• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

એ.આઇ. `ભસ્માસુર' ન બને તેનો તોડ શોધવો રહ્યો

કૃત્રિમ બુદ્ધિમતા-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ સભ્યતા સામે ખતરો બની રહ્યાની વ્યાપક ચિંતાએ આઇ.ટી. દિગ્ગજોને વિચારતા કરી દીધા છે. એક તરફ એ.આઇ.ની ઉપયોગિતા અને ક્ષમતા સંવર્ધનથી દુનિયા અચંબિતછે. વિદેશમાં એ.આઇ.ની મદદથી જટિલ શત્રક્રિયા સરળતાથી પાર પડયાની સક્સેસ સ્ટોરી ચર્ચાઇ રહી છે. એ.આઇ. આશીર્વાદ કે અભિશાપ એના મનોમંથન વચ્ચે ટેક દિગ્ગજ અને માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે જે કહ્યું એનાથી દુનિયા થોડી ભયભીત થઇ છે. આઇ.ટી. ક્ષેત્રે મહાન હસ્તી મનાતા બિલ ગેટ્સ તેમની સંવેદનશીલતા માટે પણ પ્રખ્યાત છે. ગેટ્સે ચેતવણી આપી છે કે, એ.આઇ. ટેકનિક જો ખોટા હાથોમાં જઇ પડશે તો કરોડો લોકોનાં મોતનું કારણ બની શકે છે. તેમનું કહેવું છે કે, માનવતાના ઇતિહાસમાં અત્યાર સુધી એ.આઇ. ટૂલ જેવું ઘાતક હથિયાર હજી બન્યું નથી. બિલ ગેટ્સનો અંદેશો સાચો હોય એવી કેટલીક ઘટના તાજેતરમાં બનતી જોવા મળી અને અમેરિકી સૈન્ય ચોંકી ઊઠયું. સીએનએનના એક સનસનીખેજ હેવાલ મુજબ ઇરાન સાથેનાં યુદ્ધ દરમ્યાન અમેરિકી સૈન્ય પાસે એવી એક બાતમી પહોંચી કે ચીની જહાજ અણુ કાર્યક્રમને લગતી સામગ્રી લઇ જઇ રહ્યું છે. ભીતિ એવી હોઇ શકે કે કદાચ ચીન છાનાછપનાં ઇરાન કે અખાતી દેશને પરમાણુ કાર્યક્રમમાં મદદ તો નથી પહોંચાડતું ને... અમેરિકી સેનાએ પરિસ્થિતિ હાથ ધરવા માટે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી દીધી. અમેરિકી વિમાનો આકાશમાં ચકરાવા લેવા લાગ્યા... ને ખબર પડી કે એ માહિતી એ.આઇ. દ્વારા તૈયાર થયેલી જૂઠી ખબર હતી. ચીની જહાજ સામેની કાર્યવાહી રોકી દેવામાં આવી. અમેરિકી સંરક્ષણ વિભાગ અને સ્પેશિલ ઓપરેશન્સ કમાન્ડ પેસિફિક તરફથી આ અંગે વિધિવત કોઇ ટિપ્પણી નથી થઇ, પરંતુ જો ચીની જહાજને અમેરિકી વિમાનોએ નિશાન બનાવ્યું હોત તો ? એનું પરિણામ શું હોય એની કલ્પના ભયાવહ છે. સીએનએનના અહેવાલમાં તેને `લગભગ યુદ્ધ શરૂ થવાની સ્થિતિ' સમાન લેખાવાઇ હતી. એ.આઇ.ની ઊથલપાથલ ઓસ્ટ્રેલિયાએ પણ અનુભવી. ઓસ્ટ્રેલિયા તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એ.આઇ. એજન્ટોએ તેની આરોગ્ય સેવાઓની વેબસાઇટ હેક કરી લીધી હતી. એટલું જ નહીં એ.આઇ. એજન્ટોએ અમેરિકન સરકારની વેબસાઇટ પર હુમલો કર્યો અને કેટલીક ગોપનીય સહિતની મહત્ત્વની માહિતી જાહેર કરી દીધી હતી. આતંકવાદી ઇરાદા ધરાવતા જૂથો માટે એ.આઇ. હાથવગું બ્રહ્માત્ર બની શકે છે. અત્યારના જમાનામાં ટેક્નોલોજી સૌથી મોટું શત્ર કે પડકાર છે. યમનના હુતી વિદ્રોહીઓએ બેલેસ્ટિક મિસાઇલ સંચાલન, નિયંત્રણ અને નેવિગેશન સોફ્ટવેર બનાવવા માટે ક્લોડ એ.આઇ.નો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્થ્રોપિકે આ વાતને સમર્થન આપ્યું હતું. બીજી તરફ એ.આઇ.ની અગ્રણી કંપની ઓપન એ.આઇ.એ કહ્યું હતું કે, તેના કેટલાક એ.આઇ. મોડેલોએ એવાં પગલાં લીધાં જે કંપનીની મરજી વિરુદ્ધ હતા. ઓપન એ.આઇ. સહિત દુનિયાની મોટી એ.આઇ. કંપનીઓના સંચાલકોને હવે લાગે છે કે, દુનિયાના તમામ દેશોએ મળીને એ.આઇ. સામે સુરક્ષાના માપદંડ નિર્ધારિત કરવા જોઇએ. વાત સાચી છે. અનિષ્ટ પરિબળો, વિદ્રોહી જૂથો જે રીતે એ.આઇ.નો દુરુપયોગ કરતા થયા છે એ જોતાં આ ટેક્નોલોજીને નિરંકુશ રીતે કંપનીઓના હાથમાં જ રાખી શકાય. નિયમન કે નિયંત્રણ તો હોવું જ જોઇએ. વિડંબણા એ છે કે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ.આઇ.ને નિયંત્રિત કરવાના વિરોધી છે અને કહે છે કે, આ ટેક્નોલોજીને વિકસાવા દેવી જોઇએ. ટ્રમ્પને એવી ભીતિ છે કે, ચીન ક્યાંક યુ.એસ.થી એ.આઇ. મામલે આગળ નીકળી જશે. બિલ ગેટ્સ અને બીજા ટેક દિગ્ગજો જ્યારે એ.આઇ. માટે ભીતિ દર્શાવતા હોય ત્યારે તેને ગંભીરતાથી લેવી રહી. એ.આઇ.ની નિરંકુશતા કે સ્વચ્છંદી વ્યવહાર ભારત જેવા દેશ માટે ખતરનાક છે. કેમ કે, કરોડો ભારતીયોએ યુપીઆઇ-ઓનલાઇન ચૂકવણા પદ્ધતિ અપનાવી છે. કેટલાક ડિજિટલ પ્લાટફોર્મ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આમાં એકાદી નાની રમત કે એ.આઇ.ની ઉપલબ્ધિથી મોટું નુકસાન થઇ શકે છે. ટૂંકમાં એ.આઇ. અનેક રીતે આશીર્વાદરૂપ પણ છે. તેનો વપરાશ, સંશોધન બંધ ન થવા જોઇએ, બલ્કે વિવેકસભર રીતે તેની હદ નિર્ધારિત કરવી જોઇએ. માનવે શોધેલી આ માયા `ભસ્માસુર'માં પરિવર્તિત ન થાય એનો તોડ માનવીએ જ શોધવો પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd