ભુજ, તા. 4: ભુજ આશાપુરા મંદિરમાં આસો માસની
નવરાત્રિ મહોત્સવ પૂર્વે મંદિરમાં વિવિધ સેવા આપતા માના સેવકો, આરતી ગ્રુપનાં કાર્યકરોએ સમગ્ર મંદિર સંકુલ
સભા મંડપ - પરિસર હીમાલય દર્શન વિ. સંપૂર્ણ સ્વચ્છતા કામગીરી કરાઈ હતી. નવરાત્રીનાં
આગળનાં રવિવારે સોની કંસારા પરિવારનાં યુવાનો છેલ્લી ત્રણ પેઢીથી મંદિરનાં ચાંદીના
દરવાજા, સિંહાસન, પીછવાઈ, ભોગપાટ, છતરો, આભુષણો વિ. દેશી
પદ્ધતિથી સાફ કરી ચમકાવી આપે છે. સફાઈ કાર્ય પુરું થતાં પુજારી પરિવારનાં સભ્યો બધાજ
ભગવાનને સિંદુરનો વાઘો ધરાવી શણગારથી સજાવે છે. નવરાત્રી દરમ્યાન સુચારુ વ્યવસ્થા કરવા
બેટીકેડ લગાવી દર્શનાર્થીઓ શિસ્ત્બદ્ધ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કાર્યકરો સંભાળી
લે છે. નવરાત્રીમાં મંદિરમાં વિવિધ ફુલોનો શણગાર તેમજ અલગ -અલગ આભુષણો ધરાવાય છે. ભક્તો
દ્વારા ધરાવાતો પ્રસાદ સન્મુખ ધરાવી સંપૂર્ણપણે પરત અપાય છે. માર્કેટ યાર્ડના વેપારી
ભાઈઓ તથા ભાવિકો તરફથી અંદાજિત દરરોજ 100 કિલો સુકી પ્રસાદીનું વિતરણ કરાય છે. તેમજ પદયાત્રીઓ માટે ચા-પાણી
નાસ્તાની વ્યવસ્થામાં સુરેશભાઈ મણીલાલ ઠક્કરનો સહયોગ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. નોબત વાદક શૈલેશભાઈ જાની, ગાયોના ચારા - પાંજરાપોળની સેવા અર્થે મંદિરમાં
સવારે 6 વાગ્યાથી સળંગ પંદર કલાક સુધી દરરોજ સળંગ
નોબત વગાળશે - જેમાં સહયોગ માટે અપીલ કરાઈ છે તેમજ દરરોજ સાંજે 7થી 8:05 સુધી છંદ, ગરબા
નોબતનાં તાલે ગવાશે. તેવી માહિતી અપાઈ છે. મંદિરનાં ટ્રસ્ટીઓનો સહયોગ તેમજ મહંતપુજારી
જનાર્દન દવે અને પુજારી કવચ અને મારૂત સમગ્ર વ્યવસ્થા સંભાળે છે. તેવું યાદીમાં જણાવાયું
હતું. - નવરાત્રીનાં
પાવન પ્રસંગો : તા. 10-10 - ઘટ સ્થાપન સાંજે 7 કલાકે, તા. 11-10 - પ્રથમ નવરાત્રી, તા. 12-10 - ચંદ્રદર્શન , તા. 18-10 - રાત્રે હવન પ્રારંભ - રાત્રે 9 કલાકે અને પૂર્ણાહુતિ - રાત્રે 12:45 કલાકે તા. 19 - આઠમ - પત્રીપુજા - મહાપૂજા - રાજ પરિવારના સદસ્યનાં હસ્તે પત્રી પૂજા
બાદ અંદાજીત 700 કિલો લાપસીનો પ્રસાદ વિતરણ
કરાય છે.