• રવિવાર, 16 જૂન, 2024

નવી સંસદનાં બહાને મોદી-વિરોધ

સંસદનાં બન્ને ગૃહોમાં અસભ્ય વર્તનથી સંસદની ગરિમા ઉપર વિપરીત અસર થાય છે એવી મનોવેદના અનેક વખત વ્યક્ત થઈ છે. રાજ્યસભામાં પૂર્વ અધ્યક્ષે વ્યથિત થઈને અધ્યક્ષસ્થાનેથી આંસુ પણ સાર્યાં છે ! હવે સંસદની કાર્યવાહી સુપેરે ચાલે, સભ્યોની બેઠક સંખ્યા અંગે ભવિષ્યની જરૂરિયાતનો અભ્યાસ કરીને નવાં સંસદ ભવનનું નિર્માણ થયું છે. આપણી લોકશાહીનાં પ્રતીક-મંદિર સમાન ભવનનું ઉદ્ઘાટન - લોકાર્પણ વડાપ્રધાન નહીં, રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ એવી માગણી પાછળ રાષ્ટ્રપતિ અને સંસદ પ્રત્યેનો આદર નહીં, વડાપ્રધાન મોદી સામેનો વિરોધ છે - પણ આ રીતે વિપક્ષી નેતાઓ સંસદની ગરિમા જ ઘટાડી રહ્યા છે. કૉંગ્રેસને તો 28મી મે એટલે કે, વીર સાવરકરની જયંતીએ ઉદ્ઘાટનની તારીખ અંગે પણ વાંધો છે. આમ આદમી પક્ષ, તૃણમૂલ કૉંગ્રેસ અને ડાબેરીઓએ એલાન કર્યું છે કે, તેઓ સમારંભનો બહિષ્કાર કરવાના છે. આમાં તૃણમૂલ કૉંગ્રેસ સૌથી આગળ છે. કારણ કે, બહિષ્કારની ઘોષણા સૌથી પહેલાં તેણે કરી છે. આમ તો તૃણમૂલનું આ વલણ એ માટે પણ રોચક છે કે, વિપક્ષ દ્વારા સંયુક્ત નિવેદનને બદલે મમતાદીદીએ પહેલ કરીને ઘોષણા કરી દીધી છે. આ સંદર્ભમાં ટ્વિટ કરી કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કૉંગ્રેસને યોગ્ય જવાબ આપ્યો છે, કૉંગ્રેસને યાદ અપાવ્યું છે કે, પ્રથમ વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ સંસદીય `એનેક્સી'નું ઉદ્ઘાટન કર્યું હતું અને વડાપ્રધાન રાજીવ ગાંધીએ લાઈબ્રેરી ભવનની આધારશીલા મૂકી હતી. મણિપુરમાં નવું વિધાનસભા ભવન બંધાણું ત્યારે તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કર્યું હતું એ કોંગ્રેસને યાદ નથી? તેમણે કૉંગ્રેસ પર રાષ્ટ્રીય નેતા અને દેશની સિદ્ધિઓને લઈ ગૌરવની ભાવનાની ઊણપનો પણ આક્ષેપ કર્યો છે. પુરીએ એ પણ યાદ અપાવ્યું છે કે, દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યાં ત્યારે કૉંગ્રેસી નેતાઓએ અભદ્ર ટિપ્પણો કરી હતી અને હવે એ જ કૉંગ્રેસી નેતાઓ નવાં સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિની પસંદગી નહીં કરવા પર અનાવશ્યક ટિપ્પણો કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું છે કે, ખુદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઈચ્છે છે કે, નવાં ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરે. દરમ્યાન એમઆઇએમએના નેતા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન ઉદ્ઘાટન કરે એની નિંદા કરવાની સાથે એવું સૂચવ્યું છે કે, આ ગૌરવ રાષ્ટ્રપતિને નહીં, લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળવું જોઇએ. સુપ્રીમ કોર્ટનાં નવાં ભવનનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ કરતા હોય તો સંસદનું ઉદ્ઘાટન કરવાનો લોકસભાના સ્પીકરનો વિશેષાધિકાર છે. નવાં સંસદ ભવનનું નિર્માણ એક ગૌરવશાળી ક્ષણ છે અને દરેક ભારતીય આના પર ગર્વ અનુભવે છે. જોકે, કૉંગ્રેસ રંગમાં ભંગ કરવાની પોતાની આદત છોડી નથી શકતી. પોતાના સ્વાર્થ માટે દેશની સિદ્ધિઓને નીચું દાખવવાની નીચલાં સ્તરની રાજનીતિ કરવાની આદત છે. મૂળમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સંસદીય લોકશાહી વ્યવસ્થામાં સત્તાધારી અને વિરોધીઓ વચ્ચેનો વિવાદ વધતો ચાલ્યો છે. સંસદ એ દેશની અસ્મિતા છે, ત્યારે આ પ્રશ્ન પર હવે ઉભય પક્ષોએ બે પગલાં પાછળ જઈ આ નિરર્થક વિવાદ પર પરદો પાડવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang