નવી દિલ્હી, તા. 8 : દેશના સૌથી મોટા આર્થિક સુધારા તરીકે લેખાવાયેલા જીએસટીના અમલના નવ વર્ષ બાદ ગુરુવારે એક મોટો અને ઐતિહાસિક ફેંસલો લેવાયો હતો. હવેથી જીએસટીમાં કરચોરીના કોઈ પણ મામલામાં ધરપકડ નહીં કરી શકાય. આ નિર્ણય કરદાતા વેપારીઓને મોટી રાહત આપનારો બનશે. દેશના નાણામંત્રી નિર્મલા સિતારામનના અધ્યક્ષસ્થાને આજે ભારત મંડપમ્માં મળેલી જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં અધિકારીઓની ધરપકડ કરવાની શક્તિ ખતમ કરી દેવાઈ હતી. સાથોસાથ જીએસટી ચોરીના મામલામાં કાનૂની કાર્યવાહી, કેસ ચલાવવાની સીમા પણ એક કરોડ રૂપિયામાંથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરી દેવાઈ હતી. જીએસટી કાઉન્સિલે સામાન્ય દંડ 25 હજાર રૂપિયામાંથી ઘટાડીને 10 હજાર રૂપિયા કરવાનો પણ ફેંસલો લીધો હતો. એ સિવાય રિફંડના દાવા સ્વીકારવાની સમય સીમા 15 દિવસમાંથી ઘટાડીને કાઉન્સિલે 10 દિવસ કરી નાખી હતી. આ સમયગાળા દરમ્યાન કોઈ મંજૂરી કે ખામી અંગે જાણકારી નહીં અપાય તો દાવાને મંજુર થયેલા માની લેવાશે તેવો મહત્ત્વપૂર્ણ ફેંસલો જીએસટી પરિષદે કર્યો હતો. નવાં રિફંડ હેઠળ રિસ્ક વેલ્યૂએશન એટલે કે, જોખમના મૂલ્યાંકન બાદ 80 ટકા પાત્ર રિફંડના દાવાઓને ઓટોમેટિક (આપોઆપ) મંજૂર કરી દેવાશે અને સાત દિવસના સ્થાને ત્રણ કામના દિવસોમાં જારી પણ કરી દેવાશે. કાઉન્સિલની 57મી બેઠકમાં એવો નિર્ણય પણ કરાયો હતો કે 10 હજાર રૂપિયાથી ઓછી કરચોરી પર વેપારીને નોટિસ પણ નહીં આપી શકાય.ઓનલાઈન સામાન વેચતા નાના વેપારી, દુકાનદારો માટે પણ નિયમો વધુ સરળ કરી દેવાયા છે. પાંચ કરોડ રૂપિયાથી ઓછી વેરાચોરીના મામલામાં કોઈ અપરાધી કેસ નહીં કરતાં માત્ર દંડ ભરવાનો રહેશે. હવે કોઈ પણ મામલામાં દંડ, જેલ અથવા કોઈ પણ પ્રકારની સજા નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર અદાલતોના વિવેક પર છોડી દેવાયો છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, હવે જીએસટીના દરો સ્થિર જ રહેશે અને બદલાવ વર્ષમાં એકવાર જ કરાશે.