• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કચ્છ પોલીસ,પ્રજાની મિત્ર કે ગુનેગારની ?

પોલીસ `પ્રજાના મિત્ર'ના મંત્રને વિસરીને આરોપી કે ગુનેગારના મિત્રની ચોંકાવનારી છાપ ઊભી કરી રહી હોવાનું કચ્છમાં કાયદાના રક્ષકોને સંડોવતા બે ગંભીર બનાવોએ છતું કર્યું છે. સામાન્ય રીતે પોલીસની હાજરીમાત્ર સામાન્ય નાગરિકોમાં ધાક અને સલામતીની બેવડી લાગણી જગાવતી રહી છે. કચ્છ જેવા સંવેદનશીલ સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણીની સાથોસાથ રાષ્ટ્રીય સલામતીને લગતી બાબતોમાં પણ કચ્છ પોલીસ (પશ્ચિમ અને પૂર્વ) દ્વારા ભૂતકાળમાં ભારે નોંધપાત્ર અને શાબાશીને પાત્ર કામગીરીનો પરિચય અપાયો છે. પણ પોલીસ જેવાં વિશાળ દળ માટે નામનામાં દાગ લાગે તે માટે ભારે પડકારભર્યું બની રહેતું હોય છે. કચ્છમાં તાજેતરમાં બનેલા બે બનાવોએ પોલસનાં ગૌરવને ટીલી લગાડી છે તેમાં બેમત નથી. ગયા વર્ષના અંતભાગે સોપારી કાંડ અને હવે બે પૂર્વ પોલીસ અધીક્ષકને સંડોવતા આરોપીને છાવરવાના ચોંકાવનારા બનાવો બનતાં પોલીસની સામે કાયદેસરના સવાલ ખડા કર્યા છે. સાથોસાથ રાજ્યના ગૃહ ખાતાં પર મીટ મંડાઇ છે કે, અત્યાર સુધી ડ્રગ્સ સહિતના કેસોમાં કડક વલણ દાખવનારું ગૃહખાતું તેમના અતિ મહત્ત્વના વિભાગ પરના ગંભીર આરોપ વખતે કેવુંક આકરું વલણ લે છે. બન્ને બનાવોએ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો અને આરોપીઓને પક્ષપાત કરાયો હોવાની પોલીસ સામેની ફરિયાદોને કથિત રીતે ખરી સાબિત કરી હોય એવો તાલ ઊભો થયો છે. સોપારી કાંડમાં પોલીસ દળે તેના ભ્રષ્ટ સભ્યો અને અન્ય આરોપીઓની સામે કડક કાર્યવાહી કરી છે, પણ ગયાં સપ્તાહે એક મોટાં ઉદ્યોગગૃહના માલિકોને કેસમાં મદદ કરવાના આરોપોમાં ફરિયાદ નોંધવામાં કરાયેલા ઇન્કાર અને તે પછી સર્વોચ્ચ અને વડી અદાલત કક્ષાએથી મળેલી સૂચનાને ધરાર અવગણવાના ચોંકાવનારા કિસ્સામાં હવે તત્કાલિન બે પોલીસ અધીક્ષક, ત્રણ નાયબ પોલીસ અધીક્ષક, એક પોલીસ ઇન્સપેક્ટર સહિત 19 આરોપીની સામે ફરિયાદ નોંધવાની રીતસરની ફરજ પડી છે. ચકચારી કેસમાં સીઆઇડી ક્રાઇમે તપાસ માટે કમર કસી હોવાના અહેવાલ સામે આવ્યા છે, પણ છેક 2015માં બનેલા બનાવમાં ગુનો નોંધવાને બદલે ક્લોઝર રિપોર્ટ દાખલ કરીને મામલો હતો હતો કરી દેવાયો હતો તેવા સંજોગોમાં તપાસની નિષ્પક્ષતા પોલીસની નામનાને લાગેલા દાગને ધોઇ શકે તેમ છે. જોવાનું રહે છે કે સોપારી કાંડમાં પોલીસે પોતાના સાથીદારોની ધરપકડ સહિતનાં પગલાં લઇને કાયદો તમામ માટે સમાન હોવાની પ્રતીતિ કરાવી હતી, તે રીતે કેસમાં કોઇ નક્કર તપાસ કરીને પગલાં લેશે કે કેમ ? કેસમાં હાલે ડીઆઇજી કક્ષાએ કાર્યરત મહિલા આઇપીએસ અને અન્ય એક પોલીસ અધીક્ષકનાં નામ આરોપી તરીકે નોંધાયાં છે, ત્યારે પોલીસ માટે સારા - નરસાની પસંદગીનો કપરો પડકાર સામે આવી ગયો છે. આવનારા સમયમાં ચકચારી પ્રકરણ માત્ર કચ્છ પોલીસ નહીં, પણ ગુજરાત પોલીસની દક્ષતા અને પ્રામાણિક્તા માટે લિટમસ ટેસ્ટ બની રહેશે નક્કી છે. બાકી, પોલીસની ફરજ અને નોકરી કાજળ કોટડી જેવાં  છે, જેમાંથી  ભલભલા પ્રામાણિકને બેદાગ નીકળવામાં શ્વાસ ચડી જતો હોય છે. અહીં નોંધનીય છે કે, કચ્છ સીમાવર્તી જિલ્લો છે. અહીં પોલીસની કામગીરીની જવાબદારી ખૂબ વધી જાય છે. ખાખી વર્ધી નીતિમત્તા ચૂકે તો એનું ગંભીર નુકસાન પ્રદેશને અને રાષ્ટ્રને થઇ શકે છે રખે ભૂલાતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang