રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ચૂંટણીપંચ અને મુખ્ય કમિશનર
જ્ઞાનેશકુમારે ગંભીર આક્ષેપોનો ખુલાસો કર્યા પછી હવે પંચની કાર્યવાહી સામે વિરોધ પક્ષોની
લડાઈ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. જ્ઞાનેશકુમારે અન્ય બંને સાથી કમિશનરને સાથે બેસાડીને
- પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી છે કે ચર્ચા - વિચારણામાં મતભેદ વ્યક્ત થયા હોવા છતાં
મતદારયાદીની ફેરતપાસના નિર્ણય સર્વસંમતિથી લેવાયા છે. આ ખુલાસો એમની કામગીરી બાબત છે, જ્યારે વિરોધ પક્ષોને પંચની કાર્યવાહી (મતદારયાદીની
ફેરતપાસ) સામે જ વાંધો છે તેથી હવે જઈંછ (તપાસણી) રદ કરવાની માગણી છે. અત્યાર સુધી
13 કરોડ જેટલા મતદારોનાં નામ કપાયાં
છે તેની પાછળ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો હાથ છે એમ જણાવીને એમનાં રાજીનામાંની
માગણી થઈ છે. કોંગ્રેસ કારોબારીની બેઠક પછી ઇન્ડિ - મોરચાની બેઠક મળી તેમાં પણ વિરોધ
આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરીને ભારતભરમાં
આંદોલન શરૂ થયું છે, પંચની કાર્યવાહી
સામે કાનૂની અને મોદી સરકાર સામે રાજકીય જંગ - લડત શરૂ થઈ છે. વર્ષ 2014માં મોદીને દેશભરમાં અભૂતપૂર્વ
સમર્થન મળ્યું તે પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળ મોદી સરકાર સામે સતત આક્ષેપો અને
એમને હટાવવાના પ્રયાસ - કાવતરાં સ્વદેશી અને વિદેશી થયાં છે અને નિષ્ફળ ગયાં છે, પણ હવે સૌથી વધુ ગંભીર પડકાર છે. ચૂંટણીપંચની
નિષ્પક્ષતા ઉપર શંકા ઉઠાવાઈ અને દેશવ્યાપી વાયરલ થઈ છે. 1975ની ઇમર્જન્સીમાં તત્કાલીન વડાપ્રધાન
ઇન્દિરા ગાંધીએ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકાર છીનવી લીધા હતા. સમગ્ર દેશ ગુલામ બની
ગયો હતો. અખબારી સ્વાતંત્ર્યનાં ગળે ટૂંપો હતો. વિરોધ પક્ષોના નેતાઓ જેલમાં હતા. 19 મહિના સુધી જેલવાસ ભોગવ્યા
પછી જનતાએ ઇન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કર્યાં. લોકસભાની ચૂંટણીમાં સજ્જડ પરાભવ થયો. ભારતની
ગરીબ અને અભણ - નિરક્ષર ગણાતી જનતાની કોઠાસૂઝ હતી. મતાધિકાર પાછો મળતા લોકો - ભલે એક
દિન કા સુલતાન હોય - આંગળીનાં ટેરવાંની શક્તિ બતાવી દીધી. આજે ભૂતકાળનો શાસક પક્ષ કોંગ્રેસ
વિપક્ષ - વિરોધ પક્ષ છે અને તેની `ફરિયાદ' આક્ષેપ
`વોટ ચોરી'નો છે ! 140 કરોડ લોકોની વસતિમાંથી ઘણાં
- 13 કરોડ લોકોનો મતાધિકાર છીનવાઈ
ગયાનો `આરોપ'
છે અને યુવાવર્ગને લોકતંત્રમાં મતાધિકારથી વંચિત રાખવાનો આક્ષેપ - પ્રચાર
જેન - ઝીને ભડકાવીને સમર્થન મેળવવા માટે છે. મોદી સરકાર સામે અત્યાર સુધીનો આ સૌથી
ગંભીર પડકાર છે. કોંગ્રેસી મોરચાની બેઠકમાં આંદોલન વિશે ચર્ચા - વિચારણા થઈ અને મુખ્ય
કમિશનરને પદભ્રષ્ટ કરવા ઉપરાંત વોટિંગ મશીનો ભંગારમાં કાઢીને ફરીથી જૂનાં મતપત્રક
- બેલેટ પેપર દાખલ કરવાની માગણી થઈ છે. `સર' - મતદારયાદીની
ફેરતપાસ રદ કરવાની, હવે પછી બંધ કરવાની માગણી પણ થઈ છે. જો કે
શરૂઆતમાં મમતા બેનરજી અને તેજસ્વી યાદવે બિહાર - બંગાળની છેલ્લી ચૂંટણી રદ કરવાની,
નવેસરથી ચૂંટણી કરવાની માગણી કરી હતી, તે વિષયે
ફરીથી ચર્ચા થઈ નથી. ચૂંટણી કમિશનર સામે ઇમ્પિચમેન્ટ - મહાભિયોગ લાવવાની ચર્ચા તથા
નિર્ણય લેવાયો નથી. વિરોધ પક્ષોની ગણતરી એવી હોઈ શકે કે સંસદમાં સરકારની બહુમતી હોવાથી
પ્રસ્તાવ નામંજૂર થાય તે પહેલાં જનતાની અદાલતમાં સરકાર અને પંચ વિરોધી પ્રચાર કરી શકાય
તેનો ફાયદો ચૂંટણીમાં મળી શકે. આ વ્યૂહ મુજબ દેશભરમાં વિરોધ આંદોલનનો જુસ્સો - ટેમ્પો
જાળવી રાખવો જરૂરી છે. હવે આંદોલન શાંતિમય રહે છે કે પછી હિંસક બને છે, બનાવાય છે તે જોવાનું છે. અશાંતિ અને અનિશ્ચિતતાથી અરાજકતા શરૂ થાય છે. ઇન્દિરા
ગાંધીએ સખત હાથે ઇમર્જન્સી લાદીને વિરોધીઓને દબાવી દીધા હતા, પણ તે પછી મોકો મળતાં લોકશક્તિ જાગી હતી. અત્યારે વિરોધ પક્ષો કાનૂની મોરચો
ખોલીને `ગરમી'
ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને દલીલબાજીમાં આક્ષેપબાજી પણ
ચાલુ હોય તેનો પ્રચાર થઈ શકે. ચૂંટણીપંચને લોકોનો મતાધિકાર છીનવી લેવાની સત્તા નથી,
તો કોણે આપી ? એ વિવાદ છે. સામાન્ય રીતે અત્યાર
સુધી ચૂંટણીપંચ દ્વારા પ્રયાસ થયા છે - લોકોને મતાધિકારનું મહત્ત્વ સમજાવવા માટે વિજ્ઞાપનો
અપાયાં છે અને મતદાન થયા પછી તેની ટકાવારીનું ગૌરવ લેવાયું છે. ભૂતકાળમાં મતદારયાદીઓની
ફેરતપાસ થઈ છે, પણ આ વખતે બાંગલાદેશી - વિદેશીઓની ઘૂસણખોરી અને
મતાધિકાર વેચાયા, વહેંચાયા હોવાની ફરિયાદ હતી. ઘણા પકડાયા પણ
ખરા - વોટ બેન્કની શરૂઆત થઈ તેથી ફેરતપાસ જરૂરી હતી. અયોગ્ય - અપાત્રને મતાધિકારનાં
નામે લોકતંત્રનું અપહરણ થાય, તે કેવી રીતે ચલાવી શકાય
? આ દરમિયાન, એક સમાન નાગરિક સંહિતા અને એક રાષ્ટ્ર
એક ચૂંટણીની ચર્ચા શરૂ થઈ. વડાપ્રધાન મોદીએ મહિલાઓ તથા જેન - ઝીને જીતી લેવાના પ્રયાસ
શરૂ કર્યા એટલે વિરોધ પક્ષો - ચોંકી ઊઠયા. રાહુલ ગાંધીને પણ રાજકીય ભવિષ્યની ચિંતા
થાય તે સ્વાભાવિક છે. આ દરમિયાન યુપીઆઇનાં કારણે વ્યાપારીવર્ગ - ભાજપનું પીઠબળ ગણાય
છે તેનો પણ વિરોધ શરૂ થયો. 370મી કલમ, નોટબંધી,
આતંકવાદનો ખાતમો - આ તમામ સિદ્ધિઓ હવે જાણે ગૌણ બની ગઈ છે ! લોકોની `આઝાદી'
જોખમમાં હોવાનો પ્રચાર જોરદાર થાય છે. હવે સરકાર - મોદી કેવી રીતે વિશ્વાસ
જીતે છે, તે જોવાનું છે. ચૂંટણી કમિશનરોને - ફરજ દરમિયાન એમની
કામગીરીના સંદર્ભમાં કોઈ પ્રકારની કાનૂની કાર્યવાહીમાંથી કાયદેસર મુક્તિ મળી છે તેથી
- સંસદીય મહાભિયોગ સિવાય - બીજી કોઈ કાનૂની ફરિયાદ થઈ શકે નહીં. હવે `મુક્તિ'
રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની વિચારણા થઈ રહી છે. પંચના
જે સ્ટાફ - તથા અધિકારીઓને આવું `કાનૂની રક્ષાકવચ' નથી, તેમની સામે કેસ દાખલ કરીને શરૂઆત થશે. બીજો મુદ્દો
મતદારયાદીની ફેરતપાસ રદ કરવાનો છે. વિરોધ પક્ષો કહે છે આ કાર્યવાહી `ગેરબંધારણીય' છે. સુપ્રીમ કોર્ટ આ કેસ હાથ ધરે તો પણ સુનાવણીમાં
અને ચુકાદો આવતાં સમય લાગશે. તે દરમિયાન સંસદનું શિયાળુ - શીતકાલીન સત્ર શરૂ થશે,
તેમાં ધમાલ થશે. મોદીની જેમ રાહુલ ગાંધીની પણ કસોટી છે. એમણે `સ્થાન'
જમાવ્યું છે અને જાણે છે કે અભી નહીં, તો કભી નહીં
! કોંગ્રેસી મોરચામાં એમણે વિપક્ષી એકતા ઉપર ભાર મૂક્યો અને કહ્યું કે આપણે એકબીજાંના
સંબંધ અને વિરોધાભાસની ટીકા - ટિપ્પણ નહીં કરવી જોઈએ. કેરળ, બંગાળ
કે ઉત્તરપ્રદેશમાં સામ - સામા થવાને બદલે એકતા જાળવવી જોઈએ. રાહુલ ગાંધીનો ઇશારો અખિલેશ
યાદવ અને ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર છે. જાહેરમાં ખેંચતાણ કરવાને બદલે બેઠકોની સમજૂતી
કરવી જોઈએ એવી સલાહ છે !આ બેઠકમાં મમતા બેનરજીએ કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની
શકે, ત્યારે રાહુલ ગાંધીએ `ખુલાસો'
કર્યો કે સત્તા અથવા વડાપ્રધાનપદ માટે આ લડાઈ નથી, આપણે એકતાથી લોકતંત્ર અને સંવિધાન બચાવ્યું છે તેની નોંધ ઇતિહાસકારો લેશે.
મોદી વિરોધીઓમાં વડાપ્રધાનનાં નામે ભંગાણ પડે નહીં તેની કાળજી છે. આમ છતાં,
રાહુલ ગાંધી માને છે કે હવે એમનો કોઈ હરીફ નથી. એવો પ્રચાર છે કે મોદી
મનોવૈજ્ઞાનિક રીતે ઢીલા પડયા છે. `આગામી - છથી આઠ મહિનામાં શું થાય છે તે જુઓ. આપણી એકતાથી એક
ધક્કા ઓર દો...' રાહુલ ગાંધીએ હાલમાં જ
કહ્યું હતું, મને તોફાની દરિયામાં તરવાની મજા આવે છે - હવે વિપક્ષી
એકતા મજબૂત કરવામાં અને રાખવામાં એમની પરીક્ષા છે. ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોની ચૂંટણીઓ
- સમયસર થાય તો એમની એકતાની કસોટી થશે. એક વાત નિશ્ચિત છે : નિર્ણાયક તબક્કો શરૂ થયો
છે તે લાંબો ચાલશે અને રાહુલ ગાંધી જાણે છે : અભી નહીં, તો કભી
નહીં...