્યો હોવાના પુરાવા રજૂ કરવા જોઈએ. આવકવેરા ખાતાએ તપાસ શરૂ કરી ત્યારે કૉંગ્રેસના ખજાનચી - અજય માકેને પત્રકારોને કહ્યું હતું કે સૌ જાણે છે અને સામાન્ય  બાબત છે કે રાજકીય પક્ષો આવકવેરો ભરતા નથી! (માકેનની વાત નવી નથી! 1969માં કૉંગ્રેસમાં ભવ્ય ભંગાણ પછી બાબુ જગજીવનરામ ઇન્દિરા ગાંધી સાથે હતા. લોકસભામાં વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો કે બાબુજી વર્ષોથી આવકવેરો ભરતા નથી - અને ગૃહમાં ધમાલ મચી ગઈ. આખરે બાબુજીએ કબૂલ કર્યું અને ઇન્દિરાજીએ કહ્યું કે તેઓ ભૂલી ગયા છે! માણસ માત્ર ભૂલને પાત્ર? પછી ટૅક્સ ભરાયો કે નહીં તેની માહિતી નથી.) ઇન્કમ ટૅક્સ એક્ટમાં રાજકીય પક્ષોએ આવકવેરો ભરવા માટે - અને અપવાદ ક્યારે મળે - તેની જોગવાઈ છે. સેક્શન 13 અનુસાર સ્વૈચ્છિક અનુદાન, હાઉસ પ્રોપર્ટીની આવક તથા કેપિટલ ગેઇન્સની આવક કુલ આવકમાં ગણાય નહીં. અલબત્ત એકાઉન્ટ્સની બુક્સ તથા અન્ય દસ્તાવેજ આઈટી અૉફિસરને બતાવવા જરૂરી છે. ઉપરાંત રોકડ રૂા. 20,000 ઉપરનો જે દાન-ફાળો મળ્યો હોય તેની વિગતો - નામ સાથે આપવી પડશે. કૉંગ્રેસના એકાઉન્ટ્સમાં રૂા. 14.49 લાખ રોકડેથી મળ્યા હોવા છતાં તેની વિગત અપાઈ નથી. હવે એવી દલીલ છે કે સંસદસભ્યો અને વિધાનસભ્યોએ આપેલી રકમ છે! આવકવેરા ખાતાનું કહેવું છે કે કોઈ ખાતાં સ્થગિત કરવામાં આવ્યાં નથી. ટ્રાઇબ્યુનલમાં આઈટીના વકીલ ઝોહેબ હુસૈને જણાવ્યું કે અમે કૉંગ્રેસને કોઈ હેરાનગતિ કરી નથી. કૉંગ્રેસે તો જણાવ્યું છે કે 2023ના માર્ચની આખરે રૂા. 657 કરોડ કોર્પસ ફંડ અને રૂા. 388 કરોડ રોકડ છે! કૉંગ્રેસ પાર્ટીના બૅન્ક એકાઉન્ટ અલગઅલગ નામે - યુથ કૉંગ્રેસ, એનએસયુઆઈ - વગેરે. આવકવેરા ખાતાએ દિલ્હીની પાંચ બૅન્કોમાંથી રૂા. 135 કરોડ મેળવ્યા છે. વર્ષ 2019ના એપ્રિલમાં સર્ચ અૉપરેશન દરમિયાન મળેલા શંકાસ્પદ દસ્તાવેજો 300 પાનાં - સીલબંધ કવરમાં હાઈ કોર્ટમાં આપવામાં આવ્યા છે. રોકડ વ્યવહારની વિગતો પણ છે. મેધા એન્જિનિયરિંગ અને કમલનાથ તથા કર્ણાટકના શિવકુમારનું નામ પણ છે. ઓછામાં ઓછા રૂા. 524 કરોડ એસેસમેન્ટને બતાવાયા નથી. બિનહિસાબી નાણાંની વિગત મળી છે. ઇન્કમ ટૅક્સ વિભાગે તપાસ કરી છે. નોટિસો આપી છે છતાં રિટર્ન ભરાયાં નથી. મુદત વધારાયા પછી પણ જાગ્યા નહીં તે બદલ કોર્ટે ટકોર કરી હતી કે અત્યાર સુધી ઊંઘતા - ઘોરતા હતા? હવે આવક અને બિનહિસાબી રોકડના કેસને રાજકીય રંગ અને મંચ મળ્યો છે!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang