ભુજ, તા. 8 : સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં
પણ ચાલુ રહેલી મહેસૂલી કર્મચારીઓની હડતાળના કારણે બીજા દિવસે સેંકડો અરજદારોના પ્રશ્નો
ઉકેલવામાં મોટી અસર પહોંચી હતી. એકબાજુ મહેસૂલ સંબંધી કામો થાય છે, પરંતુ મામલતદાર કક્ષાએ પૂર્ણ તો થાય જ્યારે
નોંધો પડી જાય એટલે દસ્તાવેજ કરાવી પોતાની મિલકતો ખરીદ-વેચાણ કરનારો વર્ગ મુશ્કેલીમાં
મુકાયો હતો કેમ કે, દસ્તાવેજ થઈ ગયા બાદ ઈ-ધરામાં નોંધો કલીયર
થતી નથી. મહેસૂલ કર્મચારીઓની ગેરહાજરીના કારણે ઓનલાઈન સેવાઓ પણ ઠપ થઈ ગઈ હોવાનું જાણવા
મળ્યું હતું. અરજદારોના મોટા ભાગના કામો ઓનલાઈન હોવાથી કચેરીઓમાં ધક્કા ખાવા છતાં પ્રશ્નો
હલ થતા નથી તેવું અમુક અરજદારોએ જણાવ્યું હતું. બીજીબાજુ હડતાળ પર ઊતરેલા મહેસૂલી કર્મચારી
મંડળ વતીથી પ્રમુખ હરેશ જોશીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હડતાળ જારી છે. અમને અમારા મહામંડળ તરફથી કોઈ જાણકારી મળી નથી. પરંતુ આજે રાજ્ય
મહામંડળના પદાધિકારીઓ સાથે સરકારે પરામર્શ શરૂ કર્યો છે, પરંતુ
હજુ નિર્ણય કોઈ આવ્યો નથી. અમે કલેક્ટર કચેરી સામે સવારથી ધરણાં કરી રહ્યા છીએ. અનિશ્ચિત
મુદતની હડતાળ આજે પણ જારી છે. કામથી અળગા છીએ અને આખા જિલ્લામાંથી કર્મચારીઓ ધરણાંમાં
જોડાઈ રહ્યા છે. ઉપરાંત પદયાત્રીઓના સેવા કેમ્પોમાં જોડાઈને વિરોધ પ્રદર્શન કરવામાં
આવે છે.