નવી દિલ્હી, તા. 8 : ઇન્ડિયન પ્રીમિયર
લીગ 2027ની સીઝન શરૂ થાય તે પહેલાં
પંજાબ કિંગ્સના સપોર્ટ સ્ટાફમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ
ઓલરાઉન્ડર અને ઝડપી બાલિંગ કોચ જેમ્સ હોપ્સ તેમજ ફિલ્ડિગ કોચ બ્રેડ હેડિને ફ્રેન્ચાઇઝી
સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ બંને પૂર્વ ખેલાડીઓ હવે આગામી આઈપીએલમાં પંજાબના ડગઆઉટમાં
નજરે પડશે નહીં. આ અગાઉ ભારતીય સ્પિન બાલિંગ કોચ સાંઈરાજ બહુતુલે પણ ટીમથી અલગ થઈ ચૂક્યા
હોવાથી, મુખ્ય કોચ રિકી પોન્ટિંગના માર્ગદર્શન હેઠળ
રમતી પંજાબ કિંગ્સને ડિસેમ્બરમાં યોજાનારી હરાજી પૂર્વે એકસાથે ત્રણ નવા સહાયક કોચની
નિમણૂક કરવાની ફરજ પડશે. આ બંને વિદેશી કોચના અચાનક અલગ થવા પાછળ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક
ક્રિકેટમાં મળેલી મોટી વ્યાવસાયિક જવાબદારીઓ મુખ્ય પરિબળ છે. આઈપીએલ 2026 સંપન્ન થયા બાદ જેમ્સ હોપ્સે
ઓસ્ટ્રેલિયાની સ્ટેટ ટીમ ક્વીન્સલેન્ડના હેડ કોચનું પદ સંભાળી લીધું છે અને તેઓ બિગ
બેશ લીગમાં પણ બ્રિસ્બેન હીટનું માર્ગદર્શન કરશે. બીજી તરફ, પૂર્વ વિકેટકીપર-બેટર બ્રેડ હેડિને ન્યૂ સાઉથ
વેલ્સ પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકેની કમાન સંભાળી છે.