• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ભારતની `શાંતિદૂત' તરીકેની ભૂમિકા પર દુનિયાની મીટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા જગજાહેર છે. કોઇ પણ મંચ પર બંને મળે ત્યારે તેમની બોડી લેન્ગ્વેજ ગાઢ દોસ્તીસભર જોવા મળે. આના પાયામાં બંને રાષ્ટ્રો વચ્ચેના દાયકાઓ જૂના સંબંધ રહેલા છે. ભારત અને રશિયાએ પરસ્પર વિશ્વાસ કેળવ્યો છે. એટલે જ બધા વૈશ્વિક પરિમાણોમાં એકબીજાનું ધ્યાન રાખવાની ભાવના દૃઢ રહી છે. પુતિને તાજેતરમાં એક સંમેલન દરમ્યાન કહ્યું કે, મોદી તેમના સારા મિત્ર છે, તેમ છતાં જ્યારે મુલાકાત થાય ત્યારે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનો આગ્રહ કરતા રહે છે. `તેઓ ઇચ્છે છે કે બંને દેશ વચ્ચેના સંઘર્ષનો જલ્દી અંત આવે અને એ માટે તેમની પાસે સારા વિકલ્પો પણ છે.' રૂસ-યુક્રેન તરફથી એકબીજા પર ભીષણ હુમલા જારી છે તેમ છતાં યુદ્ધ પૂરું કરવા માટેના કૂટનૈતિક પ્રયાસો નિરંતર રહ્યા છે અને તેમાં હવે ભારતની મોટી ભૂમિકાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુક્રેનના વિદેશમંત્રી આંદ્રિય સિબિહાએ કહ્યું કે, કીવને રૂસ સાથે સંભવિત યુદ્ધવિરામ માટે ભારત, અમેરિકા, તુર્કી અને ઇજિપ્ત એમ ચાર અલગ-અલગ પ્રસ્તાવ મળ્યા છે જેમાં ભારતનો પ્રસ્તાવ સૌથી વ્યાપક છે. સિબિહાના જણાવ્યા અનુસાર ભારતે પહેલી જ વાર આ સઘર્ષમાં સમાધાનની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવાની ઇચ્છાનો સંકેત આપ્યો છે. ભારતીય પ્રસ્તાવ માત્ર મોરચા પર લડાઇ રોકવા પૂરતો જ સીમિત નથી, બલ્કે ઊર્જાનું માળખું અને બ્લેક સમુદ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામ જેવાં મહત્ત્વપૂર્ણ પાસાં પણ તેમાં સામેલ છે. યુક્રેનના કહેવા મુજબ કોઇ પણ યુદ્ધવિરામ લાગુ હોય ત્યારે ઊર્જા ઉત્પાદનના સંયોગો અને બંદરો પર હુમલા બંધ થાય એ જરૂરી છે. રૂસ-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતાં યુદ્ધે દુનિયાની હાલત ખરાબ કરી છે. વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ છે. ઊર્જા સુરક્ષા અને ખાદ્ય ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઇ ગયો છે. બ્લેક સીમાં સ્થિરતા સ્થાપિત કરવી જરૂરી એટલે છે કે, તે માર્ગે યુક્રેનથી કૃષિ અને અનાજની નિકાસ પુન:સ્થાપિત કરવાની શક્યતા વધી જાય છે. તુર્કી અને ઇજિપ્તે કાળા સમુદ્રમાં કૃષિ પેદાશો અને અનાજની નિકાસ પૂરતો યુદ્ધવિરામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે અમેરિકાના પ્રસ્તાવમાં ઊર્જા પ્રતિષ્ઠાનોને નિશાન ન બનાવવાની વાત કેન્દ્રસ્થ છે. અહીં એ નોંધનીય છે કે, અખાતમાં ઉપરાંત રૂસ-યુક્રેનમાં થતા હુમલામાં કેટલાય ઊર્જા ઉત્પાદન કરતા પ્લાન્ટ ધ્વસ્ત થયા છે. દુનિયાને ચલાયમાન રાખવા માટે ઊર્જાનો પુરવઠો અવિરત જોઇએ. ટ્રમ્પે તાજેતરમાં યુક્રેનને રશિયાના ઊર્જા મથકોને નિશાન ન બનાવવા તાકીદ કરી હતી. ભારતની રાજદ્વારી પહેલને મહત્ત્વ મળ્યું છે કેમ કે, આપણે રૂસ-યુક્રેન એમ બંને દેશ સાથે સીધા સંવાદનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાતાર વાતચીત અને રાજદ્વારી પ્રયાસોથી જ યુદ્ધવિરામ થશે એ વાત પર ભાર મૂક્યો છે. ગયા ઓગસ્ટમાં બિશ્કેક ખાતે રૂસી રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમ્યાન પણ તેમણે યુદ્ધ સમાપ્તિનો આગ્રહ કર્યો હતો. પુતિનનું મોદીને લગતું નિવેદન આના અનુસંધાને જ હતું અને તે એ વાતનો સંકેત આપે છે કે, રશિયા નવી દિલ્હીની રાજદ્વારી ભૂમિકાને ગંભીરતાથી લઇ રહ્યું છે. આમ છતાં યુદ્ધવિરામ માટે ભારતે હજુ ઘણી મહેનત કરવી પડશે. રૂસ-યુક્રેન પરસ્પર સંમત થાય એવી ફોર્મ્યુલા તૈયાર કરવી રહી. યુક્રેન વ્યાપક યુદ્ધવિરામ માટે તૈયાર હોવાના સંકેત આપે છે, સાથે એટલું ઇચ્છે છે કે, ઊર્જા મથકો અને પોર્ટસ સહિતના મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાં પરના હુમલા હંમેશ માટે બંધ થાય. બીજીતરફ રશિયા તત્કાળ વ્યાપક યુદ્ધવિરામને બદલે સ્થાયી અને સમગ્રતયા રાજનૈતિક સમાધાન પર ભાર મૂકી રહ્યું છે. આ સંજોગોમાં ભારતે પોતાની ક્ષમતા અને બંને પક્ષો સાથેના સંબંધોને કુનેહપૂર્વક ઉપયોગ કરવો રહ્યો. અત્યારે યુદ્ધવિરામની ઉમ્મીદના કિરણો દેખાય છે, તેમાં ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ કૂટનૈતિક પહેલ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd