નવી દિલ્હી, તા. 8 : ભારત અને
વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી-20ની બીજી મેચ આવતીકાલે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે
રમાશે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવે તેવી શક્યતા છે. ભારત વિજયકૂચ આગળ
વધારવાના ઈરાદે ઉતરશે. પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ટીમને 8 વિકેટે પરાજય આપ્યો હતો. જેથી આગામી મેચમાં
ભારતીય ટીમ પોતાના વિજયી રથને આગળ ધપાવીને શ્રેણીમાં 2-0ની મજબૂત લીડ મેળવવાના ઈરાદા
સાથે રાંચીમાં ઉતરશે. બીજી તરફ કેરેબિયન ટીમ પ્રથમ પરાજયને પાછળ છોડી શ્રેણી બરાબરી
પર લાવવા માટે પૂરી તાકાત લગાવશે. ટી20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ કોઈપણ તબક્કે અણધાર્યો પલટવાર કરવા
માટે સક્ષમ માનવામાં આવે છે, જેને
ધ્યાને રાખતા મેચ દર્શકો માટે હાઈ-વોલ્ટેજ સાબિત થવાની પૂરી શક્યતા છે. બીજી ટી20 મેચ પૂર્વે ગુરુવારે બંને ટીમોએ
મેદાન પર સઘન નેટ પ્રેક્ટિસ કરી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. દિવસની શરૂઆતમાં
કેરેબિયન ટીમે નેટ્સમાં પરસેવો વહાવી પોતાનું પ્રેક્ટિસ સેશન પૂર્ણ કર્યું હતું. ત્યારપછી
ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉતર્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ સત્ર દરમિયાન બાટિંગ, બાલિંગ અને ખાસ કરીને ફિલ્ડિગ સહિત ત્રણેય પાસાઓ
પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્રીજી મેચ 11 ઓક્ટોબરે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં
અને ચોથી ટક્કર 14 ઓક્ટોબરે
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આયોજિત થશે. શ્રેણીનો પાંચમો અને અંતિમ મુકાબલો
17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી
સ્ટેડિયમમાં ખેલાશે. આ તમામ મુકાબલા ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ અડધો કલાક પૂર્વે ઉછાળવામાં
આવશે.