ગાંધીધામ, તા. 8 : ગાંધીધામના હીરાલાલ પારેખ સર્કલથી
સુંદરપુરી પાણીના ટાંકા અને અપનાનગર સુધીના ધણીમાતંગદેવ રોડ ઉપર સુભાષનગર નજીક આનંદ
માર્ગ સ્કૂલની સામે વરસાદી નાળાંની અજગરી ડિઝાઇન લોકો માટે કુતૂહલ બની છે. એન્જિનીયારિંગના આ નમૂનાથી ડિઝાઇન ચર્ચાનો વિષય
બની છે. સ્થળ નિરીક્ષણ કરવામાં ન આવતું હોવાથી આવા નમૂના પ્રસ્તુત થઈ રહ્યા છે, જેના પગલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર
અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જાણકારોના મતે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકાના
188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
પાંચથી છ મહિના દરમિયાન થયેલાં તમામ કામોનું નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરવામાં આવે, તો અનેક અવનવું મળી શકે તેમ છે. નબળી ગુણવત્તાના
માર્ગો તથા ઠેર ઠેર પેવરબ્લોક બેસી ગયા છે ઉપરાંત વરસાદી નાળાં એવી રીતે બનાવવામાં
આવ્યાં છે કે, જેમાં પાણીના નિકાલ થવાની સંભાવના નહિવત છે. માર્ગો
પર પથરાયેલા ડામરની ગુણવત્તાની ચકાસણી જરૂરી છે. આ ઉપરાંત જે સામગ્રીનો ઉપયોગ કરાયો
છે, તેને યોગ્ય લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવે, તો સત્ય બહાર આવે તેમ છે. કરોડો રૂપિયા
ખર્ચાઈ ગયા છે છતાં ધાર્યું પરિણામ મળ્યું નથી. હેતુ સાર્થક થતો નથી તેમ છતાં તંત્ર દ્વારા
કોઈ પગલાં ભરવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુભાષનગર નજીક આનંદમાર્ગ સ્કૂલની સામે ધણીમાતંગદેવ
રોડ ઉપર પાણી નિકાલ માટે વરસાદી નાળું બનાવાયુ છે, તેની અજગરી
ડિઝાઇન લોકો માટે જોણું બની છે. પાણી નિકાલ થશે કે નહીં તે સહિતના અનેક સવાલો છે,
આ ઉપરાંત આ માર્ગ ઉપર પથરાયેલો ડામર અને ફૂટપાથની ગુણવત્તાની ચકાસણી
અત્યંત જરૂરી છે. કામગીરી સામે અનેક સવાલો છે, જે કામગીરી અને
સમસ્યા લોકો તથા જાગૃત નાગરિકોને દેખાય છે, તે સમસ્યા ઇજનેરી
વિભાગને દેખાતી નથી. જાણકારોના મતે છેલ્લા
છ મહિના દરમિયાન થયેલાં કામોનું યોગ્ય નિરીક્ષણ અને તપાસ કરવામાં આવે, તો અનેક પોલ ખુલે તેમ છે.