દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવવાની અરજી સુપ્રીમ
કોર્ટે માન્ય રાખી નથી, પરંતુ એસઆઈઆરની
કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે. ચૂંટણી કમિશનરનું સસ્પેન્શન આમ પણ સંભવ
નહોતું, પરંતુ કોર્ટ ચૂંટણીપંચને નોટિસ આપે તે ઘટના પણ સામાન્ય
તો નથી જ. અત્યાર સુધી પંચ તરફથી એવું કહેવાયું હતું કે, બધી
પ્રક્રિયા પારદર્શક થઈ છે તે પછી હવે કોર્ટે આ નોટિસ આપી છે. જો કે, કોઈ કોર્ટ કોઈ આંદોલનકર્તાની માગ કે અભિપ્રાયના આધારે ચુકાદો આપે પણ નહીં
,પરંતુ અહીં એટલું કહેવું યોગ્ય રહેશે કે, જ્ઞાનેશકુમાર
સામે ચાલી રહેલાં આંદોલન તથા થયેલા આક્ષેપોની અસર થઈ છે, ન્યાયપાલિકા
તેને વશ થઈ નથી. મતદારયાદી સઘન સુધારણા પ્રક્રિયા
અંતર્ગત 13 કરોડ મતદારનાં
નામ રદ થઈ ગયાં હોવાની ગંભીર વાત બહાર આવી તે પૂર્વેથી સમગ્ર પ્રક્રિયા વિવાદાસ્પદ
રહી હતી. વિપક્ષોએ તો દોઢ વર્ષથી આ મુદ્દે મોરચો માંડેલો જ છે. ગયા અઠવાડિયે ત્રણમાંથી
બે ચૂંટણી કમિશનરે એવું કહ્યું કે, તેમણે દસ મહિનામાં ચૌદવાર લેખિત ફરિયાદ સમગ્ર પ્રક્રિયા અંગે કરી છે. આ મુદ્દે
રીતસરનો સંગ્રામ શરૂ થયો હતો. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિતના
નેતાઓ તથા જેનું આયુષ્ય હજુ અલ્પ છે તે કોંક્રોચ પાર્ટી સહિતના સંગઠનો મુખ્ય ચૂંટણી
કમિશનરના રાજીનામાની માગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનરની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં
અરજી ઊભી રહે તે જ નોંધપાત્ર બાબત છે. સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ
સૂર્યકાંતની બેંચે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાનો ઈન્કાર
કરી દીધો છે સાથે જ કોર્ટે એવી નોટિસ આપી છે કે, સ્પેશિયલ ઈલેક્ટ્રોલ
રોલ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા અને ફોર્મ-6 જેવા મુદ્દાઓ ઉપર જે સવાલ ઊભા થયા છે તેને
કોર્ટે ગંભીરતાથી લીધા છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચ બંને પાસે આ અંગે જવાબ માગ્યો
છે. કોર્ટમાં થયેલી અરજીમાં એવી દલીલ થઈ હતી કે,
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા થયેલી કાર્યવાહી અન્ય કાર્યવાહીમાં
કમિશનરોની સહમતી નહોતી. મુખ્ય ચૂંટણી કમિશનરનું સસ્પેન્શન તો નથી થયું, પરંતુ ચૂંટણીપંચ સરીખી સંસ્થાની પવિત્રતાની ચર્ચા દેશમાં તમામ સ્તરે થઈ એટલું
સ્પષ્ટ છે કે, ચૂંટણીપંચ માત્ર કાગળ ઉપર નહીં ,પરંતુ વ્યવહારમાં પણ નિષ્પક્ષ હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે નોટિસમાં કાયદાકીય પ્રક્રિયા અને
સંસ્થાકીય સર્વ સંમતિનું પાલન કરવાનું અનિવાર્ય છે તેમ કહી દીધું છે. ચૂંટણીપંચે સત્વરે
તમામ દસ્તાવેજો જાહેર કરી પારદર્શકતા સિદ્ધ કરી દેવી જોઈએ, જેથી
તેમની વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા થઈ જાય. આ આખો પ્રશ્ન લોકશાહી પરંપરાની
તટસ્થતાનો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વિવિધ સ્તરે ચાલી રહેલા
આંદોલન ઉપર કોર્ટના આ વલણની અસર પડશે. સસ્પેન્ડ કરવાનો ઈન્કાર કોર્ટે કર્યો છે તેથી
માગણી સ્વીકારાઈ નથી, પરંતુ આંદોલનકર્તાઓ એટલો સંતોષ માની શકશે
કે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટિસ તો પાઠવી છે.