ગયા અઠવાડિયે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી છાત્ર સંગઠનનાં આંદોલનને લઇને ફરી એકવાર સમાચારોમાં ચમકી. કચ્છના અને ગુજરાતના શિક્ષણશાત્રીઓને, બુદ્ધિજીવીઓને કચ્છ યુનિવર્સિટી માટે ઘણી બધી અપેક્ષા છે. સીમાવર્તી જિલ્લાનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે એ જોતાં યુનિવર્સિટી પણ અહીં જ યુવાનોની કારકિર્દી ઘડવામાં મોટી ભૂમિકા ભજવી શકે એમ છે. અલબત્ત, સરકાર સ્તરેથી જોઇએ એવું ધ્યાન નથી અપાતું. કુલપતિની કાયમી નિમણૂક, પીએચ.ડી. જેવા પ્રશ્નો ગુજરાતની બીજી યુનિવર્સિટીઓમાં હોય તો ત્વરિત પડઘો સાંભળવા મળે. કચ્છ સાથે એવો વ્યવહાર કેમ નહીં ? એ સવાલ આમ નાગરિકોને, વિદ્યાર્થી જગતને અકળાવી રહ્યો છે. પીએચ.ડી. મુદ્દાને સંબંધ છે ત્યાં સુધી સમગ્ર પ્રક્રિયા વિવાદમાં રહી. પહેલાં પરીક્ષા લેવાતી જ નહોતી, પછી લેવાઇ અને ગાઇડશિપનો મુદ્દો આવ્યો અને એનો ઉકેલ આવ્યો. હવે માન્ય ગાઇડના વિદ્યાર્થીઓને તુરંત પ્રવેશ આપવો એવો નિર્ણય લેવામાં આવ્યા બાદ પણ અને પીએચ.ડી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં બીજા છ મહિના નીકળી ગયા. જો કે, અંતે એબીવીપીના છેલ્લા હોબાળા બાદ દસમી ફેબ્રુઆરી સુધીમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઇ જશે એવી ખાતરી અપાય છે. આશા છે કમસેકમ આ મુદ્દો ઉકેલાઇ જશે. બીજો એક ગંભીર મુદ્દો છે કુલપતિનો. જાન્યુઆરી 2023 અંતે કાયમી કુલપતિની મુદ્દત પૂરી થાય એ પહેલાંના લગભગ છ મહિના પહેલાં જ પ્રક્રિયા આરંભી દેવાઇ અને સર્ચ કમિટીની રચના માટેના પત્રો લખી દેવાયા હતા, પણ સરકારમાંથી ઝડપી પ્રતિભાવો ન મળ્યા હોવાનું સ્થાનિક સૂત્રો દાવો કરે છે. માંડ સર્ચ કમિટી બની અને બેઠક મળે તે પહેલાં તો રદ થઇ ગઇ. કારણ કે, એ દરમિયાનમાં કચ્છ યુનિવર્સિટીનો કોમન એક્ટ આવી ગયો. કાયમી વીસીની જૂનમાં મુદ્દત પૂરી થઈ એના આજે આઠ મહિને નવા કાયમી કુલપતિ મળ્યા નથી અને ઇન્ચાર્જ કુલપતિઓ નીતિવિષયક નિર્ણયોમાં પાછા પડતા હોવાની ફરિયાદો છે. આ સંજોગોમાં કાયમી કુલપતિ અને એ પણ કચ્છની તાસીર જાણતા હોય તેવા અને કોઇ રાજકીય દબાણ વિના નિડરપણે નિર્ણય લે તેવા નિયુક્ત થાય એ મહત્ત્વનો નિવેડો છે. નવી સર્ચ કમિટીની પણ બે મિટિંગો મળી ચૂકી છે અને સર્ચ કમિટી એ મુજબ બંધ કવરમાં કચ્છ યુનિવર્સિટીના નવા સંભવિત કુલપતિ માટે નિયમ અનુસારના ત્રણ નામ પણ આપી દીધાં છે, પરંતુ કોઇ નિર્ણય આવતો નથી. બીજી બાજુ કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હોબાળા ચાલે છે. કચ્છ યુનિવર્સિટી માટે અન્યાયની પરંપરા અગાઉથી ચાલી આવે છે. 2023ના કચ્છ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભરતી માટેના બે પ્રયાસો થયા હતા અને બીજીવાર તો ઉમેદવારોને કોલલેટર પણ અપાઇ ગયા, છતાં ભરતી માત્ર ગાંધીનગરથી એક એસએમએસનાં કારણે રદ કરવામાં આવી હતી. ભલે આમાં આંતરિક ખટપટ અને ફરિયાદો જવાબદાર હોઇ શકે છે, પણ કોઇપણ સંજોગોમાં એનો ઉકેલ લાવીને ભરતી પ્રક્રિયા અટકવી ન જોઇએ. એ પછી તો ગત વર્ષનાં બજેટમાં પણ નવી 38 જગ્યાઓ ફાળવાઇ. એની પણ હજી સુધી કોઇ જાહેરાત બહાર નથી પડી. નવો એક્ટ હોય તો નવા એક્ટ પ્રમાણે પણ એની તુરંત કાર્યવાહી તો કરો. કેટલો સમય અદ્ધરતાલ લટકાવી રખાશે ? અહીં એ નોંધનીય છે કે, બુધવારે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિની નિમણૂકની જાહેરાત થઇ. ભલે એ યુનિવર્સિટી ગવર્નરના સીધા તાબા હેઠળ છે. અત્યારે એ ખાલી જગ્યા પૂરી દેવાઇ?છે. સરકાર ધારે તો બધું કરી શકે એનો આ એક દાખલો છે. આમ, કચ્છ માટે પરિસ્થિતિને નજરે તાત્કાલિક નિર્ણય લેવાવો જોઇએ કેમ કે હવે ગુજરાતભરમાં એકસમાન એવા નવા કોમન યુનિવર્સિટીના કાયદાના અમલ બાદ, બોર્ડ ઓફ?ગવર્નન્સ હેઠળ વીસીની નિમણૂક થવાની છે. કચ્છના બે મુદ્દા સરકાર પાસે પડતર છે. રજિસ્ટ્રારનું રાજીનામું સરકાર પાસે પડેલું છે. રજિસ્ટ્રારે રાજીનામું આપ્યા પછી કચ્છ યુનિવર્સિટીના સત્તા મંડળે એ રાજીનામું સરકાર પાસે મૂકી દીધું છે. આમ, યુનિવર્સિટીમાં બંને મહત્ત્વના પદ ઇન્ચાર્જ ઉપર જશે તો પછી યુનિવર્સિટીની હાલત વધુ કથળવાની છે એ નક્કી. અત્યારે વિધાનસભા સત્ર ચાલુ છે. એમ મનાય છે કે વધુમાં વધુ મહિના દિવસમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ?જશે. જો આમ થયું તો આચારસંહિતાને લીધે બધું લટકી પડવાની ભીતિ છે. ભરતી જેવા મહત્ત્વના નિર્ણયોમાં કોઇ?પ્રક્રિયા આગળ નહીં વધે અને મંજૂર જગ્યાઓ નાણાકીય વર્ષ પૂરું થતાં લેપ્સ થઇ જશે એ અલગ. આ સંજોગોમાં સરકારે ઝડપી નિર્ણય લેવો પડશે. કચ્છના લોકપ્રતિનિધિઓ શા માટે સાથે મળીને ગાંધીનગર શિક્ષણ વિભાગ પાસે મોરચો નથી માંડતા? એક વાત કહેવી પડે કે, ગાંધીનગર મંત્રીમંડળમાં કચ્છને પ્રતિનિધિત્વ ન મળવાની ખોટ અનુભવાઇ રહી છે. અગાઉની સરકારમાં ડો. નીમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષા બનતાં તેમણે વારંવાર શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને બોલાવીને યુનિવર્સિટીના પ્રશ્નો માટે સક્રિયતા દેખાડી હતી. હાલમાં અટકી પડેલી સ્ટાફ ભરતીની જગ્યાઓની મંજૂરી તે ગાળામાં જ મળી હતી. યુનિવર્સિટીની ગુણવત્તાનો માપદંડ રજૂ કરતા રાષ્ટ્રીય પ્રમાણપત્ર `નેક'ની માન્યતા અત્યારે કચ્છ યુનિવર્સિટી માટે ઘણી દૂર?છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા અરજી ન થઇ હોવાની ફરિયાદ છે, પણ જ્યાં સુધી દરેક ડિપાર્ટમેન્ટની પૂરતી જગ્યાઓ નહીં ભરાય ત્યાં સુધી શક્ય જ નથી અને બીજી બાજુ એક્સટર્નલ કોર્સ પણ બંધ છે. આ બંને નેકની માન્યતા વિના નહીં મળે. એટલે ભરતી દરેક પ્રશ્નના ઉકેલના પાયામાં છે અને ભરતી ત્યારે થશે જ્યારે કાયમી અને નિષ્ઠાવાન-કાર્યદક્ષ કુલપતિ મળે, એટલે સરકાર તાત્કાલિક નવા કાયમી કુલપતિ નિયુક્ત કરે અને ભરતી પ્રક્રિયા માટે તાત્કાલિક મંજૂરી આપે એ સમયનો તકાજો છે. જનપ્રતિનિધિઓ જવાબદારી નિભાવે.