રાપર, તા. 8 : શહેરની મુખ્ય બજારમાંમાં વકરતી ટ્રાફિક અને પાર્કિંગની
સમસ્યાના ઉકેલ માટે રાપર નગરપાલિકા દ્વારા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાપર
પોલીસના સંકલનમાં મેગા દબાણ હટાવ તથા ડિમાર્કેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કચ્છમિત્ર
દ્વારા દબાણના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા મુદ્દે અહેવાલ પ્રકાશિત કરાયો હતો. શહેરનો દેનાબેન્ક ચોક હોય કે સેલારી નાકુ, નંદાસર રોડ દબાણોના કારણે દર અમુક સેકન્ડે અચૂક
ટ્રાફિકજામ હોય. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાયામ આદરવામાં
આવ્યો છે.ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય બજારો
અને માર્ગો પર સ્થળ નિરીક્ષણ કરી માર્ગની હદમાં આવતાં ગેરકાયદેસર બાંધકામો,
છાપરા, પ્રોજેક્શન, ઓટલા
અને શેડ જેવા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા વેપારીઓને સૂચના આપી હતી. પશુ દવાખાના
નજીક ઊભા રહેતા લારી-ગલ્લાવાળાઓને ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે રસ્તાના માર્જિનની
અંદર જ લારી-ગલ્લા રાખવા કડક સૂચના આપવામાં આવી હતી. વાહન પાર્કિંગ માટે અવરોધ વિનાની
ખુલ્લી જગ્યા મળી શકે તે માટે દુકાનોની બહાર બનાવવામાં આવેલા ગેરકાયદેસર પાર્કિંગ શેડ
અને ઊંચા ઓટલાઓને રસ્તાના લેવલ સુધી સમથળ કરવા સૂચના આપવામાં આવી હતી. માપણી અને ડિમાર્કેશનની કામગીરી દરમ્યાન ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે પી.આઈ આર.એલ.
ખટાણા, પી.એસ.આઈ.
એચ.વી. કાતરિયા દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે, હાલની કાર્યવાહી અંતિમ ચેતવણી સમાન છે. વેપારીઓ અને દબાણકર્તાઓ દ્વારા જાતે
દબાણો દૂર નહીં કરવામાં આવે, તો આગામી તબક્કામાં નગરપાલિકા દ્વારા
સીધી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાપરના તમામ નાગરિકો માટે સુરક્ષિત,
સુલભ અને ટ્રાફિકમુક્ત રસ્તાઓ સુનિશ્ચિત કરવા માટે સુધરાઈ કટિબદ્ધ હોવાનું
મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ કામગીરીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની
અને જાહેર માર્ગો પર પાર્કિંગ માટે વધુ જગ્યા ઉપલબ્ધ થવાની લોકોમાં આશા જાગી છે.