• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

અભિનયના `ક્રાંતિવીર'નાના પાટેકરની વિદાય

મુંબઈ, તા. 8 : ભારતીય સિનેજગત માટે આજે દુ:ખદ સવાર ઊગી હતી. પોતાના અદ્ભુત અવાજ તેમજ અનોખા અભિનયના બળે આગવી ઓળખ ઊભી કરનાર દિગ્ગજ અભિનેતા  નાના પાટેકરનું ગુરુવારે વહેલી સવારે ગોવા સ્થિત ઘરમાં હૃદય થંભી જવાથી 75 વર્ષની વયે નિધન થયું હતું. `સમાજસેવક' અભિનેતા નાનાની વિદાયથી સિનેજગતમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓ, બોલીવૂડની હસ્તીઓએ પ્રતિભાસંપન્ન અદાકારને અશ્રુભીની આંખે અંજલિ આપી હતી. પદ્મશ્રીથી સન્માનિત નાના પાટેકરના પાર્થિવ દેહને પૂણે લવાયા પછી ડોંજે ગામમાં તેમના પ્રિય સ્થળ `નાનાચી વાડી' ફાર્મહાઉસમાં  અંતિમ દર્શન માટે રખાયો ત્યારબાદ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. ભારે શોકમગ્ન પુત્ર મલ્હારે મુખાગ્નિ આપ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાનાને કાંધ આપી હતી. અભિનેતા જેકી શ્રોફ, ક્રાંતિવીર ફિલ્મના નિર્દેશક મેહુલકુમાર, રામદાસ આઠવલે સહિત હસ્તીઓએ અશ્રુભીની આંખે અનોખા અદાકારને વિદાય આપી હતી. ગોવા સ્થિત ઘરમાં કાર્ડિયાક એરેસ્ટ આવી ગયો હતો, જ્યાં  કાર્ડિયાક મસાજ એટલે કે સીપીઆર આપવા છતાં કોઈ ફરક નહીં પડતાં મણિપાલ હોસ્પિટલ લઈ  જવાયા હતા. હોસ્પિટલના ડો. શેખર સાલકરે જણાવ્યું હતું કે,  નાનાનું નિધન વહેલી સવારે પાંચ અને 20 મિનિટે થયું હતું, જે વખતે ઘરમાં પરિવારના કોઈ સભ્ય મોજૂદ નહોતા. તેમના દોસ્ત અને કેરટેકર હતા. ત્રણ નેશનલ એવોર્ડ જીતનાર નાના પાટેકરે 100થી વધુ ફિલ્મોમાં દમદાર અભિનય કરીને જબરી જનચાહના મેળવી હતી. પહેલી જાન્યુઅરી, 1951ના દિવસે મહારાષ્ટ્રના મરૂડ-જંજીરામાં જન્મેલા નાનાનું જન્મનું નામ વિશ્વનાથ હતું. પિતા દિનકર કપડાંના કારોબારી હતા. નાના એક હિન્દુ મરાઠી પરિવારમાંથી હતા. જો કે, તેઓ હંમેશાંથી જાતિ અને ધર્મની વિરુદ્ધ હતા અને માનવતાને જ પોતાનો ધર્મ માન્યો. રાતે લગભગ અઢી વાગ્યે મિત્રને મેસેજ કરીને તબિયત સારી નથી તેવું નાનાએ કહ્યું હતું. મિત્રએ મેસેજ જોયો નહીં એટલે ફોન કરતાં ચાર વાગ્યે મિત્ર ઘરે પહોંચ્યા ત્યારે નાના પરસેવે રેબઝેબ હતા. થોડીવારમાં બેભાન થઈ ગયા. એમ્બ્યુલન્સ બોલાવાઈ, અચેત અવસ્થામાં પહેલાં નાનાને સીપીઆર અપાયા બાદ કોઈ ફરક પડયો નહોતો. તબીબોએ કહ્યું હતું કે, તેમને મૃત અવસ્થામાં જ હોસ્પિટલ લવાયા હતા. પરિંદા, પ્રહાર, યશવંત, અગ્નિસાક્ષી, ગુલામ-એ-મુસ્તફા, ક્રાંતિવીર, વેલકમ જેવી ફિલ્મોમાં લોકોએ નાનાનો અભિનય વખાણ્યો હતો. `પ્રહાર' ફિલ્મમાં આર્મીના મેજરની ભૂમિકા ભજવ્યા બાદ નાનાએ ભારતીય સેનામાં વિધિવત સૈન્ય પ્રશિક્ષણ લીધું. ટેરિટોરિયલ આર્મીમાં જોડાયા, માનદ કેપ્ટન થયા. લેફ્ટનન્ટ કર્નલના માનદ પદ સુધી સેવા આપીને 2013માં નિવૃત્ત થયા હતા. કિસાનો અને તેમના પરિવારોની મદદ કરવા માટે નાના પાટેકરે 2015માં `નામ ફાઉન્ડેશન' નામે સંસ્થા સ્થાપી હતી. આત્મહત્યા કરનાર કિસાનોના પરિવારોને આર્થિક મદદ કરી. - `હમારે બાદ મહફિલ મેં અફસાને બયાં હોંગે' : મુંબઇ, તા. 8 : ચાર ઓક્ટોબરે ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન નાના પાટેકરે ક્ષણભંગૂર જીવનની ખૂબ ઊંડી વાત કરતા કહ્યું હતું કે, હું આજે અહીં છું... કાલે કોણ જાણે ક્યાં હોઈશ ? આ વાતને હજી ચાર પાંચ દિવસ વિત્યા છે ત્યાં નાના પાટેકરે દુનિયાને અલવિદા કહી દીધું છે. સિનેમાપ્રેમીઓ માટે આઘાતની આ ઘડીએ નાના પાટેકરની જ એક ફિલ્મ તર્કિબનો કાવ્યાત્મક સંવાદ યાદ  આવે છે.  વર્ષ 2000માં આવેલી ફિલ્મમાં નાના પાટેકર દ્વારા એક દૃશ્યમાં કહેવામાં આવ્યું હતું કે, `હમારે બાદ મહફિલ મેં અફસાને બયાં હોંગે, બહારે હમકો ઢૂંઢેંગી... ન જાને હમ કહાં હોંગે...' આ પંક્તિઓ મશહૂર શાયર મઝરૂહ સુલ્તાનપુરીની એક ગઝલનો હિસ્સો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd