• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

કે.સી.એ.ના અદ્યતન ગ્રાઉન્ડ માટે પ્રયાસ કરાશે

ભુજ, તા. 4 : કચ્છ ક્રિકેટ એસોસીએશન (ભુજ) દ્વારા એક સારી પહેલરૂપે અંડર 14 પટેલ વાઘજી વીરજી લીગ ક્રિકેટ સ્પર્ધાનો પુન:પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ (સ્પીડી એકેડેમી)ના ગ્રાઉન્ડ પર 16 ટીમને સાંકળતી સિઝન બોલની આ સ્પર્ધાનો આરંભ કરાવતાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના ઊગતા ખેલાડીઓમાં પ્રતિભા ઘણી છે અને હવે તેઓ આગળ પણ વધી રહ્યા છે, પણ એસોસીએશનનું પોતાનું અદ્યતન ગ્રાઉન્ડ વિકસે એ જરૂરી છે.  તેમણે કહ્યું હતું કે, કચ્છમાં હવાઈ સેવાઓ, હોટેલો બધાનો વિકાસ થઈ રહ્યો છે. કચ્છના સુખપર રોહા સહિતનાં ગામોના યુવાનો વિદેશમાં જઈને કૌવત બતાવી રહ્યા છે, ત્યારે કચ્છમાં ક્રિકેટને પણ સાથે મળીને નવી ઊંચાઈએ લઈ જઈએ. કે.સી.એ.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અંડર 16, 19, 23 અને ઓપન ક્રિકેટ સ્પર્ધાનું પણ આયોજન થશે. કે.સી.એ. દ્વારા સ્કોરિંગની એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ સ્પર્ધાના દેખાવ પરથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. માટેની કચ્છની ટીમ તૈયાર કરાશે. અગ્રણીઓએ સ્વ. બહાદુરસિંહભાઈ જાડેજાને યાદ કર્યા હતા. મંચ પર દાતા પરિવારના પરેશ પટેલ, ચિરાગ પટેલ, કિરણ પટેલ, કચ્છમિત્રના ચીફ સબએડિટર મુંજાલ સોની, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના વરિષ્ઠ પત્રકારો નવીન જોશી, કિરણ અપારનાથી, જય દવે, જયમીન વોરા, કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણી રામજીભાઈ સેંઘાણી હતા. કે.સી.એ.ના મંત્રી અતુલ મહેતાએ સંચાલન કર્યું હતું. કે.સી.એ.ના કોચ તથા સિલેક્ટર અશોક મહેતા, મહેશ પંડ્યા, મહિપતસિંહ રાઠોડ, મુકેશ ગોર, નાસીર જમાદાર, હરીશ બૂચ, ગિરીશ ઝવેરી, યુવરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, દિલીપસિંહ અબડા, મેહુલ જોશી, કમલેશ ગોસ્વામી, ધવલ ગુસાઈ, હિતેન્દ્રસિંહ જાડેજા,  શાંતિલાલ પટેલ, શાલીન મહેતા, કિશોરભાઈ સોની તેમજ પૂર્વ ક્રિકેટરો જયેન્દુ શુક્લ, વસંત અજાણી, સંજય શાહ સહિતનાઓ દ્વારા સન્માન કરાયું હતું. પૂર્વ ક્રિકેટર પ્રદીપ ઝવેરી, સુરા રબારી, પ્રેમજી ભંડેરી, વિશ્વનાથ શર્મા, પપ્પુ નોડે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ સ્પીડી એકેડેમી બી ટીમ અને આશાપુરા ક્રિકેટ એકેડેમી એ વચ્ચે રમાઈ હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ટોસ ઉછાળ્યો હતો. સ્પીડી 32.2 ઓવરમાં 98 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઉર્ધ્વરાજ જાડેજાના 29 મુખ્ય હતા. નક્ષ ગોસ્વામીએ માત્ર છ રનમાં છ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. આશાપુરા એકેડેમીએ માત્ર 19.5 ઓવરમાં બે વિકેટે લક્ષ્ય આંબી લેતાં 8 વિકેટે જીત મેળવી હતી. તૃષાર્થ પોપટના 26 રન મુખ્ય હતા. અમ્પાયર તરીકે અશોક સિંધલ અને વિશ્વરાજ જાડેજાએ, સ્કોરર તરીકે આમિર સમાએ સેવા આપી હતી.  કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ અને સંસ્થાના સહમંત્રી પ્રવીણ હીરાણી અનિવાર્ય સંજોગોને લઈને ઉપસ્થિત ન રહી શક્યા હતા અને ટૂર્નામેન્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd