• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

કાશ્મીરમાં જી-20 બેઠક : પાક અને ચીનને લપડાક

કાશ્મીરમાં જી-20ના પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરીને ભારતે ધરતીનું આ સ્વર્ગ પ્રવાસીઓને માટે આકર્ષક અને સલામત હોવાની પ્રતીતિ વિશ્વને કરી આપી છે. ભારત તેના આ ઉદ્દેશમાં સફળ થઇ રહ્યંy છે, તેની સાથોસાથ કાશ્મીરના મામલે પાકિસ્તાન અને તેના આકા ચીનના બદઇરાદા પણ છતા થઇ રહ્યા છે. હંમેશાં કાશ્મીરનો રાગ આલાપતાં રહેતાં પાકિસ્તાન અને તેના ભારત વિરોધી બદઇરાદામાં સતત સહમતી આપતાં રહેતાં ચીને જી-20ની કાશ્મીર બેઠકમાં હાજર ન રહેવાની જાહેરાત કરીને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે આ બેઠકનું સફળ અને સલામત આયોજન કરીને પાકિસ્તાન સહિતના વિરોધીઓને રાજદ્વારી લપડાક મારી છે. બેઠકના બહિષ્કારમાં પાકિસ્તાન અને ચીનની સાથે સૂર પુરાવનાર તુર્કીની પણ આ મામલે નાલેશી થઇ છે. જી-20નાં પ્રવાસન કાર્યજૂથની બેઠક શ્રીનગરમાં યોજીને ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે તેના કોઇપણ ભૌગોલિક વિસ્તારમાં કોઇપણ પ્રકારનું આયોજન કરી શકે છે અને તેની આંતરિક બાબતોમાં દખલગીરીનો કોઇને પણ અધિકાર નથી. વાસ્તવિકતા એ રહી કે, પાકિસ્તાન, ચીન અને તુર્કીના બહિષ્કાર છતાં કાશ્મીરની જી-20ની આ પ્રવાસન બેઠકમાં વિવિધ દેશના 122 પ્રતિનિધિએ હિસ્સો લીધો હતો. કાશ્મીર માટે આ બેઠકનું આયોજન એટલા માટે મહત્ત્વનું રહ્યંy કે, 370મી કલમ રદ થયા બાદ ત્યાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન હતું. વળી, પ્રવાસન ઉદ્યોગ સાથે વણાયેલાં કાશ્મીરમાં લગભગ આખી દુનિયાના દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો તે ઉલ્લેખનીય હતું. જે રીતે વિદેશી પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા અને તેમાં ભાગ લીધો તેનાથી સ્પષ્ટ થયું કે, જમ્મુ અને કાશ્મીરમાં વિવાદાસ્પદ 370મી કલમ રદ કરવાનું ભારત સરકારનું પગલું એકદમ યોગ્ય હતું. સ્વાભાવિક રીતે આનાથી પાકિસ્તાન અને ચીનના મનસૂબાને આંચકો લાગ્યો છે. કાશ્મીરના મામલે પાકિસ્તાનને સતત સહયોગ આપતાં રહેલાં ચીનને પણ આ બેઠકથી નાલેશી થઇ છે. આતંકવાદના મામલે પાકિસ્તાનને છાવરતાં રહેતાં ચીને કાશ્મીરના મુદ્દે પણ તેની વાતમાં સૂર પુરાવીને પોતાની કથની અને કરણી અલગ હોવાનું બતાવી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી જી-20ની આવી બેઠકનો ચીને તે સમયે પણ બહિષ્કાર કર્યો હતો, પણ ભારતે તેના વિરોધને ધ્યાને લીધો ન હતો અને બેઠકનું સફળ આયોજન કર્યું હતું. ચીન માટે તિબેટ દુ:ખતી રગ છે. ભારતે તેને સતત દાબમાં રાખીને બીજિંગને વાસ્તવિકતાનો ચહેરો બતાવતા રહેવું જોઇએ. કાશ્મીરના મામલે ચીન અને પાકિસ્તાન ભારતની સામે સતત અપપ્રચાર કરતાં રહે છે, પણ જી-20ની બેઠકનું સફળ આયોજન કરીને ભારતે તેમના આ અપપ્રચારનો જવાબ આપી દીધો છે. હવે આ આયોજને વિશ્વમંચ પર ભારતની વધી રહેલી વગનો પરચો પણ આપી દીધો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang