ગાંધીધામ, તા. 8 : શહેરના કાસેઝમાં કૌભાંડ કેડ
મૂકતા નથી. ક્યારેક તંબાકુ, સોપારી,
દારૂ, ભંગાર, કેમિકલ,
વપરાયેલ કપડાં ઓવર વેલ્યુએશન બાદ હવે જી.એસ.ટી. ચોરી મુદ્દે ડિરેક્ટોરેટ
જનરલ ઓફ જી.એસ.ટી. ઇન્ટેલિજન્સ (ડી.જી.જી.આઇ.)ની ટીમે એક ગોદામમાં કાર્યવાહી શરૂ કરી
હોવાનું સપાટી ઉપર આવ્યું છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમાશુલ્ક બોર્ડ (સી.બી.આઇ.સી.)
હેઠળ કામ કરતી વિશેષ એવી આ સંસ્થા ડી.જી.જી.આઇ.ની એક ટીમે છેલ્લા પાંચ-છ દિવસથી અહીં
ધામા નાખ્યા છે. કાસેઝમાં આવેલા એક વેરહાઉસમાં અગાઉ કંડલા કસ્ટમની એસ.આઇ.આઇ.બી.ની ટીમે
કાર્યવાહી કરી હતી. પાન, ગુટખા, સેન્ટેડ
તંબાકુના આ પ્રકરણમાં જે તે વખતે યોગ્ય કાર્યવાહી ન થઇ હોવાના આક્ષેપ અને ફરિયાદો બહાર
આવી હતી. કાસેઝમાં આવેલી આ કંપનીમાં કરોડો રૂપિયાનું જી.એસ.ટી. રિફંડ કૌભાંડ હોવાનું
બહાર આવતાં અહીંની ડી.જી.જી.આઇ.ની ટીમે કાસેઝમાં ધામા નાખ્યા હતા. છેલ્લા પાંચ-છ દિવસથી
આ કંપનીમાં ટીમે દસ્તાવેજી ચકાસણી હાથ ધરી હતી. અહીં સ્થાનિકના કોઇ યુનિટે ઓછા રકમનો
માલ આ કાસેઝના યુનિટમાં આપી અથવા કચરો માલ આપી તે અંગે છેલ્લા બે મહિનામાં 25થી 30 કરોડનું જી.એસ.ટી. રિફંડ મેળવી લીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું
હતું. ખરેખર આવો ઓછી કિંમતનો અથવા સાવ નકામો માલ કાસેઝમાં પધરાવાય છે ત્યારે સ્થાનિક
કસ્ટમના અધિકારીઓ, કર્મચારીઓ
પ્રસાદીના જોરે પોતાની આંખો મીંચી લે છે કે કેમ તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.
કાસેઝમાં આવેલા અમુક યુનિટોમાં આવી જ રીતે કચરો, નકામો માલ અથવા
ઓછી કિંમતનો માલ મોકલાવી તેને વધુ રકમનો બતાવી રિફંડ ચોરીનું મોટું કૌભાંડ ધમધમતું
હોવાનું પણ બહાર આવ્યું છે.